- ઈરાન-રીવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે ખુલ્લેઆમ વળતી ધમકી આપતાં કહ્યું : જો ફરી હુમલો થશે તો યુદ્ધ મધ્ય-પૂર્વ પૂરતું જ મર્યાદિત નહીં રહે
નવી દિલ્હી : અમેરિકા-ઈરાન વચ્ચે વધી રહેલી તંગદિલીએ ફરી દુનિયાની ચિંતા વધારી દીધી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ધમકીઓ અને ઈરાન પર ફરી હુમલો કરવાની ઈઝરાયલની માંગણીઓ સામે ઈરાનની સેના 'ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (આઈઆરજીસી)એ સખ્ત ચેતવણી આપી છે.
આઈઆરજીસીએ નિવેદનમાં લખ્યું છે કે 'જો ઈરાન ઉપર ફરીથી હુમલો કરવામાં આવશે તો ક્ષેત્રીય જંગ હવે ક્ષેત્રીય મધ્ય-પૂર્વ સુધી જ સીમિત નહીં રહે, પરંતુ તેથી વ્યાપક આગ ફેલાઈ જશે, ઈરાનના વિનાશક હુમલા દુશ્મનોને કચડી નાખશે.'
ઈરાનનાં સૈન્યની આ ધમકી એવે સમયે આવી છે કે, જ્યારે યુદ્ધ ક્ષેત્ર વિસ્તરતું જાય છે. ઈઝરાયલે દક્ષિણ લેબેનોનમાં હીઝબુલ્લાહ સામે જબરજસ્ત સૈન્ય અભિયાન શરૂ કર્યું છે. જ્યારે ઈરાન સમર્થિત જૂથોને સઉદી અરબ, યુએઈ, કટાર, બેહરિન, કુવૈત અને જોર્ડનમાં રહેલાં અમેરિકાનાં મથકો અને ઊર્જા-સ્થાનો નિશાન બનાવ્યાં. ઈરાને તાજેતરમાં જ યુએઈના ન્યુક્લિયર પ્લાંટ ઉપર હુમલો કર્યો. અમેરિકાએ ઈરાનનાં બંદરોને ઘેરો નાખ્યો છે. હોર્મુઝ ગતિરોધ હજી ઉકેલ્યો નથી. આથી વૈશ્વિક અર્થતંત્ર પર પણ અસર થઈ છે. તેવામાં ઈરાને રેડ-લાઇન દોરતાં કહ્યું કે તે તેનો મિસાઇલ કાર્યક્રમ, પરમાણુ ક્ષમતા અને 'હોર્મુઝ નિયંત્રણ' અંગે બાંધછોડ કરવા તૈયાર નથી. તે સંબંધે સમજૂતી તો શરણાગતિ સમાન બની રહેશે.
બીજી તરફ અમેરિકા બીજા હુમલા વિષે વિચારે છે. અત્યારે દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. બંને તરફ તંગદિલી છે. ભીતિ તે છે કે તેલ પર તરતાં મધ્ય-પૂર્વમાંથી વિશ્વ યુદ્ધનો ભડકો જાગી ન ઉંઠે.


