ટ્રમ્પ-નેતન્યાહુની હત્યા કરીને જ જંપીશું : ઇરાનીઓ વિફર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન પર 37 વર્ષ સુધી શાસન કરનારા સુપ્રીમ લીડર ખામેનેઈની અંતિમ યાત્રામાં કરોડો લોકો ઉમટયા
તેહરાન/વોશિંગ્ટન: ઈરાન પર ૩૭ વર્ષ સુધી શાસન કરનારા સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલિ ખામેનેઈની અંતિમ યાત્રામાં રવિવારે કરોડો લોકો તહેરાનના રસ્તા પર ઉમટી પડયા હતા. તહેરાનના ખુમૈની ગ્રાન્ડ મોસલ્લામાં આયોજિત પ્રાર્થના સભામાં લાખો લોકોએ ખામેનેઈને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સમયે મંચ પરથી ઈરાનીઓએ ખુલ્લેઆમ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની હત્યા આપણી ફરજ છે, દુનિયાનો સૌથી ખરાબ માણસ હજુ સુધી જીવીત શા માટે છે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજીબાજુ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે તેઓ એક જ હુમલામાં બધું ખતમ કરી શકે છે તેવી ઈરાનને ચેતવણી આપી હતી.
મને હતું કે ઈરાનીઓ ખામેનેઈને નફરત કરતા હતા, અંતિમયાત્રામાં ઉમટેલા કરોડો લોકોના આંસુ નકલી, એક હુમલામાં બધું ખતમ કરી શકું ઃ પ્રમુખ ટ્રમ્પ
પશ્ચિમ એશિયામાં યુદ્ધનો કાયમી અંત લાવવા માટે અમેરિકા અને ઈરાન વાટાઘાટો કરી રહ્યા છે ત્યારે અમેરિકા અને ઈઝરાયેલના ૨૮ ફેબુ્રઆરીના હુમલામાં માર્યા ગયેલા સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલિ ખામેનેઈની અંતિમ યાત્રામાં તહેરાનમાં કરોડો લોકો ઉમટયા હતા. તહેરાનમાં ગ્રાન્ડ મોસલ્લામાં ખામેનેઈના તાબૂતની સાથે તેમના પરિવારના અન્ય ચાર લોકોના તાબૂત પણ મૂકાયા હતા, જેમાં તેમની પૌત્રીનો પણ સમાવેશ થાય છે. આ પ્રાર્થના સભામાં મંચ પરથી અમેરિકન પ્રમુખ ટ્રમ્પના વિરુદ્ધ સીધું આહ્વાન થયું હતું.
ગ્રાન્ડ મોસલ્લામાં ૮૬ વર્ષના ખામેનેઈની શોક સભા ચાલી રહી હતી ત્યારે જનાજાને શ્રદ્ધાંજલિ આપતા મંચ પરથી લાઉડ સ્પીકર પર મોહમ્મદ રસૂલી નામના એક કવિએ 'અમેરિકા મુર્દાબાદ' અને 'ઈઝરાયેલ મુર્દાબાદ'નો પારંપરિક સૂત્રોચ્ચાર કર્યો. ત્યાર પછી તેમણે સીધા જ ટ્રમ્પ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા કહ્યું કે દુનિયાનો સૌથી ખરાબ માણસ હજુ સુધી જીવિત શા માટે છે?
કવિના સવાલના જવાબમાં લાખો લોકોે કહ્યું, અમારા ઈમામની હત્યા કરનારાને આપણે મારી શા માટે મારી નથી નાંખતા તેવો સવાલ કર્યો. કેટલાક લોકોએ કહ્યું, ટ્રમ્પ અને નેતન્યાહુની હત્યા કરવી આપણી ફરજ છે. ટોળામાંથી એક વ્યક્તિએ કહ્યું અમારા ઈમામના કાતિલને નહીં મારીએ તો આગળ અમારા માટે માત્ર કફન જ બચશે. હું તમારા લોહીની કસમ ખાઉં છું કે અમે ટ્રમ્પને મારી નાંખીશું.
તહેરાનના ગ્રાન્ડ મોસલ્લામાં શનિવારે શરૂ થયેલી અંતીમ યાત્રામાં રવિવારે વધુ જંગી ભીડ જોવા મળી. લોકો કાળા કપડામાં ખામેનેઈની તસવીર, બેનર અને ઝંડા લઈને શ્રદ્ધાંજલિ આપવા ઉમટી પડયા હતા. ભીડમાં અનેક લોકોના હાથમાં ટ્રમ્પને મારવાની વાત લખેલા પોસ્ટર હતા. આખા ઈરાનમાં અત્યારે ટ્રમ્પ અને નેતન્યાહુને મારવાની માગ કરતા પોસ્ટર જોવા મળી રહ્યા છે.
અમેરિકા અને ઈઝરાયેલ સામે યુદ્ધ વચ્ચે ખામેનેઈનો જનાજો નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ માટે શક્તિ પ્રદર્શન સમાન બની ગયો છે. ખામેનેઈની અંતિમયાત્રા ૯ જુલાઈ સુધી ચાલશે. તેમને ગુરુવારે તેમના ગૃહનગર મશહદમાં સુપુર્દ-એ-ખાખ કરવામાં આવશે.
બીજીબાજુ ખામેનેઈની અંતિમ યાત્રામાં કરોડો લોકોની ભીડ જોઈને અમેરિકન પ્રમુખ ટ્રમ્પે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, તેઓ ઈચ્છે તો એક જ હુમલામાં ઈરાનની બાકી બચેલી લીડરશિપને પણ ખતમ કરી શકે છે. પરંતુ તેઓ એવું નહીં કરે, કારણ કે તેઓ ઈરાન સાથે વાતચીત કરવા માગે છે. એટલું જ નહીં ખામેનેઈના શોકમાં કરોડો લોકોને રડતા જોઈને ટ્રમ્પે કહ્યું કે, હું તો માનતો હતો કે ઈરાનના લોકો ખામેનેઈને નફરત કરે છે, પરંતુ અહીં કંઈક અલગ જ જોવા મળે છે. મને લાગે છે કે કદાચ આ ઈરાનીઓના નકલી આંસુ છે.
દરમિયાન ખામેનેઈની અંતિમયાત્રા પર અમેરિકા અથવા ઈઝરાયેલ હુમલો કરી શકે છે તેવો ઈરાનને ડર છે. એવામાં ઈરાને ચેતવણી આપી હતી કે હુમલો થશે તો તેનો આકરો જવાબ આપવામાં આવશે. ઉપરાંત ટ્રમ્પના વિવાદાસ્પદ નિવેદનના જવાબમાં આર્મેનિયા સ્થિત ઈરાન એમ્બેસીએ એક્સ પર લખ્યું, ટ્રમ્પ લોકોનો શોક સમજી નહીં શકે, કારણ કે તમારી પાસે ન તો સભ્યતા છે, ન ઈતિહાસ છે અને ન સન્માન છે.
- આખા ઈરાનમાં અત્યારે ટ્રમ્પ અને નેતન્યાહુને મારવાની માગ કરતા પોસ્ટર જોવા મળ્યા
- પશ્ચિમ એશિયામાં યુદ્ધનો કાયમી અંત લાવવાની વાટાઘાટો વચ્ચે અમેરિકા અને ઈરાનનો સામ-સામે ધાક-ધમકીનો સિલસિલો યથાવત્
- મને હતું કે ઈરાનીઓ ખામેનેઈને નફરત કરતા હતા, અંતિમયાત્રામાં ઉમટેલા કરોડો લોકોના આંસુ નકલી, એક હુમલામાં બધું ખતમ કરી શકું : પ્રમુખ ટ્રમ્પ
- યુદ્ધ પછી પહેલી વખત ખામેનેઈના સંતાનો સામે આવ્યા :ખામેનેઈના જનાજામાં ત્રણ પુત્રો હાજર, મોજતબા ગાયબ
તહેરાન: ઈરાનના દિવંગત સુપ્રીમ લીડર અયાતુલ્લા અલિ ખામેનેઈની અંતિમયાત્રામાં કરોડો લોકો ઉમટી પડયા છે. આ સમયે એક ભાવુક તસવીરે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. અમેરિકા અને ઈઝરાયેલ સામે યુદ્ધ શરૂ થયા પછી પહેલી વખત ખામેનેઈના ત્રણ પુત્રો સામે આવ્યા છે.
તહેરાનના ખુમૈની ગ્રાન્ડ મોસલ્લામાં આયોજિત પ્રાર્થના સભામાં ખામેનેઈના ત્રણ પુત્રો મસૂદ ખામેનેઈ, મેસમ ખામેનેઈ અને મુસ્તફા ખામેનેઈ પિતાના તાબૂત પાછળ ઊભા રહેલા જોવા મળ્યા હતા. ખામેનેઈના પુત્રોની સાથે પ્રમુખ મસૂદ પેઝેશકિયાન, સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલિબાફ અને આઈઆરજીસીના કમાન્ડર-ઈન-ચીફ અહમદ વાહિદી, વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી પણ નમાજ-એ-જનાજામાં જોડાયા હતા.
જોકે, ખામેનેઈના બીજા નંબરના પુત્ર અને નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ આ પ્રાર્થનાસભામાં હાજર રહ્યા નહોતા. તેમની ગેરહાજરી ઈરાનીઓ માટે ચર્ચા અને ચિંતાનો વિષય બની હતી. ફ્રેબુ્રઆરીના અંતમાં પિતા અયાતુલ્લા અલિ ખામેનેઈની મોત પછી મોજતબા ખામેનેઈએ સુપ્રીમ લીડરનું પદ સંભાળ્યું છે. પરંતુ ત્યાર પછી તેઓ ક્યારેય જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા નથી અને કોઈ નિવેદન પણ જાહેર કર્યું નથી.કેટલાક અહેવાલો મુજબ સુપ્રીમ લીડરનું પદ સંભાળ્યા પછી ઈઝરાયેલના એક હુમલામાં મોજતબા ખામેનેઈ ગંભીરરૂપે ઘાયલ થયા હતા અને તેમના પગ અને ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ હોવાનું જણાવાયું હતું. જોકે, આઈઆરજીસીના અધિકારીઓએ ઈઝરાયેલની જાસૂસી એજન્સીઓના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈને જાહેર કાર્યક્રમોથી દૂર રહેવાની સલાહ આપી છે. ઈઝરાયેલ અને અમેરિકા ખામેનેઈની અંતિમયાત્રા પર પણ હુમલો કરી શકે છે તેવી આઈઆરજીસીને આશંકા હતી. - ઈઝરાયેલમાં જંગલરાજનું આગમન : નફ્તાલી : પીએમ નેતન્યાહુએ મીડિયા નિયમન મુદ્દે સુપ્રીમનો ઓર્ડર ફગાવી દીધો
તેલ અવિવ : ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચેનો સંઘર્ષ હવે ખૂલીને સામે આવ્યો છે. પીએમ નેતન્યાહુના નેતૃત્વમાં ઈઝરાયેલની કેબિનેટે રવિવારે સર્વસંમતિથી મીડિયા પર નિયમન મુદ્દે સુપ્રીમ કોર્ટનો આદેશ માનવાનો ઈનકાર કરી દીધો છે.
ઈઝરાયેલ અત્યારે લેબેનોનમાં હિઝબુલ્લા સામે લડી રહ્યું છે ત્યારે પીએમ નેતન્યાહુના નેતૃત્વમાં કેબિનેટે રવિવારે સર્વસંમતિથી નિર્ણય કર્યો કે તે સુપ્રીમ કોર્ટનો એ આદેશ નહીં માને, જેમાં દેશના કમર્શિયલ મીડિયા રેગ્યુલેટર સેકન્ડ ઓથોરિટી ફોર ટેલિવિઝન એન્ડ રેડિયો (એસએટીઆર)ને કામ ચાલુ રાખવાની મંજૂરી અપાઈ હતી. ભૂતપૂર્વ વડાપ્રધાન નફ્તાલી બેનેટે આ પગલાંને દેશમાં જંગલરાજના આગમન સમાન ગણાવ્યો છે.
ઈઝરાયેલના ઈતિહાસમાં પહેલી વખત સરકારે સુપ્રીમ કોર્ટના આદેશને માનવાનો સત્તાવાર રીતે ઈનકાર કરી દીધો છે. નેતન્યાહુ સરકારના મીડિયા રેગ્યુલેટરની નવી પરિષદ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટે અટકાવી દીધો હતો. સુપ્રીમે આદેશ કર્યો કે વર્તમાન પરિષદ જ તેનું કામ ચાલુ રાખે. સુપ્રીમનું માનવું હતું કે, પરિષદના કેટલાક સભ્યોના રાજીનામા રાજકીય દબાણમાં અપાયા હોઈ શકે છે. જોકે, નેતન્યાહુ સરકારે સુપ્રીમનો ચૂકાદો ફગાવી દીધો. એટલું જ નહીં કેબિનેટે સ્પષ્ટ કરી દીધું કે, મીડિયા રેગ્યુલેટર પરિષદના ભવિષ્ય અંગે કોઈપણ ચૂકાદાને સરકાર સ્વીકારશે નહીં.









