US-Iran Peace Talks : અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. બંને દેશો વચ્ચે ગમે ત્યારે યુદ્ધ શરૂ થવાની આશંકાના કારણે મિડલ ઈસ્ટના દેશો ચિંતામાં મુકાઈ ગયા છે. બંને દેશો શાંત પડે અને યુદ્ધ જેવી સ્થિતિ ઉભી ન કરે તે માટે હવે ઓમાને મહત્ત્વની પહેલ શરૂ કરી દીધી છે. આ માટે ઓમાને મધ્યસ્થતા કરી રાજધાની મસ્કતમાં અમેરિકા-ઈરાન વચ્ચે બેઠક યોજી છે.
મસ્કતમાં અમેરિકા-ઈરાનના અધિકારીઓ વચ્ચે બેઠક
મીડિયા રિપોર્ટ મુજબ, અમેરિકા અને ઈરાન વચ્ચે મસ્કતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસેના પેલેસમાં આજે (6 ફેબ્રુઆરી) બેઠક યોજાઈ હતી. બેઠકમાં અમેરિકન અધિકારીઓ અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી (Abbas Araghchi)નું પ્રતિનિધિમંડળ આવ્યું હતું. ઈરાનની સરકારી ટેલિવિઝન ચેનલે કહ્યું કે, અરાઘચી ઓમાનના વિદેશમંત્રી બદ્ર અલ-બુસૈદી સાથે મુલાકાત કરવા માટે મસ્કત આવ્યા છે.
અમેરિકા-ઈરાનનો વિવાદ શાંત પાડવા યોજાઈ બેઠક
ઓમાને કહ્યું છે કે, તહેરાનમાં ચાલી રહેલા પરમાણુ કાર્યક્રમના કારણે ઈરાન સાથે અમેરિકાનો વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને શાંત પાડવા માટે ઓમાને મધ્યસ્થતા કરી છે. ઓમાનના વિદેશ મંત્રાલયે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘વિદેશ મંત્રી બદ્ર અલ-બુસૈદી (Sayyid Badr Al-Busaidi)એ ઈરાનના વિદેશ મંત્રી, પશ્ચિમ એશિયામાં અમેરિકન રાજદૂત સ્ટીવ વિટકૉફ (Steve Witkoff), રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)ના જમાઈ જેરેડ કુશનર (Jared Kushner) સાથે અલગ-અલગ મુલાકાત કરી છે. આ બેઠકનો હેતુ રાજદ્વારી સંબંધો સુધારવા, વિવાદનો નિવેડો લાવવા માટેનો છે.’
મિડલ ઈસ્ટના દેશો ટેન્શમાં
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને શંકા છે કે, તહેરાન પરમાણુ કાર્યક્રમ ચલાવી રહ્યો છે, જેના કારણે ટ્રમ્પ ઈરાનને અવાર-નવાર યુદ્ધની ધમકી આપતા રહે છે. તો બીજીતરફ ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈ પણ ટ્રમ્પને વળતો જડબાતોડ જવાબ આપવાની ધમકી આપી રહ્યા છે. હાલ ઈરાન અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે. એકતરફ ઈરાનમાં હિંસાઓ ચાલી રહી છે, જેમાં અનેક લોકોના મોત થયા છે. તો બીજીતરફ અમેરિકાએ ઈરાન પર હુમલો કરવાની તૈયારી કરી લીધી છે. આ બંને દેશોના કારણે મિડલ ઈસ્ટના દેશો ટેન્શમાં મુકાઈ ગયા છે.
અગાઉ અમેરિકા અને ઈરાન વચ્ચે અનેક બેઠકો યોજાઈ હતી. ગત વર્ષે ઈઝરાયલે તહેરાન પર હુમલો કર્યો હતો અને 12 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું. આ દરમિયાન અમેરિકાએ પણ ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર બોંબ ઝિંક્યા હતા, જેમાં યુરેનિયમના સંવર્ધન પ્લાન્ટ નષ્ટ થઈ ગયા હતા, જ્યારે ઈઝરાયેલે ઈરાનના બેલેસ્ટીક મિસાઈલ જથ્થાને ટાર્ગેટ કર્યા હતા. આ યુદ્ધના કારણે ઈરાન-અમેરિકા વચ્ચે જૂનમાં યોજાયેલી બેઠક નિષ્ફળ ગઈ હતી.


