Get The App

ટ્રમ્પે ફરી ટેન્શન વધાર્યું! રાષ્ટ્રીય સુરક્ષાના નામે નવા ટૅરિફ જાહેર કરી શકે છે અમેરિકા, ભારત પર પણ અસર: રિપોર્ટમાં દાવો

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પે ફરી ટેન્શન વધાર્યું! રાષ્ટ્રીય સુરક્ષાના નામે નવા ટૅરિફ જાહેર કરી શકે છે અમેરિકા, ભારત પર પણ અસર: રિપોર્ટમાં દાવો 1 - image


Donald Trump Tariff War : અમેરિકી સુપ્રીમ કોર્ટના ટૅરિફ અંગેના તાજેતરના ચુકાદા બાદ, ટ્રમ્પ વહીવટીતંત્ર હવે કેટલાક નવા ઉત્પાદનો પર ભારે આયાત શુલ્ક (Tariff) લાદવાની તૈયારી કરી રહ્યું છે. આ નવા ટૅરિફમાં મોટી બેટરીઓ, કાસ્ટ આયર્ન, પ્લાસ્ટિક પાઇપ, ઇન્ડસ્ટ્રિયલ કેમિકલ, પાવર ગ્રીડ અને ટેલિકોમ સાધનો જેવા ક્ષેત્રોનો સમાવેશ થઈ શકે છે.

ભારત પર શું થશે અસર?

જો અમેરિકા નવા "રાષ્ટ્રીય સુરક્ષા" (National Security) ટૅરિફ લાગુ કરે છે, તો તેની સીધી અસર ભારત જેવા દેશો પર પડી શકે છે. ખાસ કરીને મેટલ, કેમિકલ અને ઔદ્યોગિક પાર્ટ્સની નિકાસ પર અસર થશે, કારણ કે આ વસ્તુઓ વૈશ્વિક સપ્લાય ચેઇનનો મહત્ત્વનો હિસ્સો છે. 

સેક્શન 232 હેઠળ લેવાશે નિર્ણય

'વોલ સ્ટ્રીટ જર્નલ'ના અહેવાલ મુજબ, આ ટૅરિફ 1962ના ટ્રેડ લૉના એક વિશેષ પ્રાવધાન સેક્શન 232 હેઠળ લાદવામાં આવી શકે છે. આ કાયદો રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય સુરક્ષાના આધારે આયાત પર શુલ્ક લાદવાની સત્તા આપે છે. આ ટૅરિફ ટ્રમ્પના સૂચિત ગ્લોબલ 15 ટકા ટૅરિફથી અલગ હશે. અગાઉ આ કાયદાનો ઉપયોગ સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટો પાર્ટ્સ પર ટૅરિફ લાદવા માટે થઈ ચૂક્યો છે.

આ પણ વાંચો : BREAKING: યુદ્ધની આશંકા વચ્ચે ઈરાનમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, 4ના મોત, ન્યુક્લિયર પ્લાન્ટ નજીક કાટમાળ પડ્યો

વ્હાઇટ હાઉસનું નિવેદન

વ્હાઇટ હાઉસના પ્રવક્તા કુશ દેસાઈએ જણાવ્યું હતું કે, "અમેરિકાની રાષ્ટ્રીય અને આર્થિક સુરક્ષાની રક્ષા પ્રેસિડેન્ટ ટ્રમ્પ માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને વહીવટીતંત્ર તેને પૂર્ણ કરવા માટે તમામ કાનૂની સત્તાનો ઉપયોગ કરવા માટે પ્રતિબદ્ધ છે."

સુપ્રીમ કોર્ટનો ચુકાદો અને ભવિષ્યની સ્થિતિ

તાજેતરમાં જ અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના બીજા કાર્યકાળના મોટાભાગના ટૅરિફને 6-3ના બહુમતીથી રદ કર્યા હતા. જોકે, મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ચુકાદામાં સેક્શન 232 હેઠળના ટૅરિફનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જેનો અર્થ છે કે સરકાર આ માર્ગે આગળ વધી શકેછે. ઉલ્લેખનીય છે કે, અગાઉ જ્યારે ટ્રમ્પ સરકારે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટૅરિફ લાદ્યા હતા, ત્યારે ભારત સહિતના અનેક દેશોએ તેની સામે વળતા પગલાં લીધા હતા. હવે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે 'ટ્રેડ વોર' (વ્યાપાર યુદ્ધ) જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.