'અમેરિકાએ જે કરવું હોય કરે, અમે રશિયા પાસેથી ઓઈલ ખરીદતા રહીશું...', 100% ટેરિફની ધમકી પર ભારતની ખરી ખરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald trump Tariff Threat and India Reply : રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ (કાચું ઓઇલ) ખરીદતા દેશો પર 100 ટકા ટેરિફ લાદવા માટે અમેરિકા કાયદો બનાવવાની પ્રક્રિયા ઝડપી બનાવી રહ્યું છે. જોકે, અમેરિકાની આ ખુલ્લી ધમકી અને દબાણ છતાં ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. ભારતે જાહેરાત કરી છે કે અમેરિકા ભલે ગમે તેટલા કડક નિયમો લાવે, ભારત પોતાના દેશવાસીઓના હિત માટે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું ચાલુ જ રાખશે અને કોઈ પણ દબાણ સામે ઝૂકશે નહીં.
અમે 140 ભારતીય નાગરિકોનું જ વિચારીશું
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો સાથે જોડાયેલા તમામ નિર્ણયો પોતાના 140 કરોડ નાગરિકોના હિતોને ધ્યાનમાં રાખીને જ લે છે. ભારત સરકાર આ નીતિ પર આગળ પણ અડગ રહેશે અને અમેરિકાના ટેરિફથી પોતાની ઓઇલ ખરીદીની નીતિમાં કોઈ ફેરફાર કરશે નહીં.
અમેરિકન સંસદમાં 'લિન્ડસે ગ્રેહામ બિલ' પસાર
અમેરિકામાં આ કાયદાને ‘લિન્ડસે ગ્રેહામ સેંક્શનિંગ રશિયા એન્ડ ઈરાન બિલ’ નામ આપવામાં આવ્યું છે. અમેરિકન સેનેટમાં 86-11 ની ભારે બહુમતીથી આ બિલ પસાર થઈ ચૂક્યું છે અને ગુરુવારે તેને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (નિચલા ગૃહ) માં વોટિંગ માટે લાવવામાં આવશે. આ બિલનો મુખ્ય હેતુ રશિયા પાસેથી સૌથી વધુ ઓઇલ ખરીદતા ભારત અને ચીન જેવા દેશો પર 100 ટકા ટેરિફ ઠોકી બેસાડવાનો છે.
બિલમાં ભારતનું નામ સામેલ કરવાની માંગ
રિપોર્ટ્સ મુજબ, કેટલાક અમેરિકી સાંસદોએ માંગ કરી છે કે બિલમાં રશિયા પાસેથી ઓઇલ ખરીદતા ટોચના ૧૦ દેશોના નામો સ્પષ્ટપણે લખવામાં આવે. આ યાદીમાં ભારત, ચીન, તુર્કી, અઝરબૈજાન, હંગેરી, યુએઈ અને સિંગાપોર જેવા દેશોનો સમાવેશ થાય છે. સાંસદોએ ભારતનું નામ અલગથી ઉમેરીને તેના પર સીધો 100 ટકા પ્રતિબંધ કે ટેરિફ લાદવાની ભલામણ કરી છે.
અમેરિકા અગાઉ પણ લગાવી ચૂક્યું છે ટેરિફ
અમેરિકા એવો દાવો કરી રહ્યું છે કે ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદીને યુક્રેન યુદ્ધમાં રશિયાને આર્થિક મદદ પૂરી પાડી રહ્યું છે. આ જ બહાને અમેરિકાએ ગયા વર્ષે પણ ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો હતો. આમ છતાં, ભારતે તે સમયે પણ સ્પષ્ટ કર્યું હતું કે દેશના રાષ્ટ્રીય હિત અને ઊર્જા સુરક્ષા માટે જે જરૂરી હશે તે તમામ પગલાં ભારત ભરતું જ રહેશે.




