Get The App

ઈરાનના પુલ-પાવર પ્લાન્ટ તોડી પાડીશું : ટ્રમ્પ

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાનના પુલ-પાવર પ્લાન્ટ તોડી પાડીશું : ટ્રમ્પ 1 - image

- ઇરાનને સમજૂતી કરવા અમેરિકાનું અલ્ટીમેટમ : ઈસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચે આજે બીજા તબક્કાની ચર્ચા

- ઈરાન પરમાણુ અધિકારો અંગે કોઈ સમજૂતી નહીં કરે, અમારે શું કરવું તે કહેવાનો ટ્રમ્પને કોઈ હક નથી : પેઝેશકિયાન

- અમેરિકાના પાંચ વિમાન પાકિસ્તાન પહોંચ્યા, શાંતિવાર્તામાં ભાગ લેવા ઇરાનની આનાકાની

- ઈસ્લામાબાદની કિલ્લેબંધી કરાઈ, ૧૦,૦૦૦ પોલીસ કર્મચારી ખડક્યા

- સંભવિત શાંતિ મંત્રણાના પગલે આજે વૈશ્વિક શેરબજારો અને ક્રૂડ બજાર પર મોટી ઉથલ-પાથલની શક્યતા

વોશિંગ્ટન: મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે હાલ યુદ્ધવિરામ ચાલી રહ્યું છે, જે આગામી સપ્તાહે પૂરું થઈ રહ્યું છે. જોકે, આ પહેલાં જ અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એક વખત ઈસ્લામાબાદમાં સોમવારે બીજા તબક્કાની ચર્ચા થવાની સંભાવના છે તેમ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું. આ સાથે તેમણે ચેતવણી પણ આપી છે કે ઈરાન હવે ડીલ નહીં કરે તો તેના બધા જ પુલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ખાત્મો બોલાવી દઈશું. બીજીબાજુ ઈસ્લામાબાદમાં સોમવારે શાંતિ મંત્રણા અંગે ઈરાને કોઈ સ્પષ્ટતા કરી નથી. વધુમાં પ્રમુખ મસૂદ પેઝેશકિયાને ટ્રમ્પને જવાબ આપ્યો છે કે ઈરાન પરમાણુ અધિકારો અંગે કોઈ પ્રકારની સમજૂતી નહીં કરે. અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી શાંતિ મંત્રણાની સંભાવનાઓના પગલે સોમવારે વૈશ્વિક સ્ટોક માર્કેટ અને ક્રૂડ બજાર પર મોટી ઉથલ-પાથલ થવાની શક્યતા છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને શાંતિ મંત્રણા માટે તેમની શરતો માનવા માટે બુધવારની ડેડલાઈન આપી હતી. હવે તેમણે જણાવ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે સોમવારે ઈસ્લામાબાદમાં બીજા તબક્કાની ચર્ચા થશે. જોકે, આ શાંતિ મંત્રણા માટે કોણ જશે અને કોણ નહીં તે અંગે ટ્રમ્પ અથવા વ્હાઈટ હાઉસે કોઈ માહિતી આપી નથી. 

ઈરાન પર યુદ્ધવિરામનો ભંગ કર્યાનો પ્રમુખ ટ્રમ્પનો આક્ષેપ

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ઈરાનને ધમકી આપતા લખ્યું કે, ઈરાને હોર્મુઝની ખાડીમાં શનિવારે કોમર્શિયલ જહાજો પર ગોળીબાર કરીને યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. તેમણે ધમકી આપી કે હવે ઈરાન અમેરિકા દ્વારા અપાયેલી સમજૂતી સ્વીકાર નહીં કરે તો તેઓ ઈરાનના બધા જ પુલ, પાવર પ્લાન્ટ અને નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ કરી નાંખશે. ઈરાન સાથે સમજૂતી મુદ્દે ટ્રમ્પે કહ્યું કે, આ સમજૂતી થશે. એક નહીં તો બીજી રીતે, સારી રીતે નહીં તો મુશ્કેલ રીતે પણ થશે ખરા. 

અમેરિકા-ઈરાન વચ્ચે બીજા તબક્કાની વાટાઘાટો અંગે ભારે અનિશ્ચિતતા 

સૂત્રો મુજબ ઈસ્લામાબાદમાં બીજા તબક્કાની વાટાઘાટો માટે ઉપપ્રમુખ જેડી વાન્સ નહીં જાય. સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર સોમવારે ઈસ્લામાબાદ પહોંચશે તેમ માનવામાં આવે છે. પહેલા તબક્કાની શાંતિ મંત્રણાનું નેતૃત્વ જેડી વેન્સે કર્યું હતું. 

જોકે, બીજા તબક્કાની વાટાઘાટો અંગે ભારે અનિશ્ચિતતા ફેલાયેલી છે. વધુમાં એ પણ સ્પષ્ટ નથી કે બીજા તબક્કાની મંત્રણામાં બંને પક્ષ અગાઉની બેઠકમાં અટકેલા ઈરાનના પરમાણુ કાર્યક્રમ, હોર્મુઝ પર નિયંત્રણ જેવા મુદ્દાઓ પર તેમના વલણમાં કોઈ ફેરફાર માટે તેઓ તૈયાર છે કે નહીં.

ઈરાન સ્થાયી શાંતિ ઈચ્છે છે, પરંતુ અમેરિકા પર વિશ્વાસ નથી : ગાલિબાફ

બીજા તબક્કાની વાટાઘાટોની વાત એવા સમયે આવી છે જ્યારે ઈરાનના જહાજો પર અમેરિકાએ નાકાબંધી ચાલુ રાખતા ઈરાને પણ તેના તરફથી બધા જ જહાજો પર નાકાબંધી કરી દીધી છે. ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલિબાફે કહ્યું કે, અમારા જહાજો પસાર નહીં થઈ શકે તો કોઈના જહાજો પસાર નહીં થવા દેવાય. જોકે, તેમણે અમેરિકા સાથે સમજૂતી મુદ્દે કહ્યું કે, કૂટનીતિક મોરચા પર અમે પીછેહઠ નહીં કરીએ. અમે સ્થાયી શાંતિ ઈચ્છીએ છીએ, પરંતુ અમેરિકા પર વિશ્વાસ કરી શકાય તેમ નથી.

ઈસ્લામાબાદમાં પ્રતિનિધિઓ મોકલવાનો કોઈ નિર્ણય લીધો નથી

ઈરાને બીજા તબક્કાની શાંતિ મંત્રણામાં ભાગ લેવા અંગે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. ઈરાનના નાયબ વિદેશ મંત્રી સઈદ ખતીબજાદેહે સ્પષ્ટ કર્યું કે, તહેરાન હાલમાં અમેરિકન પ્રતિનિધિઓ સાથે સીધી વાતનો નવો તબક્કો શરૂ કરવા માગતું નથી. હોર્મુઝમાં અમેરિકાની નાકાબંધી ચાલુ હોય ત્યાં સુધી ઈરાને શાંતિ મંત્રણા માટે પ્રતિનિધિમંડળ મોકલવાનો કોઈ નિર્ણય લીધો નથી.

કોઈ દેશના અધિકારો આંચકી લેવાનો અમેરિકાને હક કેવી રીતે : ઈરાન

અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ધમકીઓના જવાબમાં ઈરાનના પ્રમુખ મસુદ પેઝેશકિયાને સ્પષ્ટ કર્યું કે, ઈરાન તેના પરમાણુ અધિકારો સાથે કોઈ સમજૂતી નહીં કરે. ટ્રમ્પને પડકાર આપતા તેમણે કહ્યું કે, ઈરાન શું કરી શકે અને શું ના કરી શકે તે નક્કી કરવાનો અમેરિકાને કોઈ અધિકાર નથી. ટ્રમ્પ કહે છે કે ઈરાન તેના પરમાણુ અધિકારોનો ઉપયોગ નહીં કરી શકે, પરંતુ તેઓ એ નથી જણાવતા કે આ બાબત ગુનો કેવી રીતે છે? કોઈ દેશના અધિકારો આંચકી લેનારા તેઓ કોણ છે? પઝેશકિયાનનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કાર્યક્રમ મુદ્દે ઘર્ષણ ચાલુ છે.

પાકિસ્તાનમાં શાંતિ મંત્રણાના બીજા તબક્કાની તૈયારી શરૂ

દરમિયાન અમેરિકા અને ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવતા પાકિસ્તાનની શાહબાઝ સરકારે ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત યુદ્ધવિરામની વાટાઘાટોના બીજા તબક્કાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઈસ્લામાબાદમાં સુરક્ષા વ્યવસ્થા આકરી કરી દેવાઈ છે. હોટેલો, પરિવહન તેમજ અનેક સ્થળોને બંધ કરી દેવાયા છે. અમેરિકાના પાંચ વિમાનોએ  ઈસ્લામાબાદમાં નૂરખાન એરબેઝ પર ઉતરાણ કર્યું છે. જોકે, આ વિમાનો અમેરિકાના પ્રતિનિધિમંડળના આગમન પહેલાં જરૂરી સુરક્ષા ઉપકરણો અને સુરક્ષા વ્યવસ્થા લઈને આવ્યા હોવાનું મનાય છે. શાહબાઝ સરકારે ૧૦,૦૦૦થી વધુ પોલીસ કર્મચારીઓને ખડકી દેવાયા છે. ઈસ્લામાબાદના રેડ ઝોન અને એક્સટેન્ડેડ રેડ ઝોનને સંપૂર્ણપણે સીલ કરી દેવાયા છે. રાવલપિંડીમાં તાત્કાલિક અસરથી બધા જ ખાનગી અને ગૂડ્સ પરિવહન વાહનો પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

- ઈરાને હજુ સુધી અલિ ખામેનેઈનો મૃતદેહ દફનાવ્યો નથી

- ઈરાન સુરક્ષાના કારણે ખામેનેઈની દફનવિધિ કરતા ડરી રહ્યું છે

તહેરાન: મધ્ય-પૂર્વમાં અમેરિકા અને ઈઝરાયેલે ૨૮ ફેબુ્રઆરીએ તહેરાન પર એક સાથે અનેક સ્થળો પર હવાઈ હુમલો કરીને ઈરાન સામે યુદ્ધ શરૂ કર્યું હતું. આ યુદ્ધ શરૂ થયાના પહેલા જ દિવસે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલિ ખામેનેઈની હત્યા કરી દીધી હતી. જોકે, ઈરાને હજુ સુધી તેમના અંતિમ સંસ્કાર કર્યા નથી એટલે કે તેમને દફનાવ્યા નથી અને તેની પાછળ સુરક્ષા મોટું કારણ હોવાનું મનાય છે. અમેરિકન મીડિયાના અહેવાલ મુજબ ઈરાનના અધિકારીઓ હજુ સુધી એ નિશ્ચિત કરી શક્યા નથી કે અયાતોલ્લાહ અલિ ખામેનેઈને ક્યારે અને ક્યાં દફનાવવામાં આવે. સુરક્ષાની દૃષ્ટિએ હજુ પણ સ્થિતિ અત્યંત સંવેદનશીલ છે. આ કારણથી સરકાર મોટા જાહેર અંતિમ સંસ્કારથી બચી રહી છે. તેમને આશંકા છે કે ઈઝરાયેલ તરફથી તેમના જાહેર અંતિમ સંસ્કાર કાર્યક્રમ પર હુમલો થઈ શકે છે.