ઈઝરાયલના વલણ પર અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખ ભડક્યા, સીધું જ સંભળાવ્યું- ‘ભાડમાં જાઓ’
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Israel Relations : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે અમેરિકી ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે એક મોટું નિવેદન આપ્યું છે, જેનાથી અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલી આંતરિક ખટપટ જાહેરમાં આવી ગઈ છે. જેડી વેન્સે એક ઈન્ટરવ્યુ દરમિયાન ઈરાન સાથેના અમેરિકાના શાંતિ પ્રયાસોને નબળા પાડવા માટે સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવનારા ઈઝરાયલી જૂથો સામે આકરો આક્રોશ ઠાલવતા સીધું જ કહી દીધું છે કે, ‘ભાડમાં જાઓ’.
યુદ્ધ લાંબુ ખેંચવાનો ઈઝરાયલ પર આક્ષેપ
અમેરિકી ઉપરાષ્ટ્રપ્રમુખે ‘દ જો રોગન એક્સપિરિયન્સ’ ટૉક શોમાં આરોપ લગાવ્યો હતો કે ઈઝરાયલના કેટલાક લોકો કોઈ ચોક્કસ પરિણામ મેળવવાના બદલે ઈરાન સાથેના આ સંઘર્ષને અનિશ્ચિત સમય સુધી લંબાવવા માંગે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, ‘અમને આ વાતની સારી રીતે જાણકારી છે કે તેમના ત્યાં એવા કેટલાક લોકો છે જે અમેરિકન જનમતને પ્રભાવિત કરી રહ્યા છે જેથી કરીને આ યુદ્ધ ક્યારેય પૂરું જ ન થાય.’
શાંતિ કરારમાં રોડા નાખવાનો પ્રયાસ
જેડી વેન્સના જણાવ્યા મુજબ, તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના લક્ષ્યો અનુસાર ઈરાન સાથે એક શાંતિ કરાર કરવાની કોશિશ કરી રહ્યા હતા. પરંતુ ઈઝરાયલી સરકાર સાથે જોડાયેલા લોકોએ આ પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે પત્રકારોને અંદરની માહિતી લીક કરી અને સોશિયલ મીડિયા પર તેમના વિરુદ્ધ મોટું અભિયાન ચલાવ્યું હતું.
વિદેશી દખલગીરી સામે નારાજગી
તેમણે ઉમેર્યું કે વોશિંગ્ટનની નીતિઓ પર પ્રભાવ પાડવાની આવી કોશિશો અન્ય દેશો પણ કરે છે અને તેનાથી તેમને કોઈ વાંધો નથી. પરંતુ જ્યારે અમેરિકનો પોતે આવા વિદેશી પ્રભાવ હેઠળ આવીને પોતાના નિર્ણયો બદલી નાખે છે ત્યારે તેમને ખરેખર દુઃખ થાય છે. ઈરાન સાથેના યુદ્ધ મુદ્દે ઈઝરાયલી સત્તાવાળાઓ સામે અમેરિકા તરફથી કરવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી કડક સાર્વજનિક ટીકા છે.









