US Israel Iran War: ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન યુદ્ધ શરૂ થયાનો આજે પાંચમો દિવસ છે. ત્રણેય દેશો એકબીજા દેશોને મોટા નુકસાન પહોંચાડ્યાના દાવા કરી રહ્યા છે તેવામાં ઈઝરાયલે વધુ એક વીડિયો જાહેર કરી કહ્યું છે કે ઈરાનના લગભગ 300 મિસાઈલ લોન્ચર નષ્ટ કરી દેવામાં આવ્યા છે. જેમાં બેલિસ્ટિક મિસાઈલ સિસ્ટમ અને એર ડિફેન્સ સિસ્ટમનો પણ સમાવેશ થાય છે.
2,000 સૈન્ય ઠેકાણાઓ પર પ્રચંડ હુમલો: અમેરિકાનો દાવો
બીજી તરફ અમેરિકાએ 'ઓપરેશન એપિક ફ્યુરી' હેઠળ અત્યાર સુધી ઈરાનના લગભગ 2,000 સૈન્ય ઠેકાણાઓ પર પ્રચંડ હુમલો કર્યો છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે ઓપરેશનની જાણકારી આપતા કહ્યું કે, 'ઈરાનની સૈન્ય શક્તિને મોટો ફટકો આપ્યો છે. ઈરાનની એક સબમરીન સહિત 17 જહાજો દરિયામાં ડૂબાડી દીધા છે, અત્યારે અરબ સાગર અને હોર્મુઝની સામુદ્રધુની જેવા મહત્વના વિસ્તારોમાં ઈરાનનું એક પણ જહાજ હાજર નથી.'
જંગ રોકવા માટે તૈયાર: ઈરાની નેતા
ઈરાનના મૃતક આયતુલ્લા સૈયદ અલી ખામેનેઈના પ્રતિનિધિ ડૉ. અબ્દુલ મજીદ હકીમ ઈલાહીએ ANIને આપેલા એક ઈટરવ્યૂમાં મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, 'અમે યુદ્ધ રોકવા માટે તૈયાર છીએ અને વાતચીત માટે પણ અમારા દ્વાર ખુલ્લા છે. પરંતુ, આ વાતચીત સંપૂર્ણપણે સન્માન સાથે થવી જોઈએ.' વધુમાં ભાર મૂકતા કહ્યું કે, કોઈ પણ દેશ ઈરાનને આદેશ આપે તે અમને મંજૂર નથી. ઈરાન માત્ર પોતાનો બચાવ કરી રહ્યું છે અને પોતાના હક્ક માટે લડી રહ્યું છે. ઈરાન પોતાના હકોના રક્ષણ સિવાય અન્ય કોઈ ઉદ્દેશ્ય ધરાવતું નથી'
મોતને ભેટેલા 4 અમેરિકન સૈનિકોની તસવીર જાહેર
પેન્ટાગને રવિવારે ઈરાની ડ્રોન હુમલામાં મૃત્યુ પામેલા 6 અમેરિકન સૈનિકોમાંથી ચારની ઓળખ કરી છે અને તેમની તસવીરો જાહેર કરી છે. આ સૈનિકોમાં કેપ્ટન કોડી ખોર્ક (35), સાર્જન્ટ ફર્સ્ટ ક્લાસ નોઆ ટિટજેન્સ (42), સાર્જન્ટ ફર્સ્ટ ક્લાસ નિકોલ અમોર (39) અને સાર્જન્ટ ડેક્લાન કોડી (20) નો સમાવેશ થાય છે. ચારેય સૈનિકોને આયોવાની એક આર્મી રિઝર્વ સસ્ટેનમેન્ટ યુનિટ, 103મા સસ્ટેનમેન્ટ કમાન્ડમાં મોકલવામાં આવ્યા હતા. જે ખોરાક, ઈંધણ, પાણી, દારૂગોળો, પરિવહન સામગ્રી અને સપ્લાય પૂરી પાડે છે. રવિવારના હુમલામાં મોતને ભેટેલા અન્ય બે સૈનિકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.
ખામેનેઈ પુત્ર મોજતબા ખામેનેઈને નવા સુપ્રીમ લીડર
ઈરાનની સૌથી શક્તિશાળી સંસ્થા ‘એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ’ એ ખામેનેઈ પુત્ર મોજતબા ખામેનેઈને નવા સુપ્રીમ લીડર તરીકે ચૂંટી કાઢ્યા છે. આ નિર્ણય ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) એટલે કે રિવોલ્યુશનરી ગાર્ડ્સના દબાણ હેઠળ લેવામાં આવ્યો હોવાનો દાવો છે. UK સ્થિત 'ઈરાન ઈન્ટરનેશનલ'ના સૂત્રોના હવાલેથી આ જાણકારી મળી છે. એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ દ્વારા 3 માર્ચ 2026ના રોજ આ ચૂંટણી થઈ હતી, જ્યારે દેશ યુદ્ધની સ્થિતિમાં હતો અને અલી ખામેનેઈનું ગત શનિવારે ઈઝરાયલી અને અમેરિકાના હુમલામાં મોત થઈ ચૂક્યું હતું. એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સમાં 88 સભ્યો હોય છે, જે દેશના સુપ્રીમ લીડરની પસંદગી કરે છે. સુરક્ષાના હેતુસર મતદાન રિમોટથી કરવામાં આવ્યું હતું.


