Get The App

આયતુલ્લા ખામેનેઈનો 'ખાસ' જ ઈઝરાયલી જાસૂસ? IRGCએ મૃત્યુદંડ ફટકાર્યાનો દાવો

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
Esmail Qaani Spy Allegations
(IMAGE - IANS)

Esmail Qaani Spy Allegations: અમેરિકા અને ઈઝરાયલ સાથેના ભીષણ સંઘર્ષની વચ્ચે, ઈરાની કુદ્સ ફોર્સના કમાન્ડર બ્રિગેડિયર જનરલ ઇસ્માઇલ કાની વિશેનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે. વૈશ્વિક મીડિયામાં એવી અટકળો લગાવાઈ રહી છે કે કાની ઈઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદ માટે જાસૂસી કરતા હતા અને તેમણે ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈ સાથે વિશ્વાસઘાત કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા સમાચારો મુજબ, જાસૂસીની આશંકાના કારણે ઈરાની સત્તાવાળાઓએ તેમની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે અને કેટલાક અહેવાલો તો તેમના મોતના દાવા પણ કરી રહ્યા છે, જોકે ઈરાન દ્વારા આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

કાનીના કાર્યકાળમાં અનેક દિગ્ગજ નેતાઓના મોત

ઇસ્માઇલ કાનીએ વર્ષ 2020માં કાસિમ સુલેમાનીના મોત બાદ કુદ્સ ફોર્સની કમાન સંભાળી હતી. તેમના કાર્યકાળ દરમિયાન ઈરાનના 'એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ' નેટવર્કને મોટા ઝટકા લાગ્યા છે, જેમાં હિઝબુલ્લાહ ચીફ હસન નસરલ્લાહ, હમાસના નેતા ઇસ્માઇલ હનિયેહ અને તાજેતરમાં આયતુલ્લા અલી ખામેનેઈના મોતે ઈરાનના સંરક્ષણ માળખાને હચમચાવી દીધું છે. 

મોસાદ સાથે મિલીભગતની આશંકા

કાની પર શંકા એટલે ઘેરી બની છે કારણ કે જે હુમલામાં ખામેનેઈ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓના મોત થયા, તે બિલ્ડિંગમાં હાજર હોવા છતાં ઇસ્માઇલ કાની આશ્ચર્યજનક રીતે બચી ગયા હતા. આ અગાઉ પણ અનેક જીવલેણ હુમલાઓમાંથી તેઓ હેમખેમ બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, જેના કારણે તેમના પર મોસાદ સાથે મિલીભગત હોવાની શંકા દ્રઢ બની છે.

આ પણ વાંચો: ચીનના 'નાસ્ત્રેદમસ'ની ઈરાન-અમેરિકા યુદ્ધ અંગે 3 ભવિષ્યવાણીમાંથી 2 સાચી ઠરી, ત્રીજીએ ચોંકાવ્યા

મોસાદની ઘૂસણખોરી અને કાનીની પૂછપરછ

ઈરાન અત્યારે પોતાના સુરક્ષા તંત્રમાં થયેલા ગાબડાંની ગંભીરતાથી તપાસ કરી રહ્યું છે. મોસાદ દ્વારા ઈરાની નેટવર્કમાં કરવામાં આવેલી ઘૂસણખોરી બાદ કાની અને તેમની ટીમની પૂછપરછ કરવામાં આવી હોવાના પણ અહેવાલ છે. ખાસ મહત્ત્વની વાત એ છે કે ઈઝરાયલ દ્વારા જે ઈરાની અધિકારીઓની 'હિટ લિસ્ટ' જાહેર કરવામાં આવી હતી, તેમાં કાનીનું નામ નહોતું. હાલમાં ઇસ્માઇલ કાનીના ભાગ્યને લઈને ચાલી રહેલી આ તમામ વાતો માત્ર અટકળો પર આધારિત છે. જ્યાં સુધી ઈરાન સત્તાવાર નિવેદન જાહેર ન કરે ત્યાં સુધી આ ઘટનાક્રમ એક ગંભીર સૈન્ય અને રાજદ્વારી રહસ્ય બની રહેશે.

આયતુલ્લા ખામેનેઈનો 'ખાસ' જ ઈઝરાયલી જાસૂસ? IRGCએ મૃત્યુદંડ ફટકાર્યાનો દાવો 2 - image