| વાઈરલ તસવીર |
Strait of Hormuz: ઈરાને મંગળવારે ફરી એકવાર અમેરિકાને કડક ચેતવણી આપી છે કે જો કોઈ દેશ તેના પર હુમલો કરશે, તો તેની સેના તેને જડબાતોડ જવાબ આપશે. તેહરાનમાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના ખાતમ અલ-અનબિયા મુખ્યાલયના પ્રવક્તા ઈબ્રાહિમ જોલફાઘરીએ કહ્યું કે, ઈરાના સશસ્ત્ર દળો દેશ પર હુમલો કરનાર કોઈપણ હુમલાખોરના પગ કાપી નાખશે. ઈરાની સરકારી મીડિયા પ્રેસ ટીવીએ આ જાણકારી આપી હતી.
રશિયાના ચેચન લડવૈયાઓ ઈરાનમાં પહેરો ભરશે?
પ્રેસ ટીવીના જણાવ્યા અનુસાર, રશિયાના ચેચન લડવૈયાઓ પણ જરૂર પડ્યે ઈરાનમાં તૈનાત થવા માટે તૈયાર છે, ખાસ કરીને જો અમેરિકા જમીની હુમલો કરે તો. આ દરમિયાન વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ)ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા સૈન્ય અભિયાનને ખતમ કરવા પર વિચાર કરી રહ્યા છે, ભલે હોર્મુઝ સ્ટ્રેટ બંધ જ કેમ ન રહે.
સૈન્ય અભિયાન ઘટાડવા માટે તૈયાર છે ટ્રમ્પ?
રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે પોતાના સહયોગીઓને કહ્યું છે કે તેઓ ઈરાન વિરુદ્ધ સૈન્ય અભિયાનને ચારથી છ અઠવાડિયામાં ઘટાડવા માટે તૈયાર છે, ભલે હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે બંધ રહે. આ નિર્ણયથી આ મહત્વપૂર્ણ જળમાર્ગ પર તેહરાનનું નિયંત્રણ વધી શકે છે. તેને ફરીથી ખોલવા માટે રાજદ્વારી પ્રયાસો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે ઈરાનની નૌસેના અને મિસાઈલ ક્ષમતાને નબળી પાડવા જેવા મોટા લક્ષ્યો હાંસલ કરી લેવામાં આવ્યા છે, તેથી હવે આ સંઘર્ષને ખતમ કરી શકાય છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પનું માનવું છે કે દરિયાઈ અભિયાનમાં લાંબા સમય સુધી સામેલ થયા વિના પોતાના મુખ્ય સૈન્ય લક્ષ્યો હાંસલ કરીને અમેરિકા જીતનો દાવો કરી શકે છે.
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ મેનેજમેન્ટ પ્લાનને મંજૂરી આપી
બીજી તરફ ઈરાનની સંસદની સુરક્ષા સમિતિએ હોર્મુઝ સ્ટ્રેટ મેનેજમેન્ટ પ્લાનને મંજૂરી આપી દીધી છે. ઈરાની સરકારી મીડિયા અનુસાર, આ યોજનામાં આ જળમાર્ગ પરથી પસાર થતા જહાજો પર ટેક્સ વસૂલવાની જોગવાઈ છે. આ યોજનામાં સ્ટ્રેટની સુરક્ષા, જહાજોની સલામતી, પર્યાવરણ સંરક્ષણ, નાણાકીય વ્યવસ્થા અને રિયાલ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવા જેવા મહત્વના મુદ્દાઓ સામેલ છે.
અમેરિકન-ઈઝરાયલ જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા દેવામાં આવશે નહીં
આ ઉપરાંત, આ યોજનામાં અમેરિકન અને ઈઝરાયલના જહાજોના પસાર થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સાથે જ, ઈરાન વિરુદ્ધ એકતરફી પ્રતિબંધો લગાવનારા દેશોના જહાજોને પણ આ માર્ગ પરથી પસાર થવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમાં ઓમાન સાથે મળીને કાયદાકીય માળખું તૈયાર કરવાની વાત પણ કહેવામાં આવી છે. આ નિર્ણયો પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ ગઠબંધન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે લેવામાં આવ્યા છે, જે હવે બીજા મહિનામાં પ્રવેશી ચૂક્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંથી એક છે, જ્યાંથી વિશ્વના તેલનો મોટો હિસ્સો પસાર થાય છે.


