VIDEO: અમેરિકાએ ઈરાનમાં બાળકોની હોસ્પિટલ પર કર્યો બોમ્બમારો, જવાબી કાર્યવાહીમાં કુવૈત પર ભીષણ ડ્રોન એટેક!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran Launches Drone Attacks On Kuwait : અમેરિકી હુમલા વચ્ચે ઈરાન હાલ પોતાના અસ્તિત્વના સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. બુધવારે રાત્રે અમેરિકાએ ઈરાન પર અનેક હુમલા કર્યા હતા. આ હુમલાઓનું નિશાન ઈરાનની કેન્સર હોસ્પિટલ બની હતી. ઈરાનમાં પરિસ્થિતિ એવી સર્જાઈ કે, કીમોથેરાપી કરાવી રહેલા નિર્દોષ બાળકોને તાબડતોબ હોસ્પિટલમાંથી જીવ બચાવીને ભાગવું પડ્યું હતું. આ હૃદયદ્રાવક ઘટના ઈરાનની 'શાહિદ બકાઈ હોસ્પિટલ' ની છે, જ્યાં બુધવારે રાત્રે અનેક બાળકોની કીમોથેરાપી ચાલી રહી હતી, ત્યારે જ અમેરિકાના હુમલા શરૂ થઈ ગયા અને હોસ્પિટલમાં ચીસાચીસ તેમજ અફરાતફરી મચી ગઈ હતી. અમેરિકી સેનાની સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ જણાવ્યું કે, તેની સેનાઓએ હોર્મુઝની સામુદ્રધુનીમાં 'નિર્દોષ નાવિકોને ડરાવવાની ઈરાનની ક્ષમતાને નબળી કરવા' માટે દરિયાકાંઠાના શહેર બંદર અબ્બાસ સહિત અનેક સ્થળોએ ઈરાની સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા છે.
કુવૈત પર ઈરાનનો ડ્રોન હુમલો
કુવૈતની સેનાએ માહિતી આપી છે કે, તેના પર ઈરાન દ્વારા ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે, જેનો તેઓ જડબાતોડ જવાબ આપી રહ્યા છે. કુવૈતની સેનાએ એક નિવેદનમાં જણાવ્યું કે, ઈરાનના આ હુમલા બાદ કુવૈતની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, અને દુશ્મનના ડ્રોન હુમલાનો સામનો કરી રહી છે. બીજી તરફ, AFPના એક પત્રકારે ખાડી દેશની રાજધાની કુવૈત સિટી નજીક ભયાનક વિસ્ફોટોના અવાજો સાંભળ્યા હોવાની પુષ્ટિ કરી છે.
અમેરિકાએ પહેલા કર્યા હુમલા
આજે સૌથી પહેલા અમેરિકાએ ઈરાન પર હુમલા કર્યા હતા. તેના જવાબમાં તેહરાને ખાડી દેશોમાં અમેરિકાના સહયોગીઓ પર જવાબી હુમલા શરૂ કર્યા છે. તેહરાને ધમકી આપી છે કે, જો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનમાં પાવર પ્લાન્ટ અને પુલ પર હુમલો કરવાની તેમની ધમકી પર આગળ વધશે, તો તેઓ સમગ્ર વિસ્તારના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવશે. આ પહેલા બંને દેશો વચ્ચે હુમલાનો વધુ એક રાઉન્ડ થયો હતો. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે જણાવ્યું કે, તેમણે જોર્ડનમાં અમેરિકી એર બેઝ પર બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હતો. આ હુમલો તેમણે ઈસ્લામિક દેશમાં બાળકોની કેન્સર હોસ્પિટલ નજીક થયેલા અમેરિકી હુમલાના જવાબમાં કર્યો હોવાનું જણાવ્યું હતું.
કેન્સર હોસ્પિટલ નજીક મોટો હુમલો
ઈરાનના સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, દક્ષિણ-પશ્ચિમમાં અહવાઝની કેન્સર હોસ્પિટલને અમેરિકી હવાઈ હુમલા બાદ ખાલી કરાવી દેવામાં આવી હતી, અને દર્દીઓને અન્ય મેડિકલ સેન્ટરોમાં ખસેડવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બકાઈએ આ હુમલાને બર્બર ગણાવ્યો હતો. અહવાઝના 34 વર્ષીય શિક્ષક હનીએ જણાવ્યું કે, હુમલા ખૂબ જ ભયાનક હતા. તેમણે કહ્યું, 'મારા હાથ ધ્રૂજી રહ્યા છે. ઓછામાં ઓછા 11-12 ધડાકા થયા છે, અને મારા કાન ફાટી રહ્યા છે.'
ઈમરજન્સીમાં 211 દર્દીઓને બહાર કઢાયા
હોસ્પિટલ પ્રશાસનના અથાગ પ્રયાસો છતાં આસપાસના વિસ્તારોમાં અમેરિકી હુમલા ચાલુ રહ્યા હતા. ગંભીર પરિસ્થિતિને જોતા હોસ્પિટલમાં કીમોથેરાપી કરાવી રહેલા 211 માસૂમ દર્દીઓને કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું, "આ એક બર્બર હુમલો છે, જે હેલ્થકેર સુવિધાઓ વિરુદ્ધ ઈઝરાયેલના અત્યાચારોની યાદ અપાવે છે. આ કાયરતાપૂર્ણ હુમલાએ કેન્સર સામે બહાદુરીથી લડી રહેલા નિર્દોષ બાળકોને અત્યંત પીડા અને ચિંતા આપી છે, અને 211 દર્દીઓને ઈમરજન્સીમાં હોસ્પિટલ છોડવા મજબૂર કર્યા છે. આ એક કાયરતાપૂર્ણ યુદ્ધ અપરાધ છે."
તેમણે માનવાધિકારના પક્ષધર હોવાનો દાવો કરતા પશ્ચિમી દેશો પર નિશાન સાધતા કહ્યું કે, 'જે લોકો સતત માનવાધિકારની વાતો કરે છે, અને હોસ્પિટલો તેમજ હેલ્થ સેન્ટરો પર થતા હુમલાઓ સામે જાણીજોઈને આંખ આડા કાન કરે છે, તેમણે પોતાની તમામ નૈતિક વિશ્વસનીયતા ગુમાવી દીધી છે.'
અમેરિકાની કાયરતાપૂર્ણ કાર્યવાહી: ઈસ્માઈલ બકાઈ
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બકાઈએ આ મુદ્દે અમેરિકાની આકરી ટીકા કરી છે, અને અમેરિકનોને કાયર કહ્યા છે. ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (X) પર એક પોસ્ટમાં તેમણે જણાવ્યું કે, 'બાળકોની કેન્સર હોસ્પિટલ 'શાહિદ બકાઈ હોસ્પિટલ' ને રાત્રે અચાનક ખાલી કરાવવી પડી હતી, કારણ કે અમેરિકાએ તેની નજીકના સ્થળ પર હુમલો શરૂ કરી દીધો હતો.આ હુમલાથી દર્દીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. પરિસ્થિતિ એટલી નાજુક હતી કે, જે દર્દીઓ જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા, તેમની સારવાર પર માઠી અસર પડી હતી, અને કીમોથેરાપી જેવી ગંભીર પ્રક્રિયા અધવચ્ચે જ રોકી દેવી પડી હતી.'
સમગ્ર મિડલ ઈસ્ટમાં ભભૂકી યુદ્ધની જ્વાળા
ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNA એ અહેવાલ આપ્યો છે કે, ઉત્તરમાં સેમનન એરપોર્ટના કેટલાક ભાગો પર એક શેલ પડ્યો હતો, જો કે કોઈ ઘાયલ થયું નથી. એજન્સીએ દેશના અન્ય ભાગો, જેમ કે પશ્ચિમમાં લોરેસ્તાનમાં પણ બ્લાસ્ટ થયા હોવાની માહિતી આપી છે, જ્યારે તેહરાનના કેટલાક વિસ્તારોમાં એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવેટ થઈ ગઈ છે. આ ઘટનાની થોડીક જ ક્ષણોમાં, ખાડીમાં અમેરિકાના સહયોગી દેશોએ હુમલાની માહિતી આપવાનું શરૂ કર્યું, અને કુવૈતે જણાવ્યું કે, તેણે ઈરાની ડ્રોનને તોડી પાડ્યા છે, અને બહેરીનમાં એર રેડ સાયરન વગાડવામાં આવ્યા છે. સ્પષ્ટ છે કે, મિડલ ઈસ્ટ ફરી એકવાર ભયાનક યુદ્ધની આગમાં હોમાઈ ગયું છે.









