ઈરાનના ઓઈલ ટાપુ પર 'મજા માટે' ફરી હુમલો કરીશું: વૈશ્વિક સંકટ વચ્ચે ટ્રમ્પની ધમકીથી ચિંતા વધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran America War: અમેરિકા અને ઈઝરાયલના ઈરાન સાથેના યુદ્ધે હવે અત્યંત ખતરનાક વળાંક લીધો છે. યુદ્ધના ત્રીજા સપ્તાહમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના મુખ્ય ઓઈલ એક્સપોર્ટ હબ 'ખાર્ગ આઇલેન્ડ' પર વધુ હુમલા કરવાની ધમકી આપી છે. ટ્રમ્પે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમેરિકન હુમલાઓએ આ ટાપુનો મોટો હિસ્સો પહેલેથી જ તબાહ કરી દીધો છે અને હજી વધુ હુમલા થઈ શકે છે.
વૈશ્વિક અર્થતંત્ર પર જોખમ
વિશ્વના કુલ તેલ પુરવઠાનો પાંચમો ભાગ જ્યાંથી પસાર થાય છે તે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' અત્યારે યુદ્ધનું કેન્દ્ર બન્યું છે. ઈરાને આ મહત્વના દરિયાઈ માર્ગને બંધ કરી દેતા વૈશ્વિક બજારમાં ઊર્જા સંકટ ઊભું થયું છે અને તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે, "જે દેશો આ માર્ગે તેલ મેળવે છે, તેમણે તેની સુરક્ષાની જવાબદારી ઉઠાવવી પડશે, અમેરિકા તેમને ઘણી મદદ કરી છે." ટ્રમ્પે ચીન, ફ્રાંસ, જાપાન, દક્ષિણ કોરિયા અને બ્રિટન જેવા દેશોને પોતાના યુદ્ધ જહાજો આ વિસ્તારમાં તૈનાત કરવા વિનંતી કરી છે. જોકે, હજી સુધી કોઈ દેશે આ અંગે સ્પષ્ટ સંમતિ આપી નથી.
ફક્ત મજા માટે ફરી હુમલો કરીશું: ટ્રમ્પ
શનિવારે એનબીસી ન્યૂઝ સાથેની વાતચીતમાં પ્રમુખ ટ્રમ્પે અત્યંત આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, અમેરિકી હુમલાઓએ ઈરાનના ખાર્ગ ટાપુને લગભગ સંપૂર્ણપણે 'તબાહ' કરી દીધો છે. તેમણે વિવાદાસ્પદ નિવેદન આપતા ઉમેર્યું કે, "અમે કદાચ મજા ખાતર (Just for fun) ત્યાં હજી થોડી વધુ વાર હુમલા કરી શકીએ છીએ." અગાઉ ટ્રમ્પ પ્રશાસને એવો દાવો કર્યો હતો કે તેઓ માત્ર સૈન્ય મથકોને નિશાન બનાવી રહ્યા છે, પરંતુ હવે ઓઈલ હબ પર હુમલાની વાત કરીને તેમણે સીધું જ ઈરાનની આર્થિક કમર તોડવાની વ્યૂહનીતિ સ્પષ્ટ કરી છે.
ઈરાનનો જોરદાર વળતો પ્રહાર
બીજી તરફ, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા મુજતબા ખામેનેઈએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે રવિવારે ઈઝરાયલ અને આસપાસના ત્રણ અમેરિકન બેઝ પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાગચીએ ચેતવણી આપી છે કે જો તેમના ઊર્જા મથકો પર હુમલો થશે, તો ઈરાન તેનો આકરો જવાબ આપશે.
યુદ્ધની વિનાશક અસરો
28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 2,000 થી વધુ લોકોના મોત થયા છે, જેમાંથી મોટાભાગના ઈરાનના નાગરિકો છે. ઈરાનના ઈસ્ફહાન શહેરમાં એક ફેક્ટરી પર થયેલા હવાઈ હુમલામાં 15 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે. આ દરમિયાન યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે કે, રશિયા ઈરાનને અમેરિકા અને ઈઝરાયલ સામે લડવા માટે 'શાહેદ ડ્રોન' સપ્લાય કરી રહ્યું છે.
સંઘર્ષની ગંભીરતાને જોતા વોશિંગ્ટને તેના નાગરિકોને તાત્કાલિક ઈરાક છોડવા સૂચના આપી છે. સાઉદી અરેબિયાએ પણ રિયાધ અને પૂર્વી વિસ્તારોમાં આવતા 10 ડ્રોનને તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે કે, જો કે ઈરાને આ હુમલામાં પોતાની સંડોવણીનો ઈનકાર કર્યો છે.









