US-Iran Conflict : અમેરિકા-ઈરાન વચ્ચેનું યુદ્ધવિરામ લંબાવવા માટે અને બંને દેશોને શાંત પાડવા માટે વધુ એક દેશે પ્રયાસ હાથ ધર્યા છે. તાજેતરમાં જ બંને દેશો વચ્ચે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં યોજાયેલી મંત્રણા નિષ્ફળ ગઈ હતી, જોકે હવે ફ્રાન્સે ત્રણ શરતોનો માસ્ટર પ્લાન બનાવી શાંતિ મંત્રણા આગળ વધારવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. આ માટે ખુદ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખે મોર્ચો સંભાળી લીધો છે.
મેક્રોને ટ્રમ્પ-પેજેશકિયાન સાથે ચર્ચા કરી
વાસ્તવમાં શાંતિ મંત્રણા માટે ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમૈન્યુલ મેક્રોને (French President Emmanuel Macron) અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) અને ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેજેશકિયાન (Iranian President Masoud Pezeshkian) સાથે જુદી-જુદી વાતચીત કરી છે. મેક્રોન ઈસ્લામાબાદમાં નિષ્ફળ ગયેલી મંત્રણા (Islamabad Peace Talks) ફરી શરૂ કરવા ઈચ્છે છે.
ફ્રાન્સે અમેરિકા-ઈરાન સમક્ષ 3 શરતો રજૂ કરી
ઈસ્લામાબાદની શાંતિ મંત્રણા ફેલ થયા બાદ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખે અમેરિકા અને ઈરાન સમક્ષ ત્રણ શરતોનો માસ્ટર પ્લાન રજૂ કર્યો છે. આ સમજૂતી યોજનામાં “(1) લેબેનોન સહિત આખા ક્ષેત્રમાં સંપૂર્ણ યુદ્ધવિરામ કરવું (2) કોઈપણ શરત કે ટેક્સ વગર હોર્મુઝ જળમાર્ગ ખોલવો અને (3) ફ્રાન્સ-બ્રિટનની આગેવાની હેઠળ હોર્મુઝમાં પસાર થતા જહાજોને સંપૂર્ણ સુરક્ષા આપવા માટે ‘રક્ષણાત્મક અભિયાન’ શરૂ કરવું.” તે શરતોનો સમાવેશ થાય છે.
પેરિસમાં યોજાશે સંમેલન
મેક્રોને સ્પષ્ટ કહ્યું છે કે, વિવાદને વધતો અટકાવવા માટે ‘ઈસ્લામાબાદ મંત્રણા’ તાત્કાલીક ફરી શરૂ કરવી જરૂરી છે. એવા પણ અહેવાલ સામે આવ્યા છે કે, મેક્રોન અને બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર (UK Prime Minister Keir Starmer) શુક્રવારે પેરિસમાં સંયુક્ત સંમેલન યોજવાના છે. આ સામેલનમાં હોર્મુઝ જળમાર્ગથી ચિંતિત યુદ્ધમુક્ત દેશો રૂબરુ અને વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાશે.
જહાજોને સુરક્ષા આપવાની યોજના
યુદ્ધ વિવાદ અને હોર્મુઝ સંકટ અંગે મેક્રોન સરકારે સત્તાવાર કહ્યું છે કે, યુરોપીય અને અન્ય સાથી દેશો ‘રક્ષણાત્મક અભિયાન’માં યોગદાન આપવા માટે તૈયાર છે. તેલ ટેન્કરો અને કેન્ટેનર જહાજોને સુરક્ષા આપવા માટે ફ્રાન્સ અને બ્રિટન કેટલાક અઠવાડિયાથી યોજના પર કામ કરી રહ્યા છે.
ઈરાન સમજૂતી માટે બેચેન : ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે, ઈસ્લામાબાદમાં વાર્તા અટક્યા બાદ ઇરાને ફરીથી અમેરિકાનો સંપર્ક કર્યો છે. ટ્રમ્પના મતે ઇરાન આર્થિક દબાણ અને સંઘર્ષને કારણે હવે સમજૂતી કરવા માટે ઉત્સુક છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, અમેરિકા ક્યારેય ઇરાનને પરમાણુ હથિયાર બનાવવા દેશે નહીં. જો ઇરાન શરતો માનવા તૈયાર હશે, તો જ તેઓ રૂબરૂ મુલાકાત કરશે.
આ પણ વાંચો : પાકિસ્તાનની બેવડી નીતિ : 13 હજાર સૈનિકો, 18 ફાઈટર જેટ સાઉદી અરેબિયા મોકલ્યા !
21 એપ્રિલે યુદ્ધવિરામ પૂર્ણ થશે
અમેરિકા અને ઇરાન વચ્ચે હાલમાં બે અઠવાડિયાનું અસ્થાયી સીઝફાયર ચાલી રહ્યું છે, જે 21 એપ્રિલે પૂર્ણ થવાનું છે. જો આ સમયગાળા પહેલા કોઈ સમજૂતી નહીં થાય, તો પશ્ચિમ એશિયામાં ફરીથી યુદ્ધના વાદળો ઘેરાઈ શકે છે.
ક્યાં ફસાયો છે મામલો?
પરમાણુ કાર્યક્રમ જ બંને દેશો વચ્ચેના વિવાદનું મુખ્ય કેન્દ્ર છે. અગાઉની બેઠકમાં અમેરિકા 20 વર્ષ સુધી પરમાણુ પ્રોગ્રામ ફ્રીઝ કરવા માંગે છે, જ્યારે ઇરાન માત્ર ૫ વર્ષની વાત કરી રહ્યું છે. ઇસ્લામાબાદમાં બંને દેશો એકબીજાની શરતો પર સહમત થઈ શક્યા નહોતા, જેને કારણે વન્સે બેઠક સ્થગિત કરી હતી.
શા માટે આ બેઠક મહત્વની છે?
જો ફ્રાન્સ દ્વારા કોઈ સકારાત્મક પરિણામ આવશે તો જ 21 એપ્રિલ પછી યુદ્ધવિરામ લંબાવવામાં આવશે. અન્યથા, સ્ટ્રેટ ઓફ હોર્મુઝની નાકાબંધી અને તેલના પુરવઠા પર તેની ગંભીર અસર પડી શકે છે. વૈશ્વિક સમુદાય પણ આ બેઠક પર મીટ માંડીને બેઠો છે કારણ કે તેલના વધતા ભાવ અને આર્થિક સ્થિરતાનો આધાર આ શાંતિ વાર્તા પર છે.
આ પણ વાંચો : યુરોપના 29 દેશમાં પાસપોર્ટ સ્ટેમ્પનો અંત, જાણો ડિજિટલ એન્ટ્રી અને એક્ઝિટના નવા નિયમો
અમેરિકા-ઈરાન વચ્ચે સમજૂતી કરાવવા રશિયાની પણ ઓફર
આ પહેલા 12 એપ્રિલના રોજ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને (Russian President Vladimir Putin) ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવાની ઓફર કરી હતી. પુતિને ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેજેશકિયાને ફોન કર્યો હતો અને તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, રશિયા આખા વિસ્તારમાં શાંતિ સ્થાપવાના પ્રયાસોમાં મદદ કરવા માટે તૈયાર છે. ક્રેમલિન તરફથી સત્તાવાર માહિતી અપાઈ છે કે, રશિયા અમેરિકા-ઈરાન વચ્ચેના વિવાદને વાતચીતથી ઉકેલવા અને મધ્ય-પૂર્વમાં ફરી શાંતિ સ્થાપવા ઈચ્છે છે.
ઈસ્લામાબાદમાં યોજાયેલી મંત્રણામાં શું થયું?
અમેરિકા-ઈઝરાયેલે ઈરાન પર 28 ફેબ્રુઆરીથી હુમલાઓ શરૂ કરીને ભયાનક યુદ્ધ શરૂ કર્યું હતું, ત્યાર પછી 8મી એપ્રિલે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ પાકિસ્તાને મધ્યસ્થીની જવાબદારી માથે લીધી હતી, જેમાં આ યુદ્ધવિરામને ટકાવી રાખવા માટે ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિમંડળ વચ્ચે શનિવાર અને રવિવારે (તા.11-12) સતત બેઠકોનો દોર ચાલ્યો હતો.
ઈસ્લાબાદમાં બંને દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે બેઠક યોજાઈ હતી. શનિવારે અને રવિવારે યોજાયેલી બેઠકમાં 21 કલાક સુધી વાતચીત ચાલી હતી, જોકે આ મંત્રણા નિષ્ફળ ગઈ છે. બંને દેશો મતભેદ દૂર કરવામાં નિષ્ફળ ગયા છે. રિપોર્ટ મુજબ બેઠકમાં ઈરાનના ન્યૂક્લિયર કાર્યક્રમને લઈને વિવાદ ઉભો થયો છે, જેના કારણે ફરી યુદ્ધ શરૂ થવાના આશંકાઓ વધી ગઈ છે.


