VIDEO : પવિત્ર મક્કા શહેર પર હુમલાનો પ્રયાસ? સાઉદીના આરોપો હુથીઓએ ફગાવ્યાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Middle East War Updates : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સાઉદી અરબ અને યમન હવે યુદ્ધના મુખ્ય કેન્દ્ર બની રહ્યા છે. સાઉદી અરબે દાવો કર્યો છે કે યમનના હુથી બળવાખોરો દ્વારા ઇસ્લામના સૌથી પવિત્ર શહેર મક્કાને નિશાન બનાવીને એક ડ્રોન લોન્ચ કરવામાં આવ્યું હતું. જોકે, સાઉદી એર ડિફેન્સે સમયસર આ ડ્રોનને હવામાં જ તોડી પાડીને મોટો અકસ્માત ટાળ્યો છે. બીજી તરફ હુથી જૂથે આ દાવાને તદ્દન ખોટો ગણાવ્યો છે.
પવિત્ર હવાઈ ક્ષેત્રમાં ડ્રોન પ્રવેશતા જ નાશ કરાયો
સાઉદી સંચાલિત ગઠબંધનના પ્રવક્તા તુર્કેઈ અલ-માલિકીના જણાવ્યા અનુસાર, 'રોયલ સાઉદી એર ડિફેન્સ ફોર્સેસ' દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. હુથી મિલિશિયા દ્વારા છોડવામાં આવેલું આ દુશ્મન ડ્રોન મક્કા અલ-મુકર્રમાના પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં પ્રવેશે તે પહેલા જ તેને આંતરીને નષ્ટ કરી દેવામાં આવ્યું હતું.
ઇતિહાસમાં પ્રથમ વખત વાગ્યું એર સ્ટ્રાઇક સાયરન
આ ઘટના બાદ મક્કા, જેદ્દાહ અને તાઇફ સહિત સાઉદીના પશ્ચિમી કિનારાના ઘણા શહેરોમાં સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ઈતિહાસમાં પહેલીવાર મક્કામાં હવાઈ હુમલા અંગેનું સાયરન વાગ્યું અને એર સ્ટ્રાઈક એલર્ટ આપવામાં આવ્યું હતું. ગઠબંધને સ્પષ્ટ કર્યું છે કે ઇસ્લામના પવિત્ર સ્થળો અને શ્રદ્ધાળુઓની સુરક્ષા તેમની 'રેડ લાઇન' છે અને તેની સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં.
હુથી જૂથનો ઇનકાર અને OIC દ્વારા નિંદા
સમાચાર એજન્સી AFP ના રિપોર્ટ મુજબ, હુથી અધિકારીઓએ સાઉદી અરબના આ દાવાને પાયાવિહોણો અને ખોટો ગણાવ્યો છે. બીજી તરફ, મુસ્લિમ દેશોના સંગઠન 'ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન' (OIC) એ આ ઘટનાની આકરા શબ્દોમાં ટીકા કરી છે. OIC એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મક્કા અને મદીના ક્ષેત્રને નિશાન બનાવવાના પ્રયાસોને 'ધૃણાસ્પદ' ગણાવ્યા છે.
મક્કા પર આ બીજો પ્રયાસ
મક્કા સમગ્ર વિશ્વના મુસ્લિમો માટે સૌથી પવિત્ર સ્થળ અને વાર્ષિક હજ યાત્રાનું મુખ્ય કેન્દ્ર છે. સાઉદી ગઠબંધન અનુસાર, મક્કાને નિશાન બનાવવાનો હુથીઓનો આ બીજો પ્રયાસ છે. આ પહેલા જુલાઈ 2017 માં પણ મક્કા તરફ બેલિસ્ટિક મિસાઈલ છોડવામાં આવી હતી, જેને સાઉદી સેનાએ નિષ્ફળ બનાવી હતી.




