World

ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની

By GS Team
7 Jul 20263 mins read
TukuTouch Logo
અમેરિકાના 250મા સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત વોશિંગ્ટન ડીસીમાં 40 મિનિટની રેકોર્ડબ્રેક આતશબાજી ભારે પડી છે. 8.5 લાખ ફટાકડાના ધુમાડાને કારણે વોશિંગ્ટન ડીસીની હવા દુનિયામાં સૌથી વધુ પ્રદૂષિત બની છે, જેનાથી 'કોડ રેડ એર ક્વોલિટી એલર્ટ' જાહેર કરાયું છે. પ્રદૂષણનું સ્તર ખતરનાક સપાટીએ પહોંચતા નાગરિકોને માસ્ક પહેરી ઘરમાં રહેવા જણાવાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની

Washington DC Air Quality Code Red : અમેરિકાના 250 મા સ્વતંત્રતા દિવસ (Independence Day) ની ભવ્ય ઉજવણી અંતર્ગત પાટનગર વોશિંગ્ટન ડીસીમાં કરવામાં આવેલી 40 મિનિટની રેકોર્ડબ્રેક આતશબાજી હવે ભારે પડી રહી છે. આ ભયાનક ફટાકડાના ધુમાડાના કારણે રવિવારે વોશિંગ્ટન ડીસીની હવા વૈશ્વિક સ્તરે દુનિયાના કોઈ પણ મુખ્ય શહેર કરતાં સૌથી વધુ પ્રદૂષિત અને ઝેરી નોંધાઈ હતી. શહેરમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક સપાટીએ પહોંચતા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી 'કોડ રેડ એર ક્વોલિટી એલર્ટ' (Code Red Air Quality Alert) જાહેર કરવામાં આવ્યું છે.

‘કોડ રેડ’ એલર્ટ તંત્રએ કહ્યું, “માસ્ક પહેરો અને ઘરમાં રહો”

પ્રદૂષણનું મોનિટરિંગ કરતી વૈશ્વિક સંસ્થા 'IQAir' ના રેન્કિંગમાં વોશિંગ્ટન ડીસી થોડા સમય માટે દુનિયામાં પ્રથમ નંબરે પહોંચી ગયું હતું. જો કે રવિવારે સાંજે તે ૨૬મા ક્રમે સરક્યું હતું. નાગરિકોને ચેતવણી: અધિકારીઓએ રહેવાસીઓને બહાર જવાનું મર્યાદિત કરવા જણાવ્યું છે. આ પ્રદૂષિત હવા બાળકો, વડીલો અને શ્વાસની બીમારી ધરાવતા લોકો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. N95 માસ્ક પહેરવાની ભલામણ: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતશબાજીના કારણે સેન્ટ્રલ ડીસીમાં 'અત્યંત બિનઆરોગ્યપ્રદ' સ્થિતિ સર્જાવાની આશંકા પહેલાથી જ હતી અને લોકોને બહાર નીકળતી વખતે N95 માસ્ક પહેરવાની સલાહ અપાઈ હતી.

ગિનીસ વર્લ્ડ રેકોર્ડ માટે 8.5 લાખ ફટાકડા ફોડાયા!

આ ભવ્ય આતશબાજીનું આયોજન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનવાળી એક નોન-પ્રોફિટ સંસ્થા 'ફ્રીડમ 250' દ્વારા કરવામાં આવ્યું હતું. 10 જગ્યાએથી આતશબાજી: નેશનલ મોલ, પોટોમેક નદી અને વેસ્ટ પોટોમેક પાર્ક સહિત 10 મુખ્ય સ્થળો પરથી લાખો ફટાકડા છોડવામાં આવ્યા હતા. વર્લ્ડ રેકોર્ડનો દાવો: આ શોમાં અંદાજે 8,50,000 જેટલા ફટાકડા ફોડીને નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરાયો છે. આ અગાઉ 2016માં ફિલિપિન્સમાં 8.10 લાખ ફટાકડા ફોડવાનો રેકોર્ડ હતો. વોશિંગ્ટનનો આ શો ન્યૂયોર્કના પ્રખ્યાત મેસીસ શો કરતાં પણ 10 ગણો મોટો હતો.

હીટ વેવ અને પ્રદૂષણથી સેંકડો લોકો હોસ્પિટલ ભેગા થયા

આ ભયાનક પ્રદૂષણ એવા સમયે ફેલાયું જ્યારે વોશિંગ્ટન અને આસપાસના વિસ્તારો ભારે હીટ વેવ (ગરમી) નો સામનો કરી રહ્યા હતા. શનિવારે તાપમાન રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું, જેના કારણે નેશનલ મોલ ખાતે આતશબાજી પહેલાં કટોકટીની સ્થિતિ સર્જાઈ હતી. હેલ્થ ઓફિસર ડૉ. કિશા ડેવિસે આતશબાજી પહેલાં જ ચેતવણી આપી હતી કે, "આજની હવામાં શ્વાસ લેવો એટલે સિગારેટ પીતા પીતા મેરેથોન દોડવા સમાન છે." રિપોર્ટ અનુસાર, શુક્રવાર મધ્યરાત્રિથી રવિવાર સવાર સુધીમાં નેશનલ મોલ ખાતેથી સેંકડો દર્દીઓએ સારવાર મેળવી હતી. જેમાંથી 40 થી વધુ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે, આ બીમારી ગરમીના કારણે હતી કે પ્રદૂષણના કારણે તે સ્પષ્ટ થઈ શક્યું નથી.

રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે શું કહ્યું?

આ ભવ્ય અને વિવાદાસ્પદ આતશબાજી પહેલાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 40 મિનિટનું રાષ્ટ્રજોગ સંબોધન આપ્યું હતું. બાદમાં સોશિયલ મીડિયા પર આતશબાજીના વખાણ કરતા ટ્રમ્પે લખ્યું કે, "મેં અત્યાર સુધી જોયેલો આ સૌથી શાનદાર ફટાકડાનો શો હતો. અદભુત કામગીરી માટે ખૂબ ખૂબ અભિનંદન!"