ઝેરના 2 ઇન્જેક્શન આપવા છતાં બચી ગયેલી ક્રિસ્ટા પાઇકને ફરી મૃત્યુદંડ અપાશે?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- હત્યાની આરોપી ક્રિસ્ટા પાઇક કઈ રીતે ઘાતક ઇન્જેક્શનની અસરને ખાળીને બચી ગઈ?
- ઘાતક ઝેરના 2 ડોઝ ઇન્જેક્શન પછી પણ મોતને હાથતાળી આપીને પાછી આવેલી ક્રિસ્ટા પાઇકને માફી મળશે?
- મૃત્યુદંડનો અમલ છતાં બચી ગયેલી 50 વર્ષની ક્રિસ્ટા પાઇકને હવે મુક્તિ મળશે?
Krista Pike Death Penalty Case : મૃત્યુદંડની સજા પામેલો અપરાધી સજાના અમલ વખતે જીવતો બચી જાય એવું બને ખરું? બહુ ઓછા કિસ્સામાં બને, પણ બને ખરું. તાજેતરમાં એવો જ એક કિસ્સો અમેરિકાના ટેનેસી રાજ્યમાં બન્યો, જેની ચર્ચા આખી દુનિયામાં ચાલી. 50 વર્ષની ક્રિસ્ટા પાઇકને ઝેરનું ઇન્જેક્શન આપીને મૃત્યુદંડ આપવાની સજાનો અમલ તો થયો, પણ તે બચી ગઈ. આ રીતે જીવતી બચી જનાર તે વિશ્વની પહેલી મહિલા બની. એ ઘટનાના એક મહિના પછી હાલમાં તેણે પોતાની પીડા અને એકલતા વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
મૃત્યુદંડનો અમલ નિષ્ફળ નિવડ્યો
30 સપ્ટેમ્બર 2026ના રોજ ક્રિસ્ટા પાઇકને મૃત્યુદંડ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તેને 'પેન્ટોબાર્બિટલ' નામની ઘાતક દવાના 2 ડોઝ આપવામાં આવ્યા. તેમ છતાં તે ન મરી. તેની તબિયત લથડી જતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં તે ઘણા દિવસો સુધી વેન્ટિલેટર પર બેભાન રહી. તેના વકીલોને પણ તેના બચવાની કોઈ આશા નહોતી. ક્રિસ્ટાના હાથમાં નસ શોધવા માટે 7 જેટલી અલગ-અલગ સોયનો ઉપયોગ કરવામાં આવ્યો. ઇન્જેક્શન આપતી વખતે પાઇકે ફરિયાદ પણ કરી હતી કે તેના હાથની નસ ફાટી જશે એવું તેને લાગી રહ્યું છે. તેના વકીલોનું માનવું છે કે દવા સીધી લોહીના પ્રવાહમાં પ્રવેશવાને બદલે હાથમાં જ જમા થઈ ગઈ હતી. તેથી તે મૃત્યુ પામી ન હતી.
પાઇકનું દર્દનાક નિવેદન
ઘણા દિવસોની સારવાર પછી 10 ઓક્ટોબરના રોજ પાઇકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. તેને ટેનેસીના ડેબ્રા કે. જોહ્ન્સન રિહેબિલિટેશન સેન્ટરમાં કેદ કરવામાં આવી. જેલની હોસ્પિટલમાં એકલી રહેલી પાઇકે પોતાના વકીલો મારફતે આપેલા નિવેદનમાં કહ્યું છે કે, ‘મને ખબર નથી કે હું કેમ બચી ગઈ. મેં મારી જાતને મરવા માટે તૈયાર કરી લીધી હતી. પરંતુ જ્યારે ભાનમાં આવી ત્યારે હું હોસ્પિટલના પલંગ પર એકલી હતી.’
તેણે પોતાની શારીરિક અને માનસિક પીડા વર્ણવતા કહ્યું, ‘તે રાતથી એક પણ ક્ષણ પીડા વગર પસાર થઈ નથી. મારું આખું શરીર દુખે છે. મારા હાથ અને ગળામાં દુખાવો થાય છે. મને બોલવામાં પણ તકલીફ પડે છે. મારો આ દુખાવો ફક્ત શારીરિક નથી, મારા મન અને આત્મામાં પણ ઊંડો દુખાવો છે.’ પોતાની ભૂલ બદલ પસ્તાવો કરતા પાઇકે કહ્યું કે, ‘હું કોલીનના પરિવાર અને તેમણે સહન કરેલી ભયંકર પીડા વિશે વિચારીને દુખી થતી રહું છું.’
ક્રિસ્ટાનો ગુનો શું હતો?
મુશ્કેલ બાળપણઃ ક્રિસ્ટા પાઇકનું બાળપણ મુશ્કેલ હતું. તેની માતાને દારૂની લત હોવાથી ક્રિસ્ટા નાનપણથી જ ખરાબ વર્તનનો ભોગ બની હતી. તેણે હાઈસ્કૂલનું ભણતર અધવચ્ચે જ છોડી દેવું પડેલું. જીવનને યોગ્ય દિશા આપવા અને રોજગારલક્ષી કૌશલ્ય શીખવાના આશયથી તે નોક્સવિલેના 'જોબ કોર્પ્સ' નામના તાલીમ કેન્દ્રમાં જોડાઈ, જ્યાં તે ટેડેરિલ શિપ અને કોલીન સ્લેમરના સંપર્કમાં આવી.
પ્રેમરંગમાં ઈર્ષા ભળીઃ 1995માં ક્રિસ્ટા 18 વર્ષની હતી ત્યારે તે 17 વર્ષના ટેડેરિલ શિપના પ્રેમમાં પડી. થોડા સમય બાદ ક્રિસ્ટાને શંકા ગઈ કે કોલીન તેના બોયફ્રેન્ડ ટેડેરિલ શિપને પસંદ કરે છે અને તેને તેની પાસેથી છીનવી લેવાની કોશિશ કરી રહી છે. આ વાતને લીધે ક્રિસ્ટાના મનમાં કોલીન પ્રત્યે ભારે નફરત અને ઈર્ષા પેદા થઈ. તેણે કોલીન સાથે ઝઘડો પણ કર્યો.
હત્યા કેવી રીતે કરી?
12 જાન્યુઆરી, 1995ના રોજ ક્રિસ્ટા, તેના બોયફ્રેન્ડ અને અન્ય એક મહિલા મિત્ર(શડોલા પીટરસન)એ કોલીન સાથે વાતચીત કરીને ઝઘડો પૂરો કરવાના બહાને નોક્સવિલે કેમ્પસ પાસે એક નિર્જન જંગલ વિસ્તારમાં મીટિંગ ગોઠવી. ત્યાં ભેગા થયા પછી ક્રિસ્ટા અને તેના સાથીઓએ કોલીન પર હુમલો કર્યો. તેમણે લગભગ અડધા કલાક સુધી કોલીનને માર મારીને અમાનવીય ત્રાસ આપ્યો અને અંતે તેના માથા પર પથ્થર મારીને તથા છરીના ઘા ઝીંકીને તેની ઘાતકી હત્યા કરી નાખી. જાણે બહુ મોટું પરાક્રમ કર્યું હોય એમ ક્રિસ્ટાએ કોલીનની ખોપરીનો એક ટુકડો પોતાની પાસે યાદગીરી રૂપે રાખી લીધો.
કોને કેટલી સજા મળી?
શડોલા પીટરસને ગુનો કબૂલીને કોર્ટમાં ક્રિસ્ટા અને ટેડેરિલ વિરુદ્ધ જુબાની આપી, તેથી તેને જેલની સજા નહોતી થઈ. તેને 'પ્રોબેશન' (શરતી મુક્તિ) પર છોડવામાં આવી.
હત્યા સમયે ટેડેરિલ શિપ 17 વર્ષનો સગીર હોવાથી કાયદા મુજબ તેને મૃત્યુદંડ આપી શકાય તેમ નહોતો. તેથી કોર્ટે તેને પેરોલની શક્યતા સાથે આજીવન કેદની સજા ફટકારી.
કોલીનની હત્યા કર્યા પછી ક્રિસ્ટાએ કોલીનની ખોપરીનો ટુકડો 'જોબ કોર્પ્સ' સેન્ટરના અન્ય વિદ્યાર્થીઓને બતાવ્યો હતો અને પોતે કોલીનની હત્યા કરી હોવા અંગે ગર્વથી બડાઈ હાંકી હતી. કોર્ટની કાર્યવાહીમાં આ બાબતને ખૂબ ગંભીરતાથી લેવામાં આવી. ગુનો છુપાવવાને બદલે ખોપરીના ટુકડાનું ખુલ્લેઆમ પ્રદર્શન કરવાની તેની વિકૃત માનસિકતા એ વાતની સાબિતી હતી કે હત્યા અત્યંત ઠંડા કલેજે કરવામાં આવી હતી. આ જ કારણસર તેને આજીવન કેદને બદલે સીધી મૃત્યુદંડની કડક સજા ફટકારવામાં આવી હતી. 18 વર્ષની ક્રિસ્ટા અમેરિકામાં મૃત્યુદંડની સજા પામનાર સૌથી નાની વયની મહિલા બની.
ક્રિસ્ટાના મૃત્યુદંડના અમલમાં 30 વર્ષ કેમ લાગ્યા?
ક્રિસ્ટાના વકીલોએ તેની માનસિક બીમારી અને અત્યંત ખરાબ બાળપણનો હવાલો આપીને વારંવાર રાજ્ય અને સંઘીય (ફેડરલ) કોર્ટમાં અપીલો કરી. કાનૂની લડાઈઓ અને સુનાવણીઓ દાયકાઓ સુધી ચાલતી રહી. દરમિયાન ટેનેસી રાજ્યમાં ઘાતક ઇન્જેક્શનમાં વપરાતી દવાઓ અને તેના પ્રોટોકોલ સામે માનવાધિકાર સંગઠનો અને વકીલોએ કોર્ટમાં અનેક પડકારો ફેંક્યા, જેને કારણે રાજ્ય સરકારે વચ્ચે ઘણા વર્ષો સુધી તમામ ફાંસીઓ પર રોક લગાવી દીધી હતી. તેથી ક્રિસ્ટાના મૃત્યુદંડના અમલમાં 30 વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો હતો. છેવટે 2026માં જ્યારે મૃત્યુદંડનો અમલ કરાયો ત્યારે ક્રિસ્ટા મોતને હાથતાળી આપીને બચી ગઈ.
શું ક્રિસ્ટાને ફરીથી ફાંસી આપવામાં આવશે?
આ સવાલનો કોઈ સ્પષ્ટ જવાબ હજુ નથી. ક્રિસ્ટાને માથે હજુ પણ મૃત્યુદંડની તલવાર લટકે છે. તેના વકીલો સજાને આજીવન કેદમાં ફેરવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે. 2022માં અલાબામા રાજ્યમાં કેનેથ સ્મિથ નામનો ગુનેગાર પણ ઘાતક ઇન્જેક્શન આપવા છતાં જીવતો બચી ગયો હતો. તેને માફી આપવાને બદલે જાન્યુઆરી 2024માં તેને 'નાઇટ્રોજન ગેસ' દ્વારા ફરીથી મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. ક્રિસ્ટા પાઇક સાથે પણ એવું કંઈક બની શકે. સજા યથાવત રહે, ફક્ત મૃત્યુદંડની પદ્ધતિ બદલાય.




