10,000 ફ્લાઇટ્સ રદ, 5 લાખ ઘરોમાં બત્તી ગુલ, 3 ફૂટ સુધી બરફ: અમેરિકામાં 'બોમ્બ સાયક્લોન'નો કહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bomb Cyclone : અમેરિકાના ઉત્તર-પૂર્વીય ભાગમાં એક શક્તિશાળી બરફીલા તોફાને ભારે તબાહી મચાવી છે. મેરીલૅન્ડથી લઈને મેઇન સુધીના વિસ્તારો બરફની જાડી ચાદર હેઠળ ઢંકાઈ ગયા છે. આ ભીષણ હવામાનને કારણે શનિવારથી મંગળવાર વચ્ચે 10,000થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. માત્ર સોમવારે 5,000થી વધુ અને મંગળવાર માટે 1,300થી વધુ ફ્લાઇટ્સ અગાઉથી રદ કરી દેવામાં આવતા હજારો મુસાફરો અટવાયા છે. ન્યૂયોર્કનું JFK, લાગુઆર્ડિયા અને બોસ્ટનનું લોગાન ઍરપોર્ટ સૌથી વધુ પ્રભાવિત થયા છે.
શું છે આ 'બોમ્બ ચક્રવાત'?
હવામાન વૈજ્ઞાનિકો આ તોફાનને દાયકાનું સૌથી શક્તિશાળી તોફાન ગણાવ્યું છે. જેને 'બોમ્બ ચક્રવાત' (Bomb Cyclone) કહેવામાં આવે છે. 'બોમ્બ ચક્રવાત ત્યારે સર્જાય છે જ્યારે 24 કલાકના ગાળામાં તોફાનનું દબાણ ચોક્કસ માત્રામાં ઘટી જાય છે. આ મુખ્યત્વે શરદ અને શિયાળાની ઋતુમાં થાય છે જ્યારે આર્કટિકની ઠંડી હવા દક્ષિણ સુધી પહોંચીને ગરમ તાપમાન સાથે અથડાય છે.'
અનેક વિસ્તારોમાં બે ફૂટ(60 સેમી)થી વધુ બરફ પડ્યો છે, જ્યારે રોડ આઇલૅન્ડના વોરવિકમાં ત્રણ ફૂટથી વધુ બરફ નોંધાયો છે. પરિસ્થિતિને જોતાં ન્યૂયોર્ક, ન્યૂ જર્સી અને મેસેચ્યુસેટ્સ સહિતના રાજ્યોમાં કટોકટી (Emergency) જાહેર કરવામાં આવી છે.
જનજીવન અસ્તવ્યસ્ત: યુએન અને શાળાઓ બંધ
તોફાનની અસર એટલી પ્રચંડ છે કે યુનાઇટેડ નેશન્સ(UN)ને તેની સુરક્ષા પરિષદની બેઠક સ્થગિત કરવી પડી છે અને મુખ્ય મથક બંધ રાખવું પડ્યું છે. ન્યૂયોર્ક શહેરમાં છ વર્ષમાં પ્રથમ વખત બરફવર્ષાને કારણે શાળાઓ બંધ કરવામાં આવી છે. જોકે, મેયર જોહરાન મમદાનીએ મંગળવારથી શાળાઓ ખોલવાની વાત કરી છે. જેનો કેટલાક અધિકારીઓએ વિરોધ કર્યો છે.
પરિવહન અને વીજળી ગુલ
પરિવહન: રેલવે અને બસ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. રસ્તાઓ પર લપસણી સપાટી અને ઓછી વિઝિબિલિટીને કારણે મુસાફરી જોખમી બની છે. ડોરડેશ જેવી ડિલિવરી સેવાઓએ પણ કામ બંધ કરી દીધું છે.
વીજળી: પૂર્વીય કિનારા પર 5,70,000 થી વધુ ઘરો અને વ્યવસાયોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. મેસેચ્યુસેટ્સ અને ન્યૂ જર્સીમાં સ્થિતિ સૌથી ખરાબ છે.
રાહત કામગીરી ચાલુ
ભારે તોફાન વચ્ચે પણ કેટલાક પ્રવાસીઓ ટાઇમ્સ સ્ક્વેર પર નાચતા અને સ્લેજિંગનો આનંદ લેતા જોવા મળ્યા હતા. જોકે, હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, ખતરો હજુ ટળ્યો નથી. આ સપ્તાહના અંતમાં વધુ એક તોફાન આવવાની શક્યતા છે. વહીવટીતંત્રે નેશનલ ગાર્ડને તૈનાત કર્યા છે અને રાહત તથા બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.








