World

VIDEO : બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું: મંત્રીના ઘર પર બોમ્બ ઝીંકાયા, PMના હાથમાંથી સ્થિતિ બેકાબૂ

By GS Team
20 Nov 20265 mins read
TukuTouch Logo
બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી છે. 20 નવેમ્બરે સિલહટમાં વિદેશ રાજ્ય મંત્રી હુમાયુ કબીરના ઘર પર પેટ્રોલ બોમ્બથી હુમલો થયો. 18 નવેમ્બરે પૂર્વ વડા મુહમ્મદ યુનુસના પૈતૃક ઘરને પણ નિશાન બનાવાયું હતું. ગ્રામીણ બેંકની 72 શાખાઓ પર હુમલા થયા, જેમાં 33 શાખાઓ સળગાવી દેવાઈ. શેખ હસીનાની વાપસીની અટકળો વચ્ચે દેશભરમાં હિંસા અને તોડફોડનો માહોલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું: મંત્રીના ઘર પર બોમ્બ ઝીંકાયા, PMના હાથમાંથી સ્થિતિ બેકાબૂ

Bangladesh Violence : બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત કથળી રહી છે અને એવું લાગી રહ્યું છે કે પરિસ્થિતિ વડાપ્રધાન તારિક રહેમાનના નિયંત્રણની બહાર જઈ રહી છે. દેશમાં હિંસાની ઘટનાઓ એટલી હદે વધી ગઈ છે કે હવે સરકારના મંત્રીઓના નિવાસસ્થાનને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. 20 નવેમ્બરના રોજ સિલહટ ખાતે વિદેશ રાજ્ય મંત્રી હુમાયુ કબીરના ઘર પર પેટ્રોલ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનાના એક દિવસ અગાઉ જ હુમલાખોરોએ તેમના ઘરની બહાર કપડાંમાં આગ ચાંપી દીધી હતી. એક પછી એક થઈ રહેલા આ હુમલાઓએ સરકારની સુરક્ષા વ્યવસ્થા અને વહીવટી પકડ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

મંત્રીના નિવાસસ્થાન પર હુમલાથી લોકોમાં ફફડાટ

બાંગ્લાદેશ સરકારમાં વિદેશ રાજ્ય મંત્રીનો હોદ્દો ધરાવતા હુમાયુ કબીરના ઘરને નિશાન બનાવવાની ઘટના દર્શાવે છે કે દેશમાં તોફાની તત્વોની હિંમત કેટલી હદે વધી ગઈ છે. સામાન્ય નાગરિકોમાં પણ એવો ભય ફેલાયો છે કે જો દેશના મંત્રીઓના ઘર જ સુરક્ષિત ન હોય, તો સામાન્ય જનતાની સુરક્ષાનું શું થશે. દેશમાં પહેલાથી જ ચાલી રહેલા રાજકીય તણાવ વચ્ચે આ હુમલાએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે.

પૂર્વ વડા મુહમ્મદ યુનુસના પૈતૃક ઘરને પણ નિશાન બનાવાયું

હિંસાનો આ દોર માત્ર સિલહટ કે મંત્રી હુમાયુ કબીરના ઘર પૂરતો મર્યાદિત નથી રહ્યો. આ પહેલા 18 નવેમ્બરની રાત્રે ચટગાંવમાં વચગાળાની સરકારના પૂર્વ વડા મુહમ્મદ યુનુસના પૈતૃક ઘરમાં પણ આગ લગાવવાની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, મધરાત પહેલા પંચલૈશ વિસ્તારમાં આવેલા યુનુસના પૈતૃક ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પરના એક ખાલી રૂમમાં આગ ચાંપવામાં આવી હતી. તે સમયે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ટીમે આગની જ્વાળાઓ જોઈને તાત્કાલિક તેના પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ પૂર્વ વડાના ઘરને નિશાન બનાવવામાં આવતા દેશનું રાજકારણ ગરમાયું છે.

દેશભરમાં આગચંપી, તોડફોડ અને હિંસક અથડામણો

હાલના દિવસોમાં બાંગ્લાદેશના અનેક વિસ્તારોમાં હિંસા, આગચંપી, તોડફોડ અને જૂથ અથડામણો અટકવાનું નામ નથી લઈ રહી. રસ્તાઓ પર તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે અને વિવિધ સ્થળોએ દેશી બોમ્બ વિસ્ફોટો તથા ચક્કાજામના અહેવાલો સામે આવી રહ્યા છે. રાજકીય પક્ષોની ઓફિસો પર હુમલા કરીને ઈમારતોને આગ લગાડવામાં આવી રહી છે. વિરોધી જૂથો વચ્ચેની મારામારીએ સ્થિતિને વધુ સંવેદનશીલ બનાવી દીધી છે. પોલીસ અને મીડિયાના અહેવાલો અનુસાર, નરેલમાં થયેલી એક હિંસક અથડામણમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના 2 સમર્થકોના મોત થયા છે. આ પ્રકારની સતત બનતી ઘટનાઓ પરથી સ્પષ્ટ થાય છે કે વહીવટીતંત્રના હાથમાંથી બાજી સરકી રહી છે.

ગ્રામીણ બેંકની 72 શાખાઓ પર હુમલા, 33 શાખાઓ સળગાવી

મુહમ્મદ યુનુસ સાથે જોડાયેલી સંપત્તિઓને પણ મોટા પાયે નિશાન બનાવવામાં આવી રહી છે. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસે ગરીબોને નાની લોન આપવા માટે ગ્રામીણ બેંકની સ્થાપના કરી હતી, પરંતુ હવે આ જ બેંકની શાખાઓ હિંસાનો ભોગ બની રહી છે. 20 નવેમ્બરે જાહેર થયેલા એક અહેવાલ મુજબ, 10 થી 19 નવેમ્બર વચ્ચેના માત્ર 10 દિવસના ગાળામાં સમગ્ર બાંગ્લાદેશમાં ગ્રામીણ બેંકની 72 શાખાઓ અને કચેરીઓ પર હુમલા થયા છે. તેમાંથી 33 કિસ્સાઓમાં તો ઈમારતોને આગ ચાંપી દેવામાં આવી છે. અગાઉ ચટગાંવ, સિલહટ, રાજશાહી, બારીસાલ અને ફરીદપુર સહિતના અનેક વિસ્તારોમાં બેંકની શાખાઓ પર હુમલા થઈ ચૂક્યા છે. આ આંકડા દર્શાવે છે કે દેશમાં હિંસા કેટલી ઝડપથી ફેલાઈ રહી છે.

શેખ હસીનાની વાપસીની અટકળોથી રાજકીય ગરમાવો

આ તમામ હિંસક ઘટનાઓ એવા સમયે બની રહી છે જ્યારે પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓના ઉગ્ર વિરોધ આંદોલન બાદ શેખ હસીનાની 15 વર્ષની સત્તાનો અંત આવ્યો હતો અને તેમને દેશ છોડવો પડ્યો હતો, ત્યારથી એટલે કે ઓગસ્ટ 2024 થી તેઓ ભારતમાં રહી રહ્યા છે. અહેવાલો મુજબ, તેમણે સ્વદેશ પરત ફરવા માટે મુસાફરીના દસ્તાવેજો માટે અરજી કરી છે. બીજી તરફ, વડાપ્રધાન તારિક રહેમાનની પાર્ટી BNP તેમની વાપસીનો વિરોધ કરી રહી છે અને ઈચ્છે છે કે ભારત તેમને કેસ ચલાવવા માટે બાંગ્લાદેશને સોંપી દે. આ દરમિયાન, જેના પર રાજકીય પ્રવૃત્તિઓનો પ્રતિબંધ છે તેવી અવામી લીગ પાર્ટીએ પણ વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે અને ગુરુવારે દેશવ્યાપી બંધનું આહ્વાન કર્યું હતું.

તારિક રહેમાનના આરોપો પર ભારતનો ટિપ્પણી કરવાનો ઈનકાર

અવામી લીગના વિરોધ પ્રદર્શનો સરહદ પાર બેઠેલા લોકો ચલાવી રહ્યા હોવાના બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનના આરોપ પર ભારતે કોઈ પણ ટિપ્પણી કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. ભારતે પાડોશી દેશ સાથે સારા અને સકારાત્મક સંબંધો જાળવી રાખવાનું પોતાનું જૂનું વલણ દોહરાવ્યું છે. શુક્રવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ મુદ્દે જણાવ્યું હતું કે, ‘અમારું વલણ સતત એકસરખું રહ્યું છે. અમે બાંગ્લાદેશ સાથે સકારાત્મક, રચનાત્મક અને ભવિષ્યલક્ષી સંબંધો ઈચ્છીએ છીએ. એવા સંબંધો જે બંને દેશોના સહિયારા ઈતિહાસ અને બંને દેશના લોકોના સમાન સાંસ્કૃતિક મૂલ્યો પર આધારિત હોય. બાંગ્લાદેશની આંતરિક ગતિવિધિઓ પર મારે કોઈ ટિપ્પણી કરવી નથી.’

તારિક રહેમાને અવામી લીગ પર શું આરોપ લગાવ્યા હતા?

નોંધનીય છે કે ગુરુવારે ઉત્તર બાંગ્લાદેશના લાલમોનિરહાટ ખાતે એક જાહેર કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન તારિક રહેમાને આક્ષેપ કર્યો હતો કે અવામી લીગના નેતાઓએ ક્યારેય બાંગ્લાદેશ અને તેના લોકોના હિતો પર ધ્યાન આપ્યું નથી. ભારતનું નામ લીધા વિના તેમણે કહ્યું હતું કે, "સરહદ પારનો જે દેશ છે, જ્યાં તેઓ ભાગી ગયા છે, તે તેમનો માલિક છે… પોતાના એ માલિકોને ખુશ કરવા માટે તેમણે ફરી એકવાર બાંગ્લાદેશ અને અહીંના લોકો વિરુદ્ધ કાવતરું શરૂ કરી દીધું છે."

વિઝા નીતિ અંગે ભારતનું સ્પષ્ટ વલણ

આ ઉપરાંત, મલેશિયા દ્વારા ભારતીયો માટે વિઝા-ફ્રી એન્ટ્રી બંધ કરવા અંગે પૂછાયેલા સવાલનો જવાબ આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે વિઝા સંબંધિત નિર્ણય કોઈપણ દેશનો સાર્વભૌમ મામલો હોય છે. આ એક નિયમિત પ્રક્રિયા છે અને ઘણા દેશો સમયાંતરે તેમાં ફેરફાર કરતા રહે છે. તેમણે એ પણ ઉમેર્યું હતું કે તાજેતરમાં જ ઉઝબેકિસ્તાને ભારતીય નાગરિકો માટે વિઝા-મુક્ત પ્રવેશની શરૂઆત કરી છે.