US Iran War : હાલ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, જેના કારમે ઈઝરાયલ અને ઈરાકમાં એલર્ટ અને એડવાઈઝરીનો તબક્કો શરૂ થઈ ગયો છે. યુદ્ધની આશંકા પ્રબળ બનતા અમેરિકાએ ઈઝરાયેલમાં તૈનાત પોતાના બિન-જરૂરી સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારોને તાત્કાલિક દેશ છોડવાની મંજૂરી આપી દીધી છે. ઈઝરાયેલમાં અમેરિકી રાજદૂત માઈક હકાબીએ કર્મચારીઓને ચેતવણી આપી છે કે, હવાઈ ટિકિટોની માંગ વધે તે પહેલા જ સુરક્ષિત રીતે બહાર નીકળી જાય. બીજી તરફ ચીને પણ પોતાના નાગરિકોને ઈરાન ન જવા અને ત્યાં હાજર લોકોને જલદી પરત ફરવા આદેશ આપ્યો છે.
અમેરિકા-ઈરાનનો વિવાદ નિર્ણાયક તબક્કામાં
અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે. ઈઝરાયેલ પર ઈરાનના સંભવિત હુમલા અને તેના વળતા પ્રહારની અટકળોએ આખા વિસ્તારમાં અસ્થિરતા પેદા કરી છે. આ પરિસ્થિતિમાં અમેરિકાએ પોતાના રાજદ્વારી કર્મચારીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે.
જો વાતચીત નિષ્ફળ જશે તો યુદ્ધ નિશ્ચિત : ઈરાન
ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખામૈનીના પ્રતિનિધિ લુત્ફોલ્લાહ દેઝકામે આક્રમક વલણ અપનાવતા જણાવ્યું છે કે, જો અમેરિકા સાથે ચાલી રહેલી વાટાઘાટો સફળ નહીં થાય તો આગામી રસ્તો માત્ર યુદ્ધ જ હોઈ શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન નબળાઈથી નહીં પણ મજબૂતીથી વાત કરી રહ્યું છે અને જો સામે પક્ષે સમજણ નહીં બતાવાય તો ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.
અમેરિકાએ ટ્રાવેલ એડવાઈઝરી અપડેટ કરી
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી નવી એડવાઈઝરી મુજબ, અમેરિકી નાગરિકોને ઈઝરાયેલ અને વેસ્ટ બેંકની યાત્રા ટાળવા અથવા તેના પર પુનઃવિચાર કરવા જણાવાયું છે. ગાઝા પટ્ટીમાં જવા પર સખત પ્રતિબંધ છે. આ ઉપરાંત લેબનાન અને સીરિયા સરહદથી 4 કિમી અને ગાઝા બોર્ડરથી 11.3 કિમીની અંદરના વિસ્તારમાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. જેરૂસલેમની ઓલ્ડ સિટી અને વેસ્ટ બેંકમાં પણ ગમે ત્યારે અવરજવર પર રોક લાગી શકે છે.
ચીને પણ નાગરિકોને ઈરાન છોડવા કહ્યું
ચીનના વિદેશ મંત્રાલયે પોતાના નાગરિકો માટે સત્તાવાર સૂચના જારી કરી છે કે તેઓ હાલ ઈરાનની યાત્રા કરવાનું ટાળે. જે લોકો હાલ ત્યાં છે તેમને વ્યાપારી ફ્લાઈટ્સ અથવા જમીની માર્ગે સુરક્ષિત દેશોમાં નીકળવાની તૈયારી કરવા જણાવાયું છે. ચીની દૂતાવાસ ત્યાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢવા માટે જરૂરી મદદ પૂરી પાડશે.
અનેક દેશોનું એલર્ટ
અત્યંત નાજુક સ્થિતિને જોતા તમામ દેશોએ પોતાના દૂતાવાસના કર્મચારીઓને ભીડભાડવાળા વિસ્તારો અને વિરોધ પ્રદર્શનોથી દૂર રહેવાની સૂચના આપી છે. ટિકિટોની અછત સર્જાય તે પહેલા જ વિદેશી નાગરિકોમાં વતન પરત ફરવાની ઉતાવળ જોવા મળી રહી છે.
આ પણ વાંચો : નેપાળમાં ચૂંટણી : ભારત-નેપાળ સરહદ ચાર દિવસ માટે થશે બંધ, મેડિકલ ઈમરજન્સીમાં છૂટ


