US Warns Bangladesh Over China-Pakistan Defense Deal : દક્ષિણ એશિયામાં ચીનના વધતા પ્રભાવને લઈને અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે. આ કારણોસર અમેરિકા બાંગ્લાદેશની નવી સરકારને ચીની હથિયારોના બદલે અમેરિકન અને તેના સહયોગી દેશોની ડિફેન્સ સિસ્ટમ આપવાની યોજના બનાવી રહ્યું છે. ઢાકામાં અમેરિકી રાજદૂત બ્રન્ટ ટી. ક્રિસ્ટનસને આ માહિતી આપી છે. નોંધનીય છે કે બાંગ્લાદેશમાં ગુરુવારે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે.
બાંગ્લાદેશની ચીન-પાકિસ્તાન સાથે ડિફેન્સ ડીલ
ઓગસ્ટ 2024ના આંદોલન બાદ શેખ હસીનાની સરકાર પડતા બાંગ્લાદેશમાં ચીનનો પ્રભાવ વધતો જોવા મળી રહ્યો છે. હાલમાં જ ચીને બાંગ્લાદેશ સાથે એક ‘ડિફેન્સ ડીલ’ કરી છે, જે મુજહ ભારતની સરહદ પાસે ડ્રોન ફેક્ટરી બનાવવામાં આવશે. ચીનના આ પગલાથી વિદેશી રાજદ્વારીઓમાં ચિંતા વધી છે. આ ઉપરાંત બાંગ્લાદેશ પાકિસ્તાન પાસેથી JF-17 થંડર ફાઈટર જેટ ખરીદવા માટે પણ વાતચીત કરી રહ્યું છે, જે ચીન અને પાકિસ્તાને મળીને બનાવ્યું છે.
ત્રણેય દેશોની ડિફેન્સ ડીલથી અમેરિકાને પડ્યો વાંધો
અમેરિકી રાજદૂતે જણાવ્યું કે, તેઓ બાંગ્લાદેશ સરકારને ચીન સાથેના સંરક્ષણ કરારો સાથે જોડાયેલા સંભવિત જોખમો વિશે સ્પષ્ટ જાણ કરવા માંગે છે. અમેરિકા બાંગ્લાદેશની સૈન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે પોતાના અને સાથી દેશોની ડિફેન્સ સિસ્ટમ ઉપલબ્ધ કરાવી શકે છે. બીજી તરફ ચીને જવાબ આપતા કહ્યું છે કે, બાંગ્લાદેશ સાથેનો તેમનો સહયોગ બંને દેશોના હિતમાં છે અને તેઓ તેમાં કોઈ બહારના હસ્તક્ષેપ સહન કરશે નહીં.
અમેરિકાની બાંગ્લાદેશને ઓફર
અમેરિકી રાજદૂતે રોહિંગ્યા શરણાર્થીઓની મદદ માટે 2 અબજ ડોલરના ગ્લોબલ ફંડિંગ કરારની પણ વાત કરી હતી. આ સાથે તેમણે કહ્યું કે, ઘણી અમેરિકન કંપનીઓ બાંગ્લાદેશમાં રોકાણ કરવા ઈચ્છે છે, પરંતુ ઊંચા ટેક્સ અને નફો વિદેશ મોકલવામાં પડતી મુશ્કેલીઓ તેમાં અવરોધરૂપ છે. 17.5 કરોડની વસ્તી ધરાવતા આ દેશમાં હજુ સુધી સ્ટારબક્સ અને મેકડોનાલ્ડ્સ જેવી મોટી કંપનીઓ પ્રવેશી શકી નથી.
ભારત-બાંગ્લાદેશ વિવાદમાં અમેરિકાની એન્ટ્રી
અમેરિકી રાજદૂત ક્રિસ્ટનસને વધુમાં જણાવ્યું હતું કે, અમેરિકા ઈચ્છે છે કે ક્ષેત્રમાં શાંતિ જળવાઈ રહે તે માટે ભારત અને બાંગ્લાદેશના સંબંધો સારા રહે. શેખ હસીનાના ગયા પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે, જેની અસર વિઝા સેવાઓ અને ક્રિકેટ સંબંધો પર પણ પડી છે. અમેરિકાનું માનવું છે કે બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો પ્રાદેશિક સુરક્ષા માટે અત્યંત જરૂરી છે.
આ પણ વાંચો : દ. આફ્રિકા સામે હાર છતાં અફઘાનિસ્તાને રચ્યો ઈતિહાસ, રોહિત શર્માની ઈનિંગ પણ યાદ અપાવી


