પોતાનો જીવ આપી દીધો પણ દીકરીને આંચ ન આવવા દીધી! વેનેઝુએલામાં ભૂકંપ સામે માની મમતા જીતી ગઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Venezuela Earthquake News: વેનેઝુએલામાં આવેલા ભયાનક ભૂકંપ દરમિયાન એક દિલને વલોવી મૂકે તેવી ઘટના સામે આવી છે. સ્થાનિક મીડિયા અને ફૂટબોલર હેક્ટર બેલોના દાવા મુજબ, બે શક્તિશાળી ભૂકંપના આંચકાઓ દરમિયાન તેમની પત્ની એન્ડ્રિયાએ પોતાની વ્હાલસોયી નાની દીકરીનો જીવ બચાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી છે. બિલ્ડિંગ ધરાશાયી થતાં આખો પરિવાર કાટમાળ નીચે દબાઈ ગયો હતો, જેમાં માતાના કારણે માસૂમ બાળકી તો સુરક્ષિત રીતે બચી ગઈ, પરંતુ તેને કાળજાના ટુકડાની જેમ સાચવનારી બહાદુર માતા પોતાના અંતિમ શ્વાસ સુધી લડીને દુનિયા છોડી ગઈ.
પિતાની લાચારી અને અસહ્ય વેદનાની કહાની
પોતાની પત્નીને ગુમાવવાના અસહ્ય આઘાતમાં ડૂબેલા ફૂટબોલર હેક્ટર બેલોએ સોશિયલ મીડિયા પર પોતાની લાચારી અને વેદના ઠાલવી છે. કારાકાસની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી દીકરી પાસે પહોંચીને ભાવુક પિતાએ લખ્યું-
'હું આપણી દીકરીને મોટી થઈને કહીશ કે તારી માતા કેટલી બહાદુર હતી, જેણે છેલ્લા શ્વાસ સુધી તારો સાથ ન છોડ્યો. પણ જ્યારે હું ત્યાં તારી રક્ષા કરવા માટે હાજર ન હતો, ત્યારે હું આપણી દીકરીને આ કેવી રીતે સમજાવીશ? હે ઈશ્વર, મને આ અસહ્ય પીડા સહન કરવાની શક્તિ આપ.'
ભૂકંપના વિનાશમાં હોમાઈ ગયા અનેક માસૂમો
વેનેઝુએલાની રાજધાની કારાકાસ નજીક આવેલા ભયાનક ભૂકંપે ચારેય તરફ ચીસાચીસ અને બરબાદીનો મંજર ઊભું કર્યું છે, જેમાં અત્યાર સુધીમાં 920થી વધુ લોકો મોતને ભેટયા છે અને 3,000થી વધુ લોકો ઘાયલ થયા છે. આ કુદરતી આપત્તિમાં વેનેઝુએલા ફૂટબોલ ફેડરેશનના બે આશાસ્પદ યુવા ખેલાડીઓ, રાઝાન સિજા અને વિક્ટર પલાસિઓસનું પણ કરૂણ મોત નીપજ્યું છે. આ ઉપરાંત, પૂર્વ મિસ વેનેઝુએલા ગિસેલ રેયસની માતાનું પણ બિલ્ડિંગ તૂટી પડવાના આઘાતને કારણે હાર્ટ અટેકથી અવસાન થયું છે. રેસ્ક્યૂ ટીમો હજુ પણ કાટમાળ નીચે જિંદગી બચાવવા માટે ઝઝૂમતા લોકોને શોધી રહી છે.
બે વિનાશકારી ભૂકંપ પછી 30 આફ્ટરશોક્સ
વેનેઝુએલામાં બુધવારે 25 જૂને 1821ના વર્ષમાં સ્પેન સામે કારાકોબા યુદ્ધના વિજયની યાદમાં રાષ્ટ્રીય રજા હોવાથી મોટાભાગે લોકો ઘરોમાં હતા અને ફીફા વર્લ્ડ કપની મેચ જોઈ રહ્યા હોવાથી જાનહાનિ વધુ થઈ છે, બુધવારે સાંજે આવેલા બે વિનાશકારી ભૂકંપ પછી 30 આફ્ટરશોક્સ આવ્યા હતા. લા ગ્વેરામાં આવેલા દેશના સૌથી મોટા એરપોર્ટને ભારે નુકશાન થતાં અસ્થાયી સમય માટે બંધ કરી દેવાયું છે. વેનેઝુએલામાં ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ હટાવી લેવાયો હોવાથી સેંકડો લોકોએ પોતાના લાપતા પરિવારજનોને શોધવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. વધુમાં ભૂકંપના ડરથી હજુ પણ લોકો ખુલ્લા પાર્ક, પાર્કિંગ લોટ અને અન્ય ખુલ્લા સ્થળો પર રાત પસાર કરી રહ્યા છે અને દિવસના સમયે પણ તેઓ ઘરોમાં જતા ડરે છે.
વેનેઝુએલામાં બચાવ અને રાહત કાર્ય દરમિયાન અનેક ચમત્કારિક બનાવો પણ જોવા મળ્યા છે. સેંકડો ટનના કાટમાળ નીચે ફસાયેલા લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે. એક રાહત અભિયાનમાં કાટમાળમાંથી એક શિશુને બહાર કાઢવામાં આવ્યું હતું જ્યારે એક ઈમારતના કાટમાળમાંથી 85 વર્ષનાં વૃદ્ધાં અને 12 વર્ષના બાળકને પણ સુરક્ષિત રીતે બહાર કઢાયા હતા. જો કે અનેક જગ્યાએ કાટમાળ નીચેથી મોટી સંખ્યામાં મૃતદેહો પણ બહાર કાઢવામાં આવ્યા છે.









