આગામી 10 વર્ષમાં કયા ધર્મની વસ્તી સૌથી વધુ વધશે? જાણો ભારત-પાકિસ્તાન સહિત વિશ્વનો રિપોર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

World's Largest Religion By 2035 : વિશ્વની ધાર્મિક વસ્તીના સમીકરણો આગામી એક દાયકામાં ઝડપથી બદલાવા જઈ રહ્યા છે. જાણીતી સંસ્થા પ્યુ રિસર્ચ સેન્ટરના તાજેતરના વ્યાપક અહેવાલ મુજબ, વર્ષ 2035 સુધીમાં મુસ્લિમોની વસ્તી ખ્રિસ્તીઓને પાછળ છોડી શકે છે અને ઈસ્લામ વિશ્વનો સૌથી મોટો ધર્મ બની શકે છે. હાલના આંકડાકીય વલણો પરથી સ્પષ્ટ થાય છે કે, આ ઐતિહાસિક પરિવર્તનમાં હવે 10 વર્ષથી પણ ઓછો સમય બાકી રહ્યો છે, જ્યારે વૈશ્વિક વસ્તીમાં હિન્દુ અને યહૂદી સમુદાયની ટકાવારીમાં ઘટાડો જોવા મળશે.
વસ્તી વધારા પાછળ પ્રજનન દર મુખ્ય પરિબળ
છેલ્લા 25 વર્ષથી ધાર્મિક જનસાંખ્યિકી પર સચોટ અહેવાલો રજૂ કરતી સંસ્થા પ્યુ રિસર્ચ સેન્ટરના જણાવ્યા અનુસાર, વૈશ્વિક સ્તરે ઈસ્લામ અને ખ્રિસ્તી બંને ધર્મોની વસ્તી વધી રહી છે, પરંતુ મુસ્લિમ વસ્તીની વૃદ્ધિની ગતિ ઘણી વધારે છે. સંસ્થાના વરિષ્ઠ વસ્તી નિષ્ણાત કોનરાડ હેકેટે સ્પષ્ટ કર્યું છે કે આ ફેરફાર પાછળ ધર્મ પરિવર્તન કરતાં પ્રજનન દર (ફર્ટિલિટી રેટ) સૌથી મોટું પરિબળ છે. વર્ષ 2020 થી 2025 દરમિયાન મુસ્લિમ મહિલાઓનો પ્રજનન દર પ્રતિ મહિલા 3.1 બાળકોનો રહ્યો છે, જેની સામે ખ્રિસ્તીઓમાં આ દર 2.5 અને અન્ય ધર્મોની મહિલાઓમાં સરેરાશ 1.6 નોંધાયો છે. પેઢીનું સંતુલન જાળવી રાખવા માટે જરૂરી 2.1 ના દર કરતાં અન્ય સમુદાયોનો દર ઘણો નીચો છે.
2070 સુધીમાં મુસ્લિમ વસ્તી 3.6 અબજને પાર પહોંચશે
વર્ષ 2020 થી 2070 વચ્ચેના 50 વર્ષના ગાળામાં વિશ્વના મુખ્ય ધાર્મિક સમૂહોની વય રચના, સ્થળાંતર અને પ્રજનન દરના આધારે આ અંદાજ તૈયાર કરવામાં આવ્યો છે. વર્ષ 2020 માં વિશ્વમાં 2.27 અબજ ખ્રિસ્તી અને 2.02 અબજ મુસ્લિમો હતા. નવા અંદાજ મુજબ 2035 સુધીમાં મુસ્લિમોની સંખ્યા 2.57 અબજ અને ખ્રિસ્તીઓની સંખ્યા 2.52 અબજ થઈ જશે. જો આ જ ગતિ જળવાઈ રહેશે તો 2070 સુધીમાં વિશ્વમાં મુસ્લિમોની કુલ વસ્તી 3.6 અબજથી પણ વધુ થઈ જશે, જ્યારે ખ્રિસ્તીઓની સંખ્યા 3 અબજની આસપાસ રહેશે.
અમેરિકા અને કેનેડામાં ખ્રિસ્તી બહુમતી ઘટવાનો અંદાજ
અહેવાલનું એક મહત્વનું તારણ પશ્ચિમી દેશોની બદલાતી સ્થિતિ તરફ પણ ઈશારો કરે છે. આગામી 40 વર્ષમાં સંયુક્ત રાજ્ય અમેરિકામાં ખ્રિસ્તીઓ બહુમતીમાં રહેશે નહીં. હાલમાં અમેરિકાની કુલ વસ્તીમાં ખ્રિસ્તીઓનો હિસ્સો 62% છે, જે 2065 સુધીમાં ઘટીને 50% થી નીચે આવી જશે. પાડોશી દેશ કેનેડામાં પણ વર્ષ 2030 સુધીમાં ખ્રિસ્તી વસ્તી 50% થી ઓછી થવાની સંભાવના છે. આ બંને દેશોમાં કોઈ પણ ધર્મ સાથે ન જોડાયેલા એટલે કે નાસ્તિક કે બિન-ધાર્મિક લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે, જે 2070 સુધીમાં અમેરિકાની વસ્તીના 41% સુધી પહોંચી જશે અને કેનેડામાં ખ્રિસ્તીઓ કરતાં પણ વધી જશે.
મુસ્લિમ વસ્તીમાં 80% અને ખ્રિસ્તી વસ્તીમાં 30% વૃદ્ધિની શક્યતા
વર્ષ 2020 થી 2070 દરમિયાન સમગ્ર વિશ્વની કુલ વસ્તીમાં 29% નો વધારો થવાનું અનુમાન છે. વિશ્લેષણ કરાયેલા તમામ ધાર્મિક સમૂહોમાં માત્ર મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાય જ વૈશ્વિક વૃદ્ધિ દરની બરાબર અથવા તેનાથી વધુ ઝડપે આગળ વધશે. આ સમયગાળામાં ખ્રિસ્તીઓની વસ્તીમાં 30% નો વધારો થશે, જ્યારે મુસ્લિમોની વસ્તીમાં 80% જેટલો જંગી ઉછાળો જોવા મળી શકે છે.
હિન્દુ, યહૂદી અને બૌદ્ધ સમુદાયની વૈશ્વિક હિસ્સેદારી ઘટશે
વૈશ્વિક વસ્તીના પ્રમાણમાં અન્ય મુખ્ય ધર્મોની ટકાવારીમાં ઘટાડો થવાના સંકેત મળ્યા છે. પ્યુ રિસર્ચના મતે હિન્દુ અને યહૂદીઓની કુલ વસ્તીમાં ચોક્કસપણે વધારો થઈ રહ્યો છે, પરંતુ વૈશ્વિક વસ્તીની સરખામણીએ તેમની ટકાવારી ઘટશે. બીજી તરફ બૌદ્ધ ધર્મના અનુયાયીઓની કુલ સંખ્યા અને વૈશ્વિક હિસ્સો બંનેમાં ઘટાડો નોંધાશે, જેની પાછળ ચીન, દક્ષિણ કોરિયા અને જાપાન જેવા દેશોની કુલ વસ્તીમાં થઈ રહેલો સંભવિત ઘટાડો મુખ્ય કારણ છે.
નવજાત બાળકોના જન્મદરમાં મુસ્લિમ સમુદાય મોખરે
વર્ષ 2020 થી 2025 ના પાંચ વર્ષના સમયગાળામાં અન્ય કોઈ પણ ધર્મની તુલનામાં મુસ્લિમ માતાઓ દ્વારા સૌથી વધુ બાળકોને જન્મ આપવામાં આવ્યો છે. આ ગાળામાં મુસ્લિમ સમુદાયમાં અંદાજે 252 મિલિયન બાળકોનો જન્મ થયો હતો, જ્યારે ખ્રિસ્તી સમુદાયમાં 208 મિલિયન બાળકો જન્મ્યા હતા. આગામી દાયકાઓમાં માત્ર મુસ્લિમ સમુદાયમાં જ જન્મ લેનારા બાળકોની સંખ્યા વધવાની અપેક્ષા છે, જ્યારે અન્ય સમૂહોમાં આ સંખ્યા સ્થિર રહેશે અથવા ધીમે ધીમે ઘટશે.
2070 સુધીમાં પાકિસ્તાનમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી હશે
દેશવાર વસ્તીના સમીકરણો પર નજર કરીએ તો, જો વર્તમાન વલણો યથાવત રહેશે તો વર્ષ 2070 સુધીમાં પાકિસ્તાન વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની જશે. ત્યારબાદ મુસ્લિમ વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત બીજા ક્રમે, નાઈજીરિયા ત્રીજા ક્રમે અને ઈન્ડોનેશિયા ચોથા સ્થાને રહેશે.




