World

અરબ સાગરમાં અમેરિકન નેવીનું હેલિકોપ્ટર ક્રેશ, ઈમરજન્સી વૉટર લેન્ડિંગ બાદ 1 ક્રૂ મેમ્બર્સ ગુમ

By GS Team
2 Jul 20262 mins read
TukuTouch Logo
અરબ સાગરમાં US નેવીના MH-60S સીહોક હેલિકોપ્ટરનું ઇમરજન્સી વૉટર લેન્ડિંગ થયું છે. USS જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશ એરક્રાફ્ટ કેરિયર પરથી ઉડાન ભર્યા બાદ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. હેલિકોપ્ટરમાં સવાર 4 ક્રૂ મેમ્બર્સમાંથી 3ને સુરક્ષિત બચાવાયા છે, જ્યારે 1 જવાન ગુમ છે. તેને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. હુમલાના કોઈ સંકેત નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

અરબ સાગરમાં અમેરિકન નેવીનું હેલિકોપ્ટર ક્રેશ, ઈમરજન્સી વૉટર લેન્ડિંગ બાદ 1 ક્રૂ મેમ્બર્સ ગુમ

US Navy Helicopter Crashes in Arabian Sea: અરબ સાગરમાં અમેરિકન નેવીના એક હેલિકોપ્ટરનું કટોકટીની સ્થિતિમાં દરિયામાં લેન્ડિંગ (ઇમરજન્સી વૉટર લેન્ડિંગ) કરાવવું પડ્યું હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર ચાર ક્રૂ મેમ્બર્સમાંથી ત્રણને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે, જ્યારે એક ક્રૂ મેમ્બર હજી પણ ગુમ છે. યુએસ નેવી દ્વારા ગુમ થયેલા જવાનને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

એરક્રાફ્ટ કેરિયર પરથી ઉડાન ભરી હતી

યુએસ નેવીના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, MH-60S સીહોક (Seahawk) હેલિકોપ્ટરે અમેરિકન એરક્રાફ્ટ કેરિયર 'યુએસએસ જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશ' પરથી નિયમિત ઉડાન ભરી હતી. સ્થાનિક સમય મુજબ બપોરે આશરે 1 વાગ્યાની આસપાસ કોઈ તકનીકી ખામી કે અન્ય કારણોસર હેલિકોપ્ટરને દરિયાના પાણી પર જ લેન્ડિંગ કરવું પડ્યું હતું.

અકસ્માત સર્જાતાની સાથે જ નેવી દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. હેલિકોપ્ટરમાં સવાર 4 સભ્યોમાંથી 3 ક્રૂ મેમ્બર્સને સમયસર દરિયામાંથી બહાર કાઢી સુરક્ષિત રીતે એરક્રાફ્ટ કેરિયર પર પરત લાવવામાં આવ્યા છે. હાલ ત્રણેય જવાનોની સ્થિતિ સ્થિર છે. જો કે, ચોથા ક્રૂ મેમ્બરનો હજી સુધી કોઈ પતો લાગ્યો નથી, જેને શોધવા માટે નૌકાદળની ટીમો સતત પ્રયત્નશીલ છે.

હુમલાનો કોઈ સંકેત નથી: યુએસ નેવી

નૌકાદળના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે હેલિકોપ્ટર પર કોઈ પ્રતિકૂળ હુમલો થયો હોય કે તેને તોડી પાડવામાં આવ્યું હોય તેવા કોઈ સંકેતો મળ્યા નથી. ઇમરજન્સી લેન્ડિંગ પાછળનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે અમેરિકન દળો ઍલર્ટ પર

આ ઘટના એવા સમયે બની છે જ્યારે મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરના વિવાદોને પગલે ભારે તણાવનો માહોલ છે. જો કે હાલ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ અમલી છે, તેમ છતાં સમયાંતરે બનતી નાની-મોટી ઘટનાઓને કારણે અમેરિકન લશ્કરી દળોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

શા માટે તહેનાત છે યુએસએસ જ્યોર્જ બુશ?

યુએસએસ જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશ એપ્રિલ મહિનાના અંતથી પશ્ચિમ એશિયાના દરિયાઈ વિસ્તારમાં તહેનાત છે. આ પ્રદેશમાં દરિયાઈ વેપાર માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને પ્રાદેશિક સ્થિરતા જાળવવા માટે યુએસ નેવીના જે બે એરક્રાફ્ટ કેરિયર્સ તહેનાત કરાયા છે, તેમાંથી આ એક છે.

દરિયામાં ઇમરજન્સી લેન્ડિંગ કેટલું જોખમી?

અહેવાલો અનુસાર, દરિયાના પાણી પર હેલિકોપ્ટરનું કટોકટીનું ઉતરાણ અત્યંત જોખમી અને પડકારજનક પ્રક્રિયા છે. હેલિકોપ્ટરનું ઉપરનું માળખું ભારે હોવાને કારણે પાણી પર લેન્ડિંગ કરતી વખતે તે પલટી જાય તેવી પૂરેપૂરી સંભાવના રહે છે. આવા સંજોગોમાં ક્રૂ મેમ્બર્સ માટે બહાર નીકળવું અને બચાવ કામગીરી કરવી મુશ્કેલ બને છે. જો કે, યુએસ નેવીના પાઇલટ્સ આ પ્રકારની કટોકટીનો સામનો કરવા માટે ખાસ તાલીમબદ્ધ હોય છે, જેના કારણે ત્રણ જવાનોના જીવ બચાવી શકાયા છે.