US Iran War Ceasefire Talk: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં હવે અમેરિકા અને ઈરાન વચ્ચે નિવેદનબાજી તેજ બની છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન શાંતિ વાટાઘાટોમાં રસ દાખવી રહ્યું છે અને કોઈ પણ કિંમતે સમજૂતી કરવા ઇચ્છે છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઈરાની નેતાઓ અંદરખાને વાતચીત કરી રહ્યા છે, પરંતુ તેઓ જાહેરમાં સ્વીકારતા ડરે છે, કારણ કે તેમને ભય છે કે તેમના જ લોકો અથવા અમેરિકા તેમને મારી નાખશે. વ્હાઇટ હાઉસસના જણાવ્યા અનુસાર ઈરાન સૈન્ય રીતે નબળું પડ્યું છે અને જો તે હાર સ્વીકારીને શાંતિ પ્રસ્તાવ નહીં માને, તો ટ્રમ્પ ઈરાન પર અત્યાર સુધીનો સૌથી ભયાનક હુમલો કરવા માટે પણ તૈયાર છે.
શાંતિ વાટાઘાટોનો ઈરાનનો ઇન્કાર
બીજી તરફ, ઈરાને અમેરિકાના આ દાવાઓને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની સીધી વાતચીત થઈ રહી નથી અને ભવિષ્યમાં પણ આવી કોઈ યોજના નથી. ઈરાનનું માનવું છે કે અત્યારે સમજૂતી માટે વાત કરવી એ હાર સ્વીકારવા સમાન ગણાશે. ઈરાની મીડિયાના અહેવાલો મુજબ, તેહરાને વોશિંગ્ટન દ્વારા મોકલવામાં આવેલા 15 મુદ્દાના શાંતિ પ્રસ્તાવને ફગાવી દીધો છે.
આ પણ વાંચો: રશિયાના વધુ એક નિર્ણયથી ભારતને ઝટકો, ખેડૂતો માટે જરૂરી સામાનની નિકાસ પર રોક
ઈરાનની નેતાગીરી પર ઉઠ્યા સવાલો
આ દરમિયાન ઈરાનની નેતાગીરીને લઈને પણ સવાલો ઊભા થયા છે. આયતુલ્લા અલી ખામેનેઈના નિધન બાદ તેમના ઉત્તરાધિકારી અને પુત્ર મોજતબા ખામેનેઈ પણ લાંબા સમયથી જાહેર મંચ પર દેખાયા નથી. એક તરફ અમેરિકા દાવો કરે છે કે બેકચેનલથી વાતચીત સકારાત્મક અને ઉપયોગી રહી છે, તો બીજી તરફ ઈરાન તેને વાતચીત માનવાનો જ ઇન્કાર કરી રહ્યું છે. હોર્મુજ સ્ટ્રેટ જેવા મહત્ત્વના તેલ માર્ગ પર ઈરાનનું હજુ પણ નિયંત્રણ છે, જે આ યુદ્ધમાં વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે.


