VIDEO : ચીનના શિપયાર્ડમાં ભયાનક આગ, કાર્ગો શિપમાં સવાર 25 લોકો જીવતા ભૂંજાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

China Cargo Ship Fire : ચીનના એક બંદર પર સમારકામ માટે ઊભેલા માલવાહક જહાજમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતાં મોટો અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 25 કામદારોના આગમાં બળીને કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 5 લોકો ગંભીર રીતે દાઝી જતાં તેઓની હાલત નાજુક છે.
શિપ પર 42 કર્મચારીઓ હતા
જહાજ પર કુલ 42 કર્મચારીઓ હાજર હતા, જેમાંથી બચાવ દળે 12 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા છે. આગની વિકરાળતા જોઈને ચીનના પ્રમુખ શી જિનપિંગે તાત્કાલિક રાહત-બચાવ કામગીરી હાથ ધરવા અને સમગ્ર ઘટનાની ઊંડી તપાસ કરવા કડક આદેશો જારી કર્યા છે.
જહાજના નીચેના ભાગમાંથી ધુમાડા સાથે આગ ફેલાઈ
આ ગોઝારી ઘટના ચીનના શિયાંગદાઓ બેઈહાઈ શિપયાર્ડ ખાતે બની હતી. સવારે આશરે 11:15 વાગ્યે જહાજના નીચેના ભાગમાંથી અચાનક કાળો ધુમાડો નીકળવા લાગ્યો હતો. કર્મચારીઓ કશું સમજી શકે કે પોતાનો જીવ બચાવી શકે તે પહેલાં જ વિકરાળ આગે સમગ્ર જહાજને લપેટમાં લઈ લીધું હતું.
25 કર્મચારીઓ ઘટનાસ્થળે જ જીવતા ભૂંજાયા
ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી ટીમોએ લગભગ 3 કલાકની ભારે જહેમત બાદ બપોરે 2:30 વાગ્યા આસપાસ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં 25 કર્મચારીઓ ઘટનાસ્થળે જ જીવતા ભૂંજાઈ ચૂક્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા 5 લોકોને સારવાર માટે તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે તપાસના આદેશ આપ્યા
દુર્ઘટનામાં 25 લોકોના મોત થતાં ચીન સરકાર હરકતમાં આવી છે. રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે કામના સ્થળે સુરક્ષા નિયમોનું કડકાઈથી પાલન કરવાનો આદેશ આપી જણાવ્યું છે કે, તમામ સરકારી વિભાગો અને કંપનીઓએ આ જીવલેણ ઘટનામાંથી બોધપાઠ લેવો જોઈએ.
એક મહિનામાં શિપયાર્ડમાં બીજી મોટી ઘટના
ચીનના શિપયાર્ડમાં એક જ મહિનાની અંદર આ બીજો મોટો ભયાનક અકસ્માત સર્જાયો છે. આ પહેલાં 13 ઓગસ્ટે ફુજિયાન પ્રાંતના સેન્ચુરી હુઆહાઈ શિપયાર્ડમાં પણ સમારકામ દરમિયાન જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને જોરદાર બ્લાસ્ટ થયો હતો, જેમાં એક ફાયરફાઈટરનું મોત થયું હતું.




