World

VIDEO : પાકિસ્તાની સેનાએ ક્રૂરતાની તમામ હદો વટાવી! PoKમાં અંધાધૂંધ ફાયરિંગ, ઘરો પર ઝિંક્યા બોમ્બ, અનેકનાં દર્દનાક મોત

By GS Team
5 Nov 20263 mins read
TukuTouch Logo
PoKના રાવલકોટમાં પાકિસ્તાની સેનાએ નિર્દોષ નાગરિકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો અને ડ્રોનથી હુમલા કર્યા. સવારે 8 વાગ્યે શરૂ થયેલા હુમલામાં 2 કલાકમાં 7 લોકોનાં મોત થયા અને 23થી વધુ ઘાયલ થયા. જોઈન્ટ આવામી એક્શન કમિટીના નેજા હેઠળ ચાલી રહેલા શાંતિપૂર્ણ ધરણાં પર સેનાએ હુમલો કર્યો. 7 જૂનથી અત્યાર સુધીમાં 153 નાગરિકોના મોત થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : પાકિસ્તાની સેનાએ ક્રૂરતાની તમામ હદો વટાવી! PoKમાં અંધાધૂંધ ફાયરિંગ, ઘરો પર ઝિંક્યા બોમ્બ, અનેકનાં દર્દનાક મોત

Pakistan Army Firing And Drone Attack In PoK : પાકિસ્તાનની સરકાર અને સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી છે. PoKના રાવલકોટમાં પોતાના હક માટે અવાજ ઉઠાવી રહેલા નિર્દોષ નાગરિકો પર પાકિસ્તાની રેન્જર્સ, ફ્રન્ટિયર કોર્પ્સ અને પોલીસે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો તેમજ રહેણાંક વિસ્તારો પર બારૂદ ભરેલા ડ્રોનથી હુમલો કર્યો હતો, જેના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

સવારે 8 વાગ્યે ખૂની ખેલ : 2 કલાકમાં 7 લોકોનાં મોત, 23 ગંભીર

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ગુરુવારે સવારે 8 વાગ્યાની આસપાસ જોઈન્ટ આવામી એક્શન કમિટી (JAAC)ના બેનર હેઠળ લોકો શાંતિપૂર્ણ ધરણાં કરી રહ્યા હતા. તે સમયે પાકિસ્તાની સુરક્ષા દળોએ કોઈપણ ચેતવણી આપ્યા વિના પ્રદર્શનકારીઓને ઘેરીને સીધું ફાયરિંગ શરૂ કરી દીધું હતું. માત્ર 2 કલાકમાં 7 નિર્દોષ નાગરિકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે 23થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અચાનક થયેલા ગોળીબારથી સમગ્ર રાવલકોટ શહેરમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

રહેણાંક મકાનો પર ડ્રોનથી બોમ્બમારો

પાકિસ્તાન આર્મીએ બર્બરતાની સીમા ઓળંગીને પ્રથમ વખત પોતાના જ નાગરિકો વિરુદ્ધ ડ્રોન હુમલાનો સહારો લીધો છે. સેનાએ રસ્તા પર ઉતરેલા પ્રદર્શનકારીઓ ઉપરાંત સામાન્ય નાગરિકોના ઘરોને નિશાન બનાવીને આકાશમાંથી બોમ્બ ઝિંક્યા હતા. સ્થાનિક નેતા સરદાર ઉમર નઝીરે ડ્રોન હુમલા બાદ સ્થળ પરથી મળેલા બોમ્બ અને સળગતા બારૂદના ટુકડા રજૂ કરીને પાકિસ્તાની સેનાના આ કૃત્યનો પર્દાફાશ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે હક માંગતી જનતા વિરુદ્ધ સરકારે યુદ્ધ છેડી દીધું છે.

7 જૂનથી અત્યાર સુધીમાં 153 નાગરિકોનાં મોત

PoKમાં સેનાનો આ અત્યાચાર નવો નથી. સરકારી અને સ્થાનિક આંકડા અનુસાર, 7 જૂનથી અત્યાર સુધીમાં પાકિસ્તાની સેનાની આવી હિંસક કાર્યવાહીમાં મૃત્યુ પામેલા નાગરિકોની સંખ્યા વધીને 153 પર પહોંચી ગઈ છે. જ્યારે પણ સ્થાનિક લોકો અધિકારો માટે અવાજ ઉઠાવે છે, ત્યારે ઈસ્લામાબાદ સરકાર સેના દ્વારા ગોળીઓ વરસાવીને તેમનો અવાજ દબાવી દે છે.

આંદોલન પાછળ JAACની 38 મુખ્ય માંગણીઓ

PoKની જનતા લાંબા સમયથી જોઈન્ટ આવામી એક્શન કમિટી હેઠળ 38 વાજબી માંગણીઓને લઈને આંદોલન ચલાવી રહી છે. નીલમ-ઝેલમ હાઇડ્રો પ્રોજેક્ટમાંથી વીજળી ઉત્પન્ન થવા છતાં સ્થાનિક લોકોને મોંઘા ભાવે વીજળી અને લોટ આપવામાં આવે છે. લોકો પોતાના કુદરતી સંસાધનો પર સ્થાનિક અધિકાર, વહીવટી સ્વાયત્તતા અને સરકારી બાબુઓની શાહી સુવિધાઓ બંધ કરવાની માંગ કરી રહ્યા છે. સરકારે વાતચીત કરવાને બદલે ગોળીબારનો રસ્તો પસંદ કર્યો છે.

રાવલકોટમાં ઈન્ટરનેટ બંધ, સેનાનો સઘન પહેરો

હિંસક કાર્યવાહી બાદ પાકિસ્તાન સરકારે રાવલકોટ સહિતના વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે, જેથી સેનાના અત્યાચારની તસવીરો અને વીડિયો બહાર ન આવી શકે. સમગ્ર વિસ્તારમાં સેનાની ગાડીઓ દ્વારા પેટ્રોલિંગ અને નાકાબંધી કરવામાં આવી છે. આટલા ભય અને તણાવપૂર્ણ માહોલ છતાં સ્થાનિક નાગરિકો પોતાના હક માટે રસ્તા પર ડટેલા છે.