ટ્રમ્પ પોતાની દરેક મીટિંગમાં કેમ રાખે છે આ ‘રમકડું’? જાણો શેનો કરે છે દેખાડો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump Dream Project Plane : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર ટેરિફ, વૈશ્વિક નિર્ણયો કે વિવાદાસ્પદ નિવેદનોના કારણે જ નહીં, પરંતુ એક ખાસ વિમાનના મોડેલના કારણે પણ ખૂબ ચર્ચામાં રહ્યા છે. જ્યારે પણ વ્હાઈટ હાઉસના ઓવલ ઓફિસમાં હાઈ-પ્રોફાઈલ બેઠકો યોજાય છે, ત્યારે વિદેશી નેતાઓની સામે ટેબલ પર એક વિમાનનું મોડેલ જરૂર જોવા મળે છે. તાજેતરમાં જ ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂ વચ્ચે યોજાયેલી બેઠક વખતે પણ આ વિશેષ વિમાન જોવા મળ્યું હતું. હવે આ મોડેલને લઈને કેટલીક રસપ્રદ અને કૂટનૈતિક વિગતો સામે આવી છે.

દરેક ફોટોમાં પ્લેન દેખાવું ફરજિયાત
વ્હાઈટ હાઉસમાં યોજાતી બેઠકોમાં ડોનાલ્ડ ટ્રમ્પની સામે રાખેલું આ વિમાન કોઈ સાધારણ રમકડું કે શો-પીસ નથી, પરંતુ અમેરિકાની તાકાત અને કૂટનીતિનું સૌથી મોટું પ્રતીક બની ગયું છે. વ્હાઈટ હાઉસના ફોટોગ્રાફર્સને પણ સ્પષ્ટ હિદાયત આપવામાં આવી છે કે તેઓ કોઈપણ તસવીર ખેંચે તો તેમાં આ પ્લેન જરૂર દેખાવું જોઈએ.

ટ્રમ્પના ઓવલ ઓફિસમાં મૂકેલા વિમાનનો સાચો અર્થ
આ મોડેલ વાસ્તવમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ માટે ઉપયોગમાં લેવાતા ઉડતા મહેલ એટલે કે 'એર ફોર્સ વન' (Air Force One) ની નવી ડિઝાઇનનું મોડેલ છે. એવું કહેવાય છે કે ટ્રમ્પે પોતે આ વિમાનની ડિઝાઇન તૈયાર કરી છે. તેઓ પોતાના આ ક્રાફ્ટને લઈને એટલા ઉત્સાહિત છે કે દરેક વિદેશી મહેમાનની સામે ટેબલની બરાબર મધ્યમાં તેને સજાવીને રાખે છે.

વિમાનના રંગ બદલાતા અમેરિકામાં રાજકીય વિવાદ
એર ફોર્સ વનના આ નવા મોડેલના કારણે અમેરિકાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો હતો. ટ્રમ્પે એર ફોર્સ વનના દાયકાઓ જૂના પરંપરાગત વાદળી અને સફેદ રંગને બદલીને પોતાની પસંદગીના ઘેરા લાલ, સફેદ અને વાદળી રંગનો ઉપયોગ કર્યો છે. આ તેમનો પર્સનલ ડ્રીમ પ્રોજેક્ટ છે, જેને તેઓ મીડિયાના કેમેરા સામે સતત ચમકાવવા માગે છે.

હાઈ-પ્રોફાઈલ મીટિંગ્સનો 'સુપરસ્ટાર'
ઈઝરાયેલના પીએમ નેતન્યાહૂ હોય કે વિશ્વનો અન્ય કોઈ મોટો નેતા, મીડિયાના કેમેરા સામે બધાએ આ મોડેલ સાથે પોઝ આપવો જ પડે છે. આ માત્ર એક શો-પીસ નથી પરંતુ ટ્રમ્પની કૂટનીતિનું એક મોટું માધ્યમ બની ગયું છે.
ટ્રમ્પ આ વિમાન બતાવીને શું મેસેજ આપવા માગે છે?
રિપોર્ટ મુજબ, ટ્રમ્પે બોઈંગ કંપની સાથે એર ફોર્સ વનમાં નવા વિમાનો સામેલ કરવા માટે સખત મોલભાવ કર્યો હતો. તેઓ વારંવાર મીડિયા અને વૈશ્વિક નેતાઓ સામે આ મોડેલ રાખીને એ મેસેજ આપવા માગે છે કે તેમણે અમેરિકન પ્રજાના કરોડો ડોલરનો ટેક્સ બચાવીને એક ઐતિહાસિક ડીલ પાકી કરી છે. તેઓ જાણે છે કે વ્હાઈટ હાઉસની દરેક તસવીર વિશ્વભરના મીડિયામાં છવાયેલી રહે છે, તેથી તેઓ મુખ્ય કૂટનૈતિક મુદ્દાઓ વચ્ચે પોતાના આ ડ્રીમ પ્રોજેક્ટ તરફ સૌનું ધ્યાન ખેંચે છે.

ટ્રમ્પની ઓફિસનું ગુપ્ત કલેક્શન
ડોનાલ્ડ ટ્રમ્પનો બેકગ્રાઉન્ડ એક બિઝનેસમેનનો રહ્યો છે, તેથી તેઓ પોતાની મિલકતો અને શૈલીનું પ્રદર્શન કરવા માટે જાણીતા છે. નવા 'એર ફોર્સ વન'નું કલર કોમ્બિનેશન પણ તેમના પર્સનલ પ્રાઇવેટ જેટ સાથે ઘણું મળતું આવે છે. તેઓ વ્હાઈટ હાઉસના પરંપરાગત વારસા પર પોતાની એક અલગ છાપ છોડવા માગે છે.
તાજેતરમાં વ્હાઈટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ ડેન સ્કેવિનોએ એક વિડીયો ટૂર શેર કરી હતી, જેનાથી અન્ય એક ખુલાસો થયો છે. પ્રમુખ ટ્રમ્પે પોતાની ઓવલ ઓફિસને ઘણા લડાકુ વિમાનોના મોડેલ્સથી સજાવી રાખી છે. તેમના આ ખાસ કલેક્શનમાં યુએસ નેવીનું 'બ્લૂ એન્જલ્સ' ફાઈટર જેટ, અત્યંત ખતરનાક F-35 સ્ટીલ્થ ફાઈટર અને કતર તરફથી ભેટમાં મળેલા પ્લેનનું મોડેલ સામેલ છે. આ ઉપરાંત સુપરસોનિક પેસેન્જર પ્લેન બનાવતી અમેરિકન કંપની 'Boom' ના જેટનું મોડેલ પણ તેમની ઓફિસમાં શોભા વધારી રહ્યું છે.









