ઈરાને ટારગેટ લૉક કરતાં ઘર છોડીને બંકરમાં ભાગ્યા અમેરિકન નાણામંત્રી, મિલિટ્રી બેઝમાં શિફ્ટ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Scott Bessent Shifted to US Military Base : અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ અને હુમલા ભલે હાલ રોકાયેલા દેખાતા હોય, પરંતુ બંને દેશો વચ્ચેનો ખતરો અને તણાવ હજુ ટળ્યો નથી. ગુપ્તચર એજન્સીઓના અહેવાલો મુજબ ઈરાન દ્વારા અમેરિકન નાણા મંત્રી સ્કોટ બેસેન્ટને ટાર્ગેટ (નિશાન) બનાવવામાં આવ્યા છે. ઈરાન તરફથી મળી રહેલી ગંભીર અને જીવલેણ ધમકીઓને પગલે સ્કોટ બેસેન્ટે પોતાનું ઘર છોડવું પડ્યું છે અને સુરક્ષા એજન્સીઓએ તેમને અત્યંત સુરક્ષિત લશ્કરી મથકે (મિલિટ્રી બેઝ) ખસેડ્યા છે. જોકે, તેમની સુરક્ષા સંબંધિત વિગતવાર કાયદાકીય અને ટેકનિકલ વ્યવસ્થાઓ જાહેર કરવામાં આવી નથી.
'ન્યૂયોર્ક ટાઈમ્સ'ના અહેવાલ મુજબ, આ ઘટનાક્રમથી માહિતગાર ગુપ્તચર સૂત્રોએ બેસેન્ટને સૈન્ય મથકે શિફ્ટ કરવામાં આવ્યા હોવાની પુષ્ટિ કરી છે. અગાઉ પણ સંવેદનશીલ વિસ્તારમાં શંકાસ્પદ ડ્રોન ઊડતાં જોવા મળ્યા બાદ અમેરિકાના ઉપપ્રમુખ જે. ડી. વેન્સ અને વિદેશ મંત્રી માર્કો રૂબિયોને પણ તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અમેરિકન પ્રશાસનના વરિષ્ઠ ગુપ્તચર અધિકારીએ ગુપ્ત મેમોમાં ચેતવણી આપી હતી કે તેહરાન (ઈરાન) દ્વારા અમેરિકન નાગરિકો અને ટોચના અધિકારીઓ વિરુદ્ધ રચાઈ રહેલા જીવલેણ ષડયંત્રો ખૂબ જ આગળ વધી ચૂક્યા છે.
નાણા મંત્રી સ્કોટ બેસેન્ટ ઈરાનના નિશાના પર કેમ?
હકીકતમાં, 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ દરમિયાન વોશિંગ્ટન (અમેરિકા) દ્વારા ઈરાન પર આર્થિક દબાણ લાવવાની જે રણનીતિ ઘડવામાં આવી હતી, સ્કોટ બેસેન્ટ તેનો મુખ્ય ચહેરો રહ્યા છે. અમેરિકન નાણા મંત્રાલયે ઈરાન પર આકરા આર્થિક પ્રતિબંધો અને નાણાકીય પાબંદીઓ લાદવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. બીજી તરફ, ઈરાને અગાઉ આવા તમામ આરોપોને ફગાવતા કહ્યું છે કે તે અમેરિકન જમીન પર કોઈ અધિકારીઓને નિશાન બનાવવાની યોજના નથી બનાવી રહ્યું. ઈરાન તરફથી અમેરિકન નેતૃત્વને ટાર્ગેટ કરતા AI વીડિયો ભલે સામે આવ્યા હોય, પરંતુ વાસ્તવિક હુમલાનો ઈરાને ઈનકાર કર્યો છે.




