ઇરાન યુદ્ધ ખતમ કર્યા બાદ ટ્રમ્પનું ધ્યાન 'કમાણી' પર, આ દેશોને આપી 100% ટેરિફ વસૂલીની ધમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US President Donald Trump Tariff Threat to Europe: ઈરાન સાથે ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત થતાં જ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે યુરોપિયન દેશો સામે મોરચો ખોલી દીધો છે. ટ્રમ્પે શુક્રવારે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચેતવણી આપી છે કે, જે પણ દેશ અમેરિકન કંપનીઓ પર 'ડિજિટલ સર્વિસ ટેક્સ' લગાવશે, તે દેશમાંથી અમેરિકા આવતા તમામ સામાન પર તાત્કાલિક અસરથી 100 ટકા ટેરિફ લાદી દેવામાં આવશે. આ ધમકીના કારણે અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે વ્યાપારિક તણાવ ભારે વધી ગયો છે.
જૂની ડીલ પણ રદ થઈ શકે છે
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે, આ નવો ટેરિફ અમેરિકા સાથેના કોઈપણ જૂના કે નવા વ્યાપાર કરારને રદ કરી દેશે, પછી ભલે તેના પર હસ્તાક્ષર થયા હોય કે ન થયા હોય. આમાં ગત વર્ષે અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલા એ કરારનો પણ સમાવેશ થાય છે, જેના અંતર્ગત યુરોપિયન વસ્તુઓ પર અમેરિકી ટેરિફ 15% સુધી મર્યાદિત રાખવામાં આવ્યો હતો અને તેના બદલામાં યુરોપિયન દેશોએ અમેરિકી ટેક્નોલોજી પ્રોડક્ટ્સ પરનો ટેરિફ ઘટાડીને શૂન્ય કર્યો હતો. અહેવાલ મુજબ, ટ્રમ્પે અગાઉ યુરોપથી આયાત થતી વસ્તુઓ પર 25% ટેરિફ ફરીથી લગાવવાની ધમકી આપી હતી અને ટેરિફ ઘટાડવા માટે 4 જુલાઈ સુધીની સમયમર્યાદા નક્કી કરી છે. આ ડેડલાઈનને કારણે યુરોપના નેતાઓ અત્યારથી જ ફેરફારો લાગુ કરવા માટે કામે લાગી ગયા છે.
દબાણ સામે ઝૂકવા તૈયાર નથી ફ્રાન્સ
બીજી તરફ, ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને તાજેતરમાં G7 સમિટમાં ટ્રમ્પ સાથેની મુલાકાત પહેલાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે, ફ્રાન્સ કોઈપણ પ્રકારના દબાણમાં આવીને અમેરિકન ટેક જાયન્ટ્સ પર લગાવેલો ડિજિટલ ટેક્સ ખતમ નહીં કરે. ફ્રાન્સમાં વર્ષ 2019થી એવી ડિજિટલ કંપનીઓની આવક પર 3 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે. જેઓનું ફ્રાન્સમાં ટર્નઓવર 25 મિલિયન યુરો અને વૈશ્વિક સ્તરે 750 મિલિયન યુરો (આશરે 854 મિલિયન ડોલર) થી વધુ છે. ફ્રેન્ચ સાંસદોએ તો આ ટેક્સને બમણો કરીને 6 ટકા કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. ટ્રમ્પે ફ્રાન્સ જતા પહેલાં જ ચેતવણી આપી દીધી હતી કે જો પેરિસ પોતાનો આ ડિજિટલ ટેક્સ નાબૂદ નહીં કરે, તો અમેરિકા પાસે ફ્રેન્ચ વાઇન પર 100% ટેરિફ લગાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચશે નહીં.









