World

વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ રિઝર્વ 303 અબજ નહીં, 101 અબજ બેરલ !

By GS Team
23 Oct 20263 mins read
TukuTouch Logo
વેનેઝુએલાના ક્રૂડ ઓઇલ ભંડાર અંગે અમેરિકાને મોટો ઝટકો લાગ્યો છે. ભ્રષ્ટ શાસકોએ 303 અબજ બેરલના ખોટા દાવા કર્યા હતા. નિષ્ણાતોના મતે, વાસ્તવિક ભંડાર 65થી 120 અબજ ડોલરની વચ્ચે જ છે. અમેરિકાએ વેનેઝુએલાના પ્રમુખને કબજે કરી કૂવા હસ્તગત કર્યા, પરંતુ હવે તેમને ખબર પડી કે આંકડા સાચા નથી. આ સ્થિતિમાં ટ્રમ્પને ઘાટ કરતા ઘડામણ મોંઘું પડ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ રિઝર્વ 303 અબજ નહીં, 101 અબજ બેરલ !
  • ભ્રષ્ટ શાસકોના લીધે અમેરિકા બરોબરનું મૂરખ બન્યું
  • નિષ્ણાતો વેનેઝુએલાની ક્રૂડ ઓઇલ રિઝર્વ ૬૫થી ૧૨૦ અબજ ડોલરની વચ્ચે જ હોવાની પ્રબળ માન્યતા ધરાવે છે
  • વેનેઝુએલાની લૂંટ ટ્રમ્પને ખાસ ફળી નહી શકે, ઘાટ કરતાં ઘડામણ મોંઘુ પડે તેવી સ્થિતિ સર્જાઈ

કારકાસ : કોઈ લૂંટારુ વેપારી પાસેથી કોથળો લૂંટી ગયો હોય અને તેને લાગતું હોય કે તેના હાથમાં બહુ મોટો દલ્લો આવી ગયો છે, પરંતુ તે કોથળો ખોલીને જુએ તો તેમા કશું જ ન હોય. આવી સ્થિતિ અમેરિકાની વેનેઝુએલાના સંદર્ભમાં થઈ છે. વેનેઝુએલામાં ૩૦૩ અબજ બેરલનું ક્રૂડ ઓઇલ રિઝર્વ હોવાના દાવાના આધારે અમેરિકાએ ત્યાં આક્રમણ કરીને તેના પ્રમુખને પોતાના કબ્જામાં લીધા અને તેના ઓઇલના કૂવા કબ્જે કર્યા. આ સમય હકીકત સામે આવી કે તે જેટલું ઓઇલ હોવાનું માનતું હતું તેટલું ઓઇલ છે જ નહીં.
વેનેઝુએલાની ભ્રષ્ટ સરકારોએ ફક્ત વિદેશીઓને આકર્ષવા માટે ૩૦૩ અબજ બેરલનો ક્રૂડ ઓઇલ ભંડાર હોવાની વાત ચલાવી રાખી હતી, જેે વાસ્તવમાં છે જ નહી. તેનો ક્રૂડ ઓઇલ ભંડાર માંડ ૧૦૧ અબજ બેરલનો જ હોવાનું માનવામાં આવે છે, આ આંકડા પણ પાછા અમેરિકન કંપનીએ જ બે દાયકા પહેલા ચકાસણી કરીને આપ્યા હતા, પરંતુ ૨૦૦૦ના દાયકામાં વેનેઝુએલામાં હ્યુગો ચાવેઝની સરકારે અમેરિકન કંપનીએ આપેલા પ્રમાણિત આંકડાના બદલે તેના ત્રણ ગણા આંકડા દર્શાવ્યા અને વર્ષો સુધી આ ખેલ ચલાવ્યો. તેના લીધે આ આંકડાને સત્ય માની લેવામાં આવ્યા. વેનેઝુએલાની ભ્રષ્ટ સરકારોએ એટલી સીફતતાથી આ જૂઠાણુ ચલાવ્યું કે મધ્યપૂર્વના દેશો તો ઠીક પણ અમેરિકા જેવી મહાસત્તા પણ તેમના આ જૂઠાણામાં ફસાઈ ગઈ. અમેરિકાના હ્યુસ્ટનમાં રહેતા વેનેઝુએલાના પૂર્વ એનર્જી ઓફિસર ઇવાનન રોમેરોનું કહેવું છે કે વેનેઝુએલા પાસે તે બતાવે છે તેટલું ક્રૂડ છે જ નહી. તેની પાસે માંડ ૬૦ અબજથી ૧૨૦ અબજ બેરલ વચ્ચેની ક્રૂડ ઓઇલ અનામતો હોઈ શકે છે, તેનાથી વધારે નહીં.
જો કે નિષ્ણાતોને આ આંકડા સામે પણ સંશય છે. તેઓનું માનવું છે કે આ આંકડો પણ સાચો ન હોઈ શકે. જ્યારે અમુક નિષ્ણાતોએ તો ટ્રમ્પ તંત્ર ૬૫ અબજ બેરલનો આંકડો ક્યાંથી ઉઠાવી લાવ્યુ તેની સામે પણ સવાલ ઉઠાવ્યો છે. આ અંગે એક નિષ્ણાતનું માનવું છે કે વાસ્તવમાં અમેરિકાની પોતાની ક્રૂડ ઓઇલ રિઝર્વ ૬૫ અબજ બેરલ હોય તેવી પૂરેપૂરી સંભાવના છે. ટ્રમ્પ તંત્ર તેનો જ આંકડો વેનેઝુએલાના ક્રૂડ ઓઇલમાં ગણાવતું ન હોય. આમ વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ ફક્ત ક્રૂડ ઓઇલ ન રહેતા કાગળ પરની આંકડાકીય રમત બની ગઈ છે.
પહેલા વેનેઝુએલાની સરકારે આખા વિશ્વને ખોટા આંકડા આપ્યા, હવે ટ્રમ્પ તંત્ર વેનેઝુએલાના ક્રૂડને લઈને સતત ખોટો પ્રચાર કરે છે, જેથી તેમણે વેનેઝુએલામાં કરેલી મૂર્ખામી ઢંકાઈ જાય. તેમા પણ ટ્રમ્પ તંત્ર પાસે જે પણ ક્રૂડ ઓઇલના કૂવા છે તે ક્યાં તો ખતમ થવા આવ્યા છે, કેટલાક ખતમ થઈ ગયા છે અને કેટલાક ખતમ થવાની નજીક છે.
કોલંબિયા યુનિ.ના રિસર્ચર પેલેસિયોસનું કહેવું છે કે જો વેનેઝુએલાની ક્રૂડ ઓઇલ રિઝર્વ ઓછામાં ઓછી ૬૫ અબજ બેરલ હોય અને ૨૦ ટકા રિકવરી રેટ ગણીએ તો ૧૨.૮ અબજ બેરલ થાય. જ્યારે બીજા એક નિષ્ણાત તો તેમા પણ પાંચ ટકા રિકવરી રેટ લેખે ૩.૨ અબજ બેરલ જ ક્રૂડ મળે તેમ માને છે. આમ ટ્રમ્પ માટે ઇરાન પૂર્વે વેનેઝુએલાનું સાહસ પણ નિષ્ફળ નીવડયુ હોય તેવી સ્થિતિ છે, કદાચ નિકોલસ માદુરોને રાખવાનો ખર્ચ પણ હવે અમેરિકાને ભારે પડી શકે.