World

હોર્મુઝમાંથી પસાર થતાં જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું

By GS Team
25 Aug 20262 mins read
TukuTouch Logo
અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટ સંબંધિત માહિતી ઇરાની સંસ્થાઓ સાથે શેર કરનાર જહાજો અને શિપિંગ કંપનીઓ પર કડક પ્રતિબંધો લાદવાની ચેતવણી આપી છે. યુએસ ટ્રેઝરી વિભાગે 3 ઇરાની સંસ્થાઓને નિશાન બનાવી છે. આર્થિક દબાણ વધારવાના અમેરિકાના આ પગલાને ઇરાને 'આર્થિક આતંકવાદ' ગણાવ્યો છે. આ તણાવને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઇલ અને LNG સપ્લાય ખોરવાઈ જવાની ભીતિ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોર્મુઝમાંથી પસાર થતાં જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું

US Iran Strait of Hormuz Sanctions : અમેરિકા અને ઇરાન વચ્ચે પર્શિયન ગલ્ફમાં આવેલા વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ 'સ્ટ્રેટ ઑફ હોર્મુઝ'(Strait of Hormuz)ને લઈને તણાવ વધુ ઘેરો બન્યો છે. યુએસ ટ્રેઝરી વિભાગના ઑફિસ ઑફ ફોરેન એસેટ્સ કંટ્રોલ(OFAC) દ્વારા વિશ્વભરના જહાજો અને શિપિંગ કંપનીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો તેઓ હોર્મુઝ સ્ટ્રેટ સંબંધિત બાબતોમાં કોઈપણ ઇરાની સંગઠનો સાથે માહિતી શેર કરશે, તો તેમની સામે કડક અમેરિકી પ્રતિબંધો લાદવામાં આવશે. અમેરિકી તંત્ર અનુસાર, ઇરાની સંસ્થાઓ દ્વારા માંગવામાં આવેલી માહિતી આપવા બદલ જહાજો પર સેન્ક્શનનો મોટો ખતરો રહેશે, ભલે તેના બદલે કોઈ નાણાકીય લેવડ-દેવડ કે ચૂકવણી કરવામાં ન આવી હોય.

3 ઇરાની સંસ્થાઓ પર નિશાન અને 'ઇકોનોમિક ડી-ડે'ની વ્યૂહરચના

વોશિંગ્ટને પોતાના આકરા વલણમાં ખાસ કરીને 3 ઇરાની સંસ્થાઓના નામ જાહેર કર્યા છે, જેમાં 'પર્શિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી', 'પર્શિયન ગલ્ફ મરીન ઇન્સ્યોરન્સ કંપની' અને 'હોર્મુઝસેફ મરીન સર્વિસિસ ઑથોરિટી'નો સમાવેશ થાય છે. અમેરિકાની આ આકરી ચેતવણી તેની 'ઇકોનોમિક ડી-ડે' ઝુંબેશનો એક ભાગ છે, જેના હેઠળ વોશિંગ્ટન ઇરાન પર આર્થિક દબાણ વધારીને તેના વૈશ્વિક કારોબાર અને નાણાકીય સંસાધનોને મર્યાદિત કરવા માંગે છે. અગાઉ પણ અમેરિકાએ આ સમુદ્રી માર્ગ પરથી પસાર થવા માટે ઇરાનને કોઈપણ પ્રકારનો ટોલ કે ચાર્જ ચૂકવવા સામે આંતરરાષ્ટ્રીય જહાજોને ચેતવ્યા હતા.

ઇરાનની જવાબી ધમકી અને તેલ પુરવઠા પર સંકટ

સામે પક્ષે ઇરાને આ પગલાને 'આર્થિક આતંકવાદ' ગણાવીને તીખી પ્રતિક્રિયા આપી છે. ઇરાની સંસ્થાઓએ દાવો કર્યો છે કે 46 જહાજોએ તેમના ટ્રાન્ઝિટ પ્રોટોકોલનો ભંગ કર્યો છે અને તેમને ભવિષ્યમાં ભારે દંડ, કસ્ટડી કે જપ્તી જેવી આકરી કાર્યવાહીની ધમકી આપવામાં આવી છે. આ બંને દેશો વચ્ચેના ટકરાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોની અવરજવરમાં ભારે ઘટાડો નોંધાયો છે. પરિણામે, વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ અને એલએનજી (LNG) સપ્લાય ખોરવાઈ જવાની ભીતિ સર્જાઈ છે, જેના કારણે વૈશ્વિક ઊર્જા બજાર અને દરિયાઈ સુરક્ષા પર મોટું સંકટ ઊભું થયું છે.