Donald Trump Policy On US-Iran War : અમેરિકાએ ઈરાન વિરુદ્ધ ભયાનક યુદ્ધ શરૂ કર્યા બાદ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના નિવેદનો વારંવાર બદલાઈ રહ્યા છે. તેમની વાતોમાં 'કભી હા, કભી ના' જેવી નીતિ જોવા મળી રહી છે. ટ્રમ્પ જે રીતે વાતો કરી રહ્યા છે તે જોતા તેઓ મૂંઝવણમાં હોવાનું દેખાઈ રહ્યું છે. આ કારણે સ્થિતિ પર સ્પષ્ટ જવાબ સામે આવવાના બદલે સ્થિતિ ગૂંચવાતી દેખાઈ રહી છે. તેમણે કહ્યું કે, ‘અનેક બાબતો જોતા અમેરિકા યુદ્ધ જીતી ચૂક્યું છે, જોકે હજુ સંપૂર્ણ જીત મળી નથી.’ તેમના આ નિવેદનથી એ સ્પષ્ટ નથી કે, અમેરિકા યુદ્ધને ક્યારે ખતમ કરવા ઈચ્છે છે. મીડિયા રિપોર્ટ મુજબ, અમેરિકાએ તેહરાન પર બી-52 વિમાનો દ્વારા 32000 કિલોના બોંબ ઝિંકવાની પણ યોજના બનાવી છે.
ટ્રમ્પના નિવેદનથી વિશ્વ અસમંજસમાં
ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે (9 માર્ચ) ફ્લોરિડાના ડોરલ શહેરમાં 35 મિનિટ સુધી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ સમયે ક્રૂડ ઓઈલની કિંમતો પ્રતિ બેરલ 100 ડૉલર પર ટ્રેડ થઈ રહી હતી. અમેરિકાના મધ્ય-પૂર્વના સાથી દેશોને ડર હતો કે, યુદ્ધ લાંબુ ચાલી શકે છે અને સંઘર્ષ વધુ ફેલાઈ શકે છે. ટ્રમ્પનો ઉદ્દેશ્ય વિશ્વના બજારોને શાંત કરવાનો અને પોતાના સાથી દેશોને એવો ભરોસો અપાવવાનો હતો કે અમેરિકા પાસે આ યુદ્ધને ખતમ કરવાની સ્પષ્ટ યોજના છે. જોકે પ્રેસ કોન્ફરન્સ વખતે ટ્રમ્પે કોઈ સ્પષ્ટ યોજના જાહેર કરી ન હતી. પરંતુ તેના બદલે તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, ‘અમેરિકન સેના ઈરાનની સૈન્ય શક્તિને અનેક હદે નષ્ટ કરી દીધી છે.’ એટલે કે અમેરિકા હજુ યુદ્ધને સ્પષ્ટ ખતમ કરવાની સ્થિતિમાં નથી.
ઈરાન યુદ્ધ અંગે ટ્રમ્પની ગોળગોળ વાતો
આ પહેલા ટ્રમ્પે સીબીએસ સમાચારને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘આ યુદ્ધ લગભગ સંપૂર્ણ ખતમ થઈ ગયું છે. પરંતુ જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે, ‘યુદ્ધ ખતમ એટલે કે આ સપ્તાહમાં યુદ્ધ ખતમ થઈ શકે છે.’ તો તુરંત ટ્રમ્પે જવાબ આપ્યો કે, ‘ના, પરંતુ ટૂંક સમયમાં, મને લાગે છે કે, ટૂંક સમયમાં...’
પત્રકારોએ ટ્રમ્પને એવું પણ પૂછ્યું કે, ‘યુદ્ધ લગભગ ખતમ થઈ ગયું હોવાનું કહેવાઈ રહ્યું છે, પરંતુ તમારા સંરક્ષણ મંત્રી કહે છે કે, આ તો માત્ર શરૂઆત છે.’ તો ટ્રમ્પે જવાબ આપ્યો કે, બંને વાતો સાચી હોઈ શકે છે. ત્યારબાદ તેમણે તુરંત કહ્યું કે, ‘આ એક નવા આદેશનું નિર્માણ કરવાની શરૂઆત પણ હોઈ શકે છે.’ આ પહેલા ટ્રમ્પ અને તેમના સલાહકારોએ સ્પષ્ટ કહી ચુક્યા છે કે, અમેરિકા ઈરાનમાં નેશન બિલ્ડિંગ એટલે કે નવો દેશ બનાવવાની પ્રક્રિયામાં સામેલ નહીં થાય.
નવા ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પની ફરી પલટી
ત્યારબાદ નવા ઈન્ટરવ્યૂહમાં ડોનાલ્ડ ટ્રમ્પે ફરી પલટી મારી છે. તેમણે ફૉક્સ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘સમજૂતી માટે ઈરાન સાથે વાતચીત થવાની સંભાવના છે. જોકે તે શરતો પર નિર્ભર છે, જેના પર ઈરાન વાતચીત કરવા માટે તૈયાર હોય.’ છેલ્લા 10 દિવસના યુદ્ધ દિવસો દરમિયાન ટ્રમ્પના અનેક નિવેદનો બદલાતા જોવા મળ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, ‘હાલ અમે તેને મોટી સફળતા માની રહ્યા છીએ અથવા આગળ પણ જઈ શકીએ છીએ, અમે વધુ આગળ જઈશું.’ તેમણે રિપબ્લિકન સમર્થકોને સંબોધન કરતા કહ્યું કે, અમે અનેક બાબતોમાં જીતી ગયા છીએ, પરંતુ હજુ તેટલી જીત મળી નથી.’
ટ્રમ્પ પાસે કોઈ રણનીતિ નથી : ડેમોક્રેટ નેતાનો આક્ષેપ
ટ્રમ્પના આ નિવેદનો પર ડેમોક્રેટ નેતાઓએ તાત્કાલીક પ્રતિક્રિયા આપી છે. સીનેટમાં ડેમોક્રેટિક નેતા ચક શૂમરે કહ્યું કે, ‘ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સ પરથી લાગી રહ્યું છે કે, તેમની પાસે કોઈ રણનીતિ નથી અને ભવિષ્ય સ્પષ્ટ કરવાની યોજના પણ નથી.’ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે, તેઓ ક્રૂડ ઓઈલ માર્કેટને શાંત કરવા માટે કેટલાક દેશોને તેલ પ્રતિબંધમાંથી રાહત આપી શકે છે. આ તેમની અગાઉની નીતિથી તદ્દન જુદી છે, કારણ કે, તેમણે યુક્રેન યુદ્ધના કારણે રશિયન તેલ નિકાસ પર દબાણ કર્યું હતું. તે વખતે તેઓ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદનારા દેશોને ધમકી આપતા જોવા મળ્યા હતા. આમ તેલના ખેલમાં ટ્રમ્પે જૂની નીતિઓને તિલાંજલિ આપી દીધી હોવાનું પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.


