Warner Bros Now For Sale : વિશ્વવિખ્યાત વોર્નર બ્રધર્સ સ્ટુડિયો વેચવાનો છે. તેની સાથેના એચબીઓ, સીએનએન, ટર્નર બ્રોડકાસ્ટિંગ, ડીસી કોમિક્સ, ડિસ્કવરી ચેનલ અને વોર્નર બ્રધર્સ ડિસ્કવરીના અન્ય બિઝનેસ પણ વેચવાના છે. તેમણે આ માટે કંપનીની કિંમત રૂ. 6.59 લાખ કરોડ નક્કી કરી છે. વોર્નર બ્રધર્સ ડિસ્કવરીને નેટફ્લિક્સ, કોમકાસ્ટ અને પેરામાઉન્ટ સ્કાયડાન્સ તરફથી ઓફર મળી છે. વોનર્સ બ્રધર્સ ડિસ્કવરી આ ઓફર્સને સ્ટડી કરીને 15 ડિસેમ્બર બાદ નિર્ણય જાહેર કરશે. પેરામાઉન્ટની ઓફર પાછળ વર્લ્ડ્સ રિચેસ્ટ મેનની લિસ્ટમાં ઈલોન મસ્ક સાથે જોવા મળતા ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન છે. જો તેઓ વોર્નર બ્રધર્સ સ્ટુડિયો ખરીદવામાં સફળ રહે છે તો અમેરિકાના થિયેટર માર્કેટમાં પેરામાઉન્ટનો હિસ્સો વધીને 32 ટકા થઈ જશે. તેઓ એચબીઓ મેક્સ અને પેરામાઉન્ટ પ્લસને જોડીને સ્ટ્રીમિંગ માર્કેટમાં દમદાર પ્રદર્શન કરશે.
ચાર ફિલ્મોની કમાણી : રૂ.4.45 લાખ કરોડ
નેટફ્લિક્સ, પેરામાઉન્ટ અને કોમકાસ્ટના વોર્નર બ્રધર્સ ડિસ્કવરીમાં રસ પાછળ પોર્ટફોલિયો છે. વોનર્સ બ્રધર્સ પાસે હોલીવુડનો સૌથી મોટો ટીવી પ્રોડક્શન સ્ટુડિયો છે. તેમની હેરી પોટર ફિલ્મ ફેન્ચાઈઝી સહિતની ચાર ફિલ્મોએ વિશ્વભરમાં રૂ.4.45 લાખ કરોડની કમાણી કરી છે. લૂની ટૂન્સ, સ્કૂબી ડૂ, ટોમ એન્ડ જેરી, મોન્સ્ટરવર્સ, ધ લેગો મૂવી, ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ, મેટ્રિક્સ, ટોપ ગનની સાથે ગેમ ઓફ થ્રોન્સ જેવી સીરિઝ તેમના પોર્ટફોલિયોને મજબૂત બનાવે છે.
પેરામાઉન્ટ અને વોર્નર બ્રધર્સ બોર્ડનો મતભેદ
વોર્નર બ્રધર્સ ડિસ્કવરીનું બોર્ડ ઈચ્છે છે કે, પેરામાઉન્ટ સ્કાયડાન્સ તેની 23.50 ડોલર પ્રતિ શેરની ઓફરને વધારીને 30 ડોલર પ્રતિ શેર કરે. પેરામાઉન્ટની ઓફર મુજબ, તેઓ વોર્નર બ્રધર્સનું મૂલ્ય રૂ. 5.16 લાખ કરોડ આંકી રહ્યાં છે.
જ્યારે, વોર્નર બ્રધર્સ રૂ. 6.59 લાખ કરોડની નીચે ડીલ કરવા તૈયાર નથી. બીજી તરફ, એનબીસી યુનિવર્સલની પેરેન્ટ કંપની કોમકાસ્ટની ઓફરમાં એનબીસી યુનિવર્સલ, વોર્નર બ્રધર્સ ડિસ્કવરીની પેરેન્ટ કંપની બનશે. તેમણે ફક્ત ફિલ્મો અને સ્ટ્રીમિંગ એસેટ્સ માટે જ બિડ કર્યું છે.
નેટફ્લિક્સ પેરામાઉન્ટ વચ્ચે બિડર્સ વોર
નેટફ્લિક્સનું સ્ટ્રીમિંગ બિઝનેસ પર પ્રભુત્વ અને લગભગ અડધા ટ્રિલિયન ડોલરનું માર્કેટ કેપ સૂચવે છે કે, તેનો હાથ ઉપર છે. પરંતુ, પેરામાઉન્ટ સ્કાયડાન્સ પાસે ગુપ્ત હથિયાર તરીકે ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસનનું સમર્થન છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સારા સંબંધોનો તેમને લાભ મળશે તેવું જાણકારો કહી રહ્યાં છે. પેરામાઉન્ટ સ્કાયડાન્સ એકમાત્ર કંપની છે જે સીએનએન, ટીએનટી, ટીબીએસ, એચજીટીવી અને ફૂડ નેટવર્ક જેવા કેબલ નેટવર્ક સહિતના વોર્નર બ્રધર્સ ડિસ્કવરીના પોર્ટફોલિયોને હસ્તગત કરવા માંગે છે. નેટફ્લિક્સે કેબલ બિઝનેસ નહીં પણ ફક્ત સ્ટુડિયો અને સ્ટ્રીમિંગ સર્વિસ હસ્તગત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.


