સીઝ ફાયર ડેડ લાઈન નજીક આવી રહી છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ જાતે જ મંત્રણા માટે પાકિસ્તાન જશે ?

- ઇરાન-અમેરિકા મંત્રણા ફરી શરૂ કરવા પ્રયત્નો થઈ રહ્યા છે : ટ્રમ્પ જાતે કે વર્ચ્યુઅલ મંત્રણામાં હાજર રહેવા માગે છે : સમજૂતી થઈ શકશે
નવી દિલ્હી : અમેરિકા-ઇરાન મંત્રણા ફરી શરૂ કરવા સઘન પ્રયત્નો શરૂ થઈ ગયા છે. એવું લાગે છે ક, બુધવારે સવારે પાકિસ્તાનમાં નવેસરથી જ મંત્રણા શરૂ કરવામાં આવશે. સાધનો જણાવે છે કે તે માટે મંત્રણાઓ ચાલી રહી છે. આમ છતાં તત્કાળ તો કોઈ રાજદ્વારી ઉકેલ આવશે કે કેમ તે માટે નિરીક્ષકો હજી સાવચેતીભર્યું મંતવ્ય આપે છે.
એવું પણ જાણવા મળ્યું છે કે ઇરાન સાથે નવેસરથી મંત્રણા શરૂ થશે તો ટ્રમ્પ પોતે, જાતે કે વર્ચ્યુઅલ તેમાં ઉપસ્થિત રહેવા માગે છે. જેથી સરળતાથી વિધિવત્ સમજૂતી-કરારો સાધી શકાય.
આમ એક તરફ વોશિંગ્ટને આગળ વધવાની ઈચ્છા દર્શાવી દીધી છે. બીજી તરફ તહેરાને હજી કોઈ નિર્ણય લીધો નથી. તે વિકલ્પો વિચારી રહ્યું હોય તેમ લાગે છે, અને હજી સુધી તો કોઈ આખરી નિર્ણય તે મંત્રણા માટે લીધો નથી.
અમેરિકા ઇચ્છે છે કે આ સમજૂતી સાધી શકાય તો વૈશ્વિક બજારોમાં સ્થિરતા આવે. ખાસ કરીને તેલના ભાવમાં સ્થિરતા આવે અને તે વિસ્તાર મધ્ય-પૂર્વ અને પશ્ચિમ-એશિયામાં યુદ્ધોન્માદ શમી જાય.
અમેરિકાની મુખ્ય શરત તે છે કે ઇરાને પરમાણુ બોમ્બ નહીં બનાવવો. બીજી તરફ ઇરાન પોતાનો પરમાણુ કાર્યક્રમ ચાલુ રાખવા મક્કમ છે, સાથે આર્થિક પ્રતિબંધોમાં છૂટ મળે છે. ઉપરાંત હોર્મુઝ-સ્ટ્રેઈટ્સ ઉપરની પોતાની વ્યૂહાત્મક સ્થિતિ તો ચાલુ જ રાખવાનું આગ્રહી છે. આ તે એટલા માટે ચાલુ રાખવા માગે છે કે વૈશ્વિક ઉર્જા માર્ગ ઉપરનો કબજો તેને માટે મંત્રણા દરમિયાન શસ્ત્ર બની રહે.
એક તરફ મંત્રણા વેગ પકડતી હતી ત્યાં બીજી તરફ અમેરિકાએ ઇરાનનાં જહાજ તૌઉસ્કા ની ધરપકડ કરી હતી. કારણ કે અમેરિકા તે બાબતે શંકા હતી કે જહાજમાં શસ્ત્રો છે. ઇરાન તે જહાજને મુક્ત કરવાની માગણી કરે છે. તે સામે યુએસ સેન્ટ્રલ કમાન્ડ કહે છે કે જે જહાજે ઘેરાબંધી તોડી આગળ જવાનો પ્રયત્ન શા માટે કર્યો. તેને ત્રણ ત્રણ વખત ચેતવણી આપી હોવા છતાં તે થંભ્યું નહીં. તેથી અમારે ગોળીબાર કરી તેનો એન્જીન રૂમ તોડી તેને સ્થિર કરવું પડયું. પછી તેની ધરપકડ કરવામાં આવી.
આ નાના એવા બનાવ પ્રત્યે પણ દુનિયાનું ધ્યાન કેન્દ્રિત થઈ ગયું છે. ચીન જે ઇરાનમાં તેમનું સૌથી મોટું ખરીદનાર છે તેણે આ ઘટના અંગે ભારે ચિંતા દર્શાવી હતી. તે જહાજમાં ચીની બનાવટનાં જ શસ્ત્રાસ્ત્રો હતાં.
આમ એક તરફ દુનિયાભરમાં આ નાના તણખાથી મોટો ભડકો થવાની ભીતી ગાજી રહી છે. ત્યારે ઇરાને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે દબાણ નીચે મંત્રણા કરવા જરા પણ તૈયાર નથી. સાથે તંગદિલી વધતી જાય છે. વિશ્વમાં અજંપો વધતો જાય છે.








