- કેટલાક દેશોને લોકશાહી સાથે લેવા-દેવા હોતી નથી
- વિયેતનામમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ચીફ 'તો-લામ' ફરી વખત દેશના પ્રમુખપદે સર્વાનુમતે ચૂંટાયા : તેઓ પાર્ટી તથા દેશ બંનેના વડા બની રહ્યાં
નવી દિલ્હી : વિયેતનામમાં કોમ્યુનિસ્ટ પાર્ટીના મહામંત્રી 'તો-લામ' ફરી એક વખત દેશના પ્રમુખપદે પાંચ વર્ષ માટે સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા છે. આ રીતે તેઓ પાર્ટી તેમજ દેશ તેમ બંનેના સર્વેસર્વા બની રહેશે.
વિયેતનામની ઉત્તરે ચીનમાં પણ તેવી જ પરંપરા રહી છે. માઓત્સે-તુંગના સમયથી ચીનમાં પાર્ટી ચીફ તથા દેશના પ્રેસિડેન્ટ (ચેરમેન)નાં પદ સંકુચિત જ રાખવામાં આવે છે. અત્યારે પણ ચેરમેન 'શી' પાર્ટી તેમજ દેશ તેમ બંનેના વડા છે. વિયેતનામ તે મોડેલને અનુસરી રહ્યું છે.
પૂર્વે વિયેતનામમાં આ બંને પદ જુદી જુદી વ્યક્તિઓને અપાતાં હતાં પરંતુ હવે તો તે વાત ભૂતકાળની બની રહી છે.
પ્રમુખપદે પણ સર્વાનુમતે ફરી ચૂંટાયા પછી ૬૯ વર્ષના લામે દેશની સંસદને કરેલાં સંબોધનમાં કહ્યું હતું કે, મારી સર્વ પ્રથમ પ્રાથમિકતા દેશમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાની છે. કારણ કે તે દેશના ઝડપી વિકાસ માટે અનિવાર્ય છે. આપણે વિકાસ દ્વારા જગતનું જીવન-ધોરણ ઊંચું લાવવાનું છે અને વિકાસનાં ફળો સૌ કોઈને સમાન રીતે મળે તે જોવાનું છે.
વિયેતનામ ચીનનાં મોડેલને ભલે અનુસરતું હોય, પરંતુ ચીન સાથે તેને સતત સરહદી વિવાદ ચાલુ જ રહ્યો છે. પરંતુ તેને એકહથ્થુ સત્તા સિવાય બીજું ગમે તેમ નથી લાગતું. તેમ કહેતા નિરીક્ષકો જણાવે છે કે, કેટલાક દેશોને સાચી લોકશાહી સાથે કશી લેવા-દેવા હોતી નથી. તેથી વિયેતનામમાં લામ બીજી વખત પણ પાંચ વર્ષ માટે દેશના પ્રમુખપદે ચૂંટાયા તેમાં આશ્ચર્ય જેવું કશું જ નથી. તેઓ સામ્યવાદી પાર્ટીના મહામંત્રી પણ છે. આથી બંને પદ એક સાથે સંભાળશે. સામ્યવાદી દેશોમાં તો તે પરંપરા છે તેમાં નવું શું છે ?


