UNGAમાં અમેરિકન વિદેશ મંત્રી અને જયશંકર વચ્ચે મુલાકાત: 100% ટેરિફ, રશિયા-ઈરાન સહિતના મુદ્દે કરી ચર્ચા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jaishankar Meets Marco Rubio At UNGA: વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે ન્યૂયોર્કમાં UNGA સત્રમાં અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે મુલાકાત કરી છે. જયશંકરે અમેરિકાના નવા કાયદા તથા ભારતીય તેલ આયાત પર સંભવિત 100% ટેરિફને લઈને ભારતની ચિંતાઓને વિશ્વ સમક્ષ ઉઠાવી છે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભારતે અમેરિકા દ્વારા તાજેતરમાં પસાર કરવામાં આવેલા 'લિન્ડસે ઓ. ગ્રેહામ સેંક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ 2026' (SRIA) ને લઈને પોતાની ગંભીર ચિંતાઓ અને આર્થિક હિતોને અમેરિકી વિદેશ મંત્રી સમક્ષ મજબૂતીથી રજૂ કર્યા હતા.
ટ્રમ્પ ટેરિફ વચ્ચે આ બેઠક મહત્વની
આ બેઠક એવા સમયે થઈ છે, જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા અઠવાડિયે જ SRIA કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. આ કાયદા હેઠળ અમેરિકાને રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદનારા દેશો એવા ખાસ કરીને ભારત અને ચીન પર 100 ટકા સુધીનો ટેરિફ લાદવાનો અધિકાર મળી ગયો છે.
'ઊર્જા સુરક્ષા અને રાષ્ટ્રીય હિત સાથે સમજૂતી નહીં'
બેઠક બાદ વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતાં લખ્યું, 'સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચ સ્તરીય સપ્તાહ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોને મળીને આનંદ થયો. SRIA (રશિયા અને ઈરાન પર પ્રતિબંધ અધિનિયમ) ના સંબંધમાં ભારતના હિતો અને ચિંતાઓને પુનરાવર્તિત કરી. આ સિવાય અખાતી દેશો અને યુક્રેનની સ્થિતિ પર પણ ચર્ચા થઈ.' આ પહેલાં ભારત સરકારે સ્પષ્ટ વલણ અપનાવતા કહ્યું હતું કે, દેશ પોતાની આર્થિક સુરક્ષા અને 140 કરોડ નાગરિકોની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં ભરશે.
વ્યૂહાત્મક ભાગીદારી અને બહુપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા
બીજી તરફ, અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પણ આ મુલાકાત બાદ X પર પોસ્ટ કરતાં લખ્યું કે, 'આજે ન્યૂયોર્કમાં ભારતીય વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરને મળીને ખૂબ સારું લાગ્યું. આપણે મળીને ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરી રહ્યા છીએ, અને અગ્રણી પ્રાદેશિક પ્રાથમિકતાઓ તથા આગામી બહુપક્ષીય પ્રયાસો પર સમન્વય બનાવી રહ્યા છીએ.'
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં બંને નેતાઓની મુલાકાત આ જ વર્ષે જુલાઈમાં મનીલામાં થઈ હતી, જ્યાં વેપાર, ટેરિફ, ઊર્જા, સંરક્ષણ, મહત્વપૂર્ણ ખનિજો અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા પ્રાથમિક ક્ષેત્રો પર વ્યાપક ચર્ચા થઈ હતી. બંને દેશો વચગાળાના ભારત-અમેરિકા વેપાર કરાર (Interim Trade Deal) ને આખરી ઓપ આપવા પર પણ સહમત થયા હતા.
ભારત-અમેરિકાના વેપાર કરારનો મહત્વનો મુદ્દો
મનીલા બેઠક બાદ અમેરિકી વિદેશ વિભાગે કહ્યું હતું કે, બંને પક્ષોએ ભારત-અમેરિકા વચગાળાના વેપાર કરારને આખરી ઓપ આપવાના મહત્વ પર સહમતી દર્શાવી હતી. હવે ન્યૂયોર્કમાં થયેલી બેઠકમાં રશિયા અને ઈરાન સાથે જોડાયેલા અમેરિકી પ્રતિબંધ કાયદાની સાથે અખાતી દેશો અને યુક્રેનની સ્થિતિ પર ચર્ચાને પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જયશંકરની આ મુલાકાત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઉચ્ચ સ્તરીય સપ્તાહ દરમિયાન ભારત-અમેરિકા સંબંધો સાથે જોડાયેલા અસંખ્ય મહત્વના મુદ્દાઓ પર ચાલી રહેલા સંવાદનો એક ભાગ છે.




