તારિક રહેમાન સમજે જ છે કે ભારત કેટલું મહત્વનું છે
તારિક રહેમાનને સૌથી પહેલાં વિજય માટે ધન્યવાદ આપનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રહેમાને હાર્દિક આભાર માન્યો
ઢાંકા: બાંગ્લાદેશની સંસદીય ચૂંટણીમાં પ્રચંડ બહુમત મેળવતાં પાર્ટીના નેતા અને દેશના ભાવિવડાપ્રધાન તારિક રહેમાનની પાર્ટીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હાર્દિક આભાર માન્યો હતો. ઉલ્લેખનીય તે છે કે આ પ્રચંડ વિજય પછી રહેમાનને નરેન્દ્ર મોદીએ જ સૌથી પહેલાં અભિનંદનો આપ્યાં હતાં અને ફોન ઉપર તેઓની સાથે ટૂંકી વાતચીત પણ કરી હતી જેમાં તેઓએ કહ્યું હતું કે બાંગ્લાદેશને દરેક પ્રકારની સહાય માટે ભારત સતત તૈયાર જ છે. આ પૂર્વે મોદીએ પોસ્ટ X ઉપર પણ અભિનંદનો પાઠવ્યાં તાં. તેના વળતા જવાબમાં બીએનપીએ તેના પોસ્ટ ઉપર લખ્યું ઃ આપનો ઘણો આભાર આદરણીય નરેન્દ્ર મોદી. રાષ્ટ્રીય ચૂંટણીમાં તારિક રહેમાનનાં નેતૃત્વ નીચે બીએનપીએ મેળવેલા નિર્ણાયક વિજયને આપે બિરદાવ્યો તે માટે આપની પ્રશંસા કરીએ છીએ... આ પોસ્ટમાં આગળ લખ્યું હતું ગણતંત્રિય મૂલ્યોને જાળવી રાખવા સાથે દેશના તમામ નાગરિકોના વિકાસ માટે બાંગ્લાદેશ પ્રતિબદ્ધ છે.
રાજકીય તંગદિલી હોવા છતાં ભારત સાથે સહકારભર્યા સંબંધો જાળવી રાખવા બાંગ્લાદેશ સતત આતુર છે. પ્રતિબદ્ધ પણ છે. તેમ પણ આ પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું હતું સાથે જણાવ્યું હતું કે ભારત સાથે બહુઆયામી સંબંધો પારસ્પરીક માન સાથે જાળવી રાખવા અમો આતુર છીએ. તેમજ પરસ્પરની ચિંતાઓ પ્રત્યે પણ સંવેદનશીલ છીએ. આપણા વિસ્તારમાં શાંતિ સ્થિરતા અને સમૃદ્ધિ વધે તે માટે પણ પ્રતિબદ્ધ છીએ.
બાંગ્લાદેશની ૨૯૯ સંસદીય બેઠકોમાંથી ૨૦૯ બેઠકો બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી જીતી છે. આમ તારિક રહેમાન નવા વડાપ્રધાન બનશે તે નિશ્ચિત છે.
નિરીક્ષકો કહે છે કે તારિક રહેમાન સમજે જ છે કે ભારત તેમના દેશ માટે કેટલું મહત્વનું છે. ઉલ્લેખનીય છે કે હિન્દમહાસાગરમાં આવેલાં ટાપુરાષ્ટ્ર માલદીવની જનતા તો કહે જ છે કે ભારત આપણા માટે ૧૯૯ નંબર (આપત્તિ સમયનો ટેલીફોન નંબર) છે. જ્યારે શ્રીલંકાના ક્રિકેટર માંથી રાજકારણી બનેલા જયસૂર્યાએ તો કહ્યું હતું કે (આપત્તિ સમયે) ભારતે મોટાભાઈની ભૂમિકા ભજવી છે. આમ, ભારતે તમામ પાડોશી દેશો સાથે ઘનિષ્ટ સંબંધો કેળવ્યા છે. પાકિસ્તાન જ આડોડાઈ કરી રહ્યું છે.


