World

અમેરિકામાં સરકારી શટડાઉનનો અંત નજીક! ડેમોક્રેટ્સ-રિપબ્લિકન્સ વચ્ચે સહમતિના સંકેત

By GS TEAM
10 Nov 20253 mins read
TukuTouch Logo
અમેરિકામાં 40 દિવસથી વધુ સમયથી ચાલી રહેલું ગવર્નમેન્ટ શટડાઉન હવે ટૂંક સમયમાં સમાપ્ત થવાની સંભાવના વધી રહી છે. રવિવારે યુએસ સેનેટમાં થનારા મહત્વના મતદાનથી આ ગતિરોધનો ઉકેલ આવી શકે છે. રિપબ્લિકન નેતા સેનેટર જ્હોન થ્યુને જણાવ્યું હતું કે, "શટડાઉન સમાપ્ત કરવા માટે ડેમોક્રેટિક સભ્યો સાથે ડીલ પર વાતચીત ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કંઈપણ નક્કી નથી."

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકામાં સરકારી શટડાઉનનો અંત નજીક! ડેમોક્રેટ્સ-રિપબ્લિકન્સ વચ્ચે સહમતિના સંકેત

USA Shutdown News: અમેરિકામાં 40 દિવસથી વધુ સમયથી ચાલી રહેલું ગવર્નમેન્ટ શટડાઉન હવે ટૂંક સમયમાં સમાપ્ત થવાની સંભાવના વધી રહી છે. રવિવારે યુએસ સેનેટમાં થનારા મહત્વના મતદાનથી આ ગતિરોધનો ઉકેલ આવી શકે છે. રિપબ્લિકન નેતા સેનેટર જ્હોન થ્યુને જણાવ્યું હતું કે, "શટડાઉન સમાપ્ત કરવા માટે ડેમોક્રેટિક સભ્યો સાથે ડીલ પર વાતચીત ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કંઈપણ નક્કી નથી."

કેમ દેખાયા શટડાઉન અંતના સંકેત? 

શુક્રવારે ડેમોક્રેટિક પાર્ટીના નેતા ચક શૂમરના નેતૃત્વમાં ડેમોક્રેટ્સે એક પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં 'અફોર્ડેબલ કેર એક્ટ' (ઓબામાકેર) પરની સબસિડીને ઓછામાં ઓછા એક વર્ષ માટે લંબાવવાની માંગ કરવામાં આવી હતી. શરૂઆતમાં, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટીએ આ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો, પરંતુ હવે સંકેતો મળી રહ્યા છે કે રિપબ્લિકન પાર્ટી કેટલાક મુખ્ય વિભાગો (જેમ કે વેટરન્સ અને ફૂડ એડ) માટે સંપૂર્ણ વર્ષનું ભંડોળ સુનિશ્ચિત કરવા માટે એક નાણાકીય પેકેજ પર કામ કરી રહી છે, જે શટડાઉનનો અંત લાવી શકે છે.

શું છે ગવર્નમેન્ટ શટડાઉન?

અમેરિકામાં સરકારનું શટડાઉન ત્યારે થાય છે જ્યારે યુએસ કોંગ્રેસ (સંસદ) સમયસર ફાઇનાન્સ બિલ (વિવિધ સરકારી વિભાગો અને યોજનાઓ માટે જરૂરી બજેટ) પસાર કરવામાં નિષ્ફળ જાય છે. બજેટના અભાવે, બિન-જરૂરી સરકારી કામકાજ સંપૂર્ણપણે ઠપ થઈ જાય છે. શટડાઉન સમાપ્ત કરવા માટે, કોંગ્રેસના બંને ગૃહોમાં 'સ્પેન્ડિંગ બિલ' અથવા 'કન્ટીનુઇંગ રેઝોલ્યુશન (CR)' પસાર થવું અને તેના પર રાષ્ટ્રપતિની સહી થવી આવશ્યક છે.

કઈ રીતે આવશે સમાધાન? જાણો બંન્ને ગૃહોનું ગણિત

1. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (પ્રતિનિધિ સભા): આ નીચલું ગૃહ છે, જેમાં 435 સભ્યો હોય છે. અહીં કોઈપણ બિલ પસાર કરવા માટે સાધારણ બહુમતી એટલે કે 218 વોટની જરૂર પડે છે. અહીં 'ફિલિબસ્ટર' જેવી પ્રક્રિયા ન હોવાથી બિલ સરળતાથી પસાર થઈ શકે છે. સપ્ટેમ્બર 2025માં પણ એક બિલ 217-215ના પાતળા બહુમતથી પસાર થયું હતું.

2. યુએસ સેનેટ (ઉપલું ગૃહ): અહીં પરિસ્થિતિ જટિલ છે. સેનેટમાં કોઈપણ બિલ પર અનિશ્ચિત સમય સુધી ચર્ચા થઈ શકે છે, જેને 'ફિલિબસ્ટર' કહેવાય છે. ફિલિબસ્ટર એ એક સંસદીય પ્રક્રિયા છે જેમાં વિપક્ષના સભ્યો કોઈ બિલ પર ચર્ચાને એટલી લાંબી ખેંચે છે કે તેના પર મતદાન જ ન થઈ શકે.

60 વોટનું ગણિત: આ ફિલિબસ્ટરને રોકવા અને ચર્ચા સમાપ્ત કરવા માટે 'ક્લોચર' નામનો પ્રસ્તાવ લાવવામાં આવે છે, જેને પસાર કરવા માટે 100 સભ્યોમાંથી 60 વોટની જરૂર પડે છે. આથી, મોટાભાગના ફંડિંગ બિલ પસાર કરવા માટે 60 વોટની બહુમતી અનિવાર્ય બની જાય છે.

વર્તમાન સ્થિતિ: હાલમાં સેનેટમાં રિપબ્લિકન પાર્ટીના 53 અને ડેમોક્રેટિક પાર્ટીના 47 સભ્યો છે. આનો અર્થ એ છે કે રિપબ્લિકન પાર્ટીને બિલ પસાર કરાવવા માટે ઓછામાં ઓછા 7 ડેમોક્રેટ અથવા અપક્ષ સાંસદોના સમર્થનની જરૂર પડશે. આમ, શટડાઉનનો અંત લાવવા માટે રવિવારે યોજાનારું મતદાન નિર્ણાયક સાબિત થશે, જેમાં રિપબ્લિકન પાર્ટી ડેમોક્રેટ્સનો સાથ મેળવી શકે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.