Get The App

હોર્મુઝ સ્ટ્રેટમાં ઓઈલ ટેન્કરોની સુરક્ષા મુદ્દે ટ્રમ્પની ફરી ગુલાંટ, તણાવ ચરમસીમાએ

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
હોર્મુઝ સ્ટ્રેટમાં ઓઈલ ટેન્કરોની સુરક્ષા મુદ્દે ટ્રમ્પની ફરી ગુલાંટ, તણાવ ચરમસીમાએ 1 - image

Strait Of Hormuz: હોર્મુઝ સ્ટ્રેટને લઈને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના બે દિવસ પહેલા આપેલા નિવેદનથી પલટી મારી છે. બે દિવસ પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે, જે દેશો ક્રૂડ ઓઈલ માટે આ દરિયાઈ માર્ગ પર નિર્ભર છે, તેમણે હવે તેની સુરક્ષાની જવાબદારી પોતે જ ઉઠાવવી જોઈએ. હવે ટ્રમ્પે પોસ્ટમાં લખ્યું છે કે- 'થોડો વધુ સમય આપો, અમે હોર્મુઝને સરળતાથી ખોલી દઈશું.' માત્ર 48 કલાકની અંદર ટ્રમ્પે આ વૈશ્વિક સંકટ પર પોતાનું સ્ટેન્ડ સંપૂર્ણપણે બદલી નાખ્યું છે, જેનાથી આંતરરાષ્ટ્રીય બજાર અને સહયોગી દેશો આશ્ચર્યચકિત છે. ટ્રમ્પના આ બદલાતા નિવેદનોની સીધી અસર આંતરરાષ્ટ્રીય ક્રૂડની કિંમતો પર જોવા મળી રહી છે. બુધવારના નિવેદન બાદ જ્યાં રોકાણકારોને લાગ્યું કે અમેરિકા પાછળ હટી રહ્યું છે, ત્યાં શુક્રવારની પોસ્ટ દ્વારા ફરીથી તણાવ વધી ગયો છે.

બે દિવસ પહેલા શું કહ્યું હતું?

બે દિવસ પહેલા એક સંબોધનમાં ટ્રમ્પે કડક વલણ અપનાવતા કહ્યું હતું કે અમેરિકા હવે હોર્મુઝની ચોકીદારી નહીં કરે. તેમણે તર્ક આપ્યો હતો કે અમેરિકા હવે પોતે ક્રૂડ ઓઈલનો મોટો ઉત્પાદક છે અને તેને આ રસ્તાની જરૂર નથી. ટ્રમ્પે ચીન, જાપાન અને ફ્રાન્સ જેવા દેશોને રોકડું પરખાવતા કહ્યું હતું કે, 'જે દેશો ક્રૂડ ઓઈલ માટે આ માર્ગ પર નિર્ભર છે, તેઓ પોતે તેની સુરક્ષાની જવાબદારી ઉઠાવે અને પોતાનું સાહસ બતાવે. અમે આખરે ક્યાં સુધી બીજા માટે ચોકીદારી કરીશું?'

'કબજો કરીશું અને પુષ્કળ નફો કરીશું.'

શુક્રવારે ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક નવી પોસ્ટ દ્વારા સૌને ચોંકાવી દીધા હતા. તેમણે લખ્યું, 'થોડો વધુ સમય આપો, અમે હોર્મુઝને સરળતાથી ખોલી દઈશું, ક્રૂડ ઓઈલ પર કબજો કરીશું અને પુષ્કળ નફો કરીશું.' આ પોસ્ટે સંકેત આપ્યો છે કે અમેરિકા આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પર સંપૂર્ણ સૈન્ય નિયંત્રણ કરવાની યોજના બનાવી રહ્યું છે.

હોર્મુઝ સ્ટ્રેટમાં ઓઈલ ટેન્કરોની સુરક્ષા મુદ્દે ટ્રમ્પની ફરી ગુલાંટ, તણાવ ચરમસીમાએ 2 - image

શું છે હોર્મુઝનું મહત્વ?

હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાનું સૌથી મહત્વપૂર્ણ ‘ઓઈલ ચોકપોઈન્ટ’ છે. દુનિયાનું અંદાજે 20 ટકા કાચું ક્રૂડ ઓઈલ આ સાંકડા માર્ગેથી પસાર થાય છે. ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષને કારણે હાલમાં આ રસ્તો લગભગ બંધ છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતો 100 ડોલરને પાર પહોંચી ગઈ છે.