World

Explainer: ભારત-અમેરિકાની મેગા ટ્રેડ ડીલ સફળ થશે? જાણો ક્યાં અટવાઈ છે વાત

By GS TEAM
24 Jun 20264 mins read
TukuTouch Logo
વિશ્વના સૌથી જૂના અને સૌથી મોટા લોકશાહી દેશો વચ્ચેનો આર્થિક સેતુ અત્યારે એક નિર્ણાયક વળાંક પર આવી ગયો છે. એક તરફ દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાની તીવ્ર ઈચ્છા છે, તો બીજી તરફ કરોડો ડોલરના વ્યાપારી હિતો અને જટિલ ટેરિફ નીતિઓની મજબૂત દીવાલો છે. ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત ઐતિહાસિક વચગાળાના વેપાર કરાર બંને દેશોના આર્થિક ભવિષ્યને બદલી શકે તેમ છે, પરંતુ બદલાતા કાયદાકીય માળખાના કારણે આ મહત્ત્વાકાંક્ષી સોદો વાટાઘાટોના ટેબલ પર અટવાયેલો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: ભારત-અમેરિકાની મેગા ટ્રેડ ડીલ સફળ થશે? જાણો ક્યાં અટવાઈ છે વાત

Tariffs Test the Ties: Will the Global Giants Seal the Deal?: વિશ્વના સૌથી જૂના અને સૌથી મોટા લોકશાહી દેશો વચ્ચેનો આર્થિક સેતુ અત્યારે એક નિર્ણાયક વળાંક પર આવી ગયો છે. એક તરફ દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાની તીવ્ર ઈચ્છા છે, તો બીજી તરફ કરોડો ડૉલરના વ્યાપારી હિતો અને જટિલ ટૅરિફ નીતિઓની મજબૂત દીવાલો છે. ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત ઐતિહાસિક વચગાળાના વેપાર કરાર બંને દેશોના આર્થિક ભવિષ્યને બદલી શકે તેમ છે, પરંતુ બદલાતા કાયદાકીય માળખાના કારણે આ મહત્ત્વાકાંક્ષી સોદો વાટાઘાટોના ટેબલ પર અટવાયેલો છે. 

ચાલો જાણીએ, આ મહા સોદામાં શું અવરોધો છે.

એક વર્ષની વાટાઘાટોના અંતે પણ નક્કર નિર્ણય નહીં 

ભારત અને અમેરિકા વચ્ચે આર્થિક ભાગીદારીને મજબૂત કરવા માટેની ઔપચારિક વાટાઘાટો 13 ફેબ્રુઆરી, 2025ના રોજ શરૂ કરાઈ હતી. આ વાટાઘાટોના એક વર્ષ બાદ એટલે કે 7 ફેબ્રુઆરી, 2026ના રોજ બંને પક્ષે એક વચગાળાના કરાર માટે સંયુક્ત માળખું વિકસાવવાની સત્તાવાર જાહેરાત કરી. આ જાહેરાતથી આશા જન્મી હતી કે બંને દેશો ખૂબ જ ટૂંક સમયમાં કોઈ નક્કર પરિણામ પર પહોંચશે, પરંતુ ત્યારથી લઈને અત્યાર સુધી કરારની અંતિમ શરતો પર સંપૂર્ણ સંમતિ સાધી શકાઈ નથી. 

$50 બિલિયનનું અસંતુલન અને ભારતના બજારમાં પ્રવેશ 

તાજેતરમાં વોશિંગ્ટનમાં આયોજિત એક કાર્યક્રમમાં અમેરિકન સેનેટર રોજર માર્શલે વાટાઘાટોના મુખ્ય પડકારો જાહેર કરતાં જણાવ્યું હતું કે, યુએસ દ્વિપક્ષીય વેપારના વિસ્તરણની સંભાવના વિશે ઉત્સાહિત છે, પરંતુ સોદાને આખરી ઓપ આપતાં પહેલા બંને દેશે મહત્ત્વપૂર્ણ મુદ્દા પર કામ કરવું પડશે. હાલમાં બંને દેશો વચ્ચે $50 બિલિયન(લગભગ રૂ. 4.75 લાખ કરોડ)નું મોટું અસંતુલન છે, જેનો ઉકેલ લાવવો અનિવાર્ય છે. વર્ષોથી ભારતે અમેરિકન માલના પ્રવેશ માટે ઊંચા અવરોધો અને ભારે ટૅરિફ(કર) લાદેલા છે. તેથી જો તમે ઇચ્છતા હો કે અમે તમારા ઉત્પાદનો ખરીદીએ તો અમે અપેક્ષા રાખીએ છીએ કે તમે તમારું બજાર અમારા માટે ખુલ્લું કરો.

 આ પણ વાંચો: આયાતુલ્લાહ ખામેનેઈના અંતિમ સંસ્કારમાં આવવા વડાપ્રધાન મોદીને આમંત્રણ, ઈરાનના રાષ્ટ્ર પ્રમુખે મોકલ્યો સંદેશો

વચગાળાના કરારનું મૂળ માળખું અને શરતો

7 ફેબ્રુઆરીએ જે માળખું જાહેર કરાયું હતું, તે અંતર્ગત અમેરિકા ભારતીય ઉત્પાદનો પરના ટૅરિફને 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરવા સંમત થયું હતું. આ ઉપરાંત રશિયન ઓઇલની ખરીદી પર લાદેલો 25 ટકાનો વિશેષ ટૅરિફ પણ સંપૂર્ણપણે દૂર કરવાનો નિર્ણય લેવાયો હતો. બાકીના 25 ટકા ટૅરિફને કરાર હેઠળ ઘટાડીને 18 ટકા કરવાનો પ્રસ્તાવ હતો. 

સામે પક્ષે, અમેરિકાના તમામ ઔદ્યોગિક માલસામાન અને અગ્રણી ખાદ્ય તેમજ કૃષિ ઉત્પાદનો પર લાદવામાં આવેલા ટૅરિફને કાં તો સંપૂર્ણ હટાવવા અથવા નોંધપાત્ર રીતે ઘટાડવાની દરખાસ્ત ભારતે મૂકી હતી. આ આર્થિક સંતુલનને જાળવી રાખવા માટે ભારતે આગામી 5 વર્ષમાં અમેરિકા પાસેથી $500 બિલિયન(લગભગ 47.5 લાખ કરોડ રૂપિયા)ની કિંમતના ઊર્જા ઉત્પાદનો, વિમાન અને તેના સ્પેરપાર્ટ્સ, કિંમતી ધાતુઓ, અદ્યતન ટૅક્નોલૉજી ઉત્પાદનો અને કોકિંગ કોલ (Coking Coal- લોખંડ અને સ્ટીલ ઉદ્યોગમાં વપરાતો ખાસ પ્રકારનો કોલસો) ખરીદવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. 

અમેરિકાની કોર્ટના નિર્ણયે કરારના સમીકરણો ખોરવાયા

આ સમગ્ર દ્વિપક્ષીય વેપાર માળખાનો આધાર ભારતીય માલ પર અમેરિકા દ્વારા ઝીંકાયેલા 50 ટકા ટૅરિફ પર હતો. પરંતુ 20 ફેબ્રુઆરીના રોજ અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા આ ટૅરિફને ગેરબંધારણીય જાહેર કરી દીધા હતા. 

આ આંચકા બાદ, 24 ફેબ્રુઆરીના રોજ ટ્રમ્પ વહીવટી તંત્રે ટ્રેડ લો(વેપાર કાયદો)ની કલમ 122નો ઉપયોગ કરીને વિશ્વના તમામ દેશો પર 150 દિવસ માટે 10 ટકાનો સાર્વત્રિક ટૅરિફ લાદી દીધો, જેની મુદત 24 જુલાઈના રોજ સમાપ્ત થઈ રહી છે. અમેરિકાની આ આખી ટૅરિફ સિસ્ટમમાં આવેલા અણધાર્યા બદલાવોને કારણે જૂની ગણતરી ખોરવાઈ ગઈ છે, જેથી વાટાઘાટો માટેની વર્તમાન બેઠકોનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે. 

નવી દિલ્હીમાં મેરેથોન બેઠકો અને હકારાત્મક સંકેતો 

આ મુદ્દે એકથી વધુ પડકારો છે, પણ બંને દેશના રાજદ્વારીઓ આ સોદાને સફળ બનાવવા માટે રાત-દિવસ એક કરી રહ્યા છે. હાલમાં જ અમેરિકાના ટોચના અધિકારીઓ નવી દિલ્હીની મુલાકાતે આવ્યા છે. યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમ્સન ગ્રીરે ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ સાથે દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાને આગળ વધારવા માટે વિસ્તૃત ચર્ચા કરી છે. ઉપરાંત અમેરિકન પ્રતિનિધિમંડળે ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે પણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. 

આ પણ વાંચો: યુરોપમાં ભયાનક ગરમી જીવલેણ બની, ફ્રાન્સમાં ડૂબી જવાથી 40 લોકોના મોત, અલ નીનોની ઈફેક્ટ

ભારતમાં સ્થિત અમેરિકન દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા એક એવો ન્યાયી અને પારસ્પરિક (Fair and Reciprocal) વેપાર સોદો ઇચ્છે છે જે અમેરિકન નિકાસકારો માટે ભારતીય બજારો ખોલે અને બંને રાષ્ટ્રોને સમાન રીતે લાભ આપે. યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે પણ આ આર્થિક સંબંધોને મજબૂત કરવાની કટિબદ્ધતાની વાત કરી હતી. 

અગાઉ 17 જૂને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સકારાત્મક સંકેત આપતાં કહ્યું હતું કે બંને દેશો વેપાર કરાર ફાઇનલ કરવાની ‘ખૂબ જ નજીક’ છે. ભારતીય મંત્રી પીયૂષ ગોયલે પણ 5 જૂને આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તમામ બાકી મુદ્દા વહેલી તકે ઉકેલાઈ જશે અને આગામી મહિનાના મધ્ય સુધીમાં BTAના પ્રથમ તબક્કાનો અમલ શરૂ થઈ શકે છે. જો એમ થયું, તો તે બંને દેશોના વેપારીઓ, રોકાણકારો અને ગ્રાહકો માટે પ્રગતિના નવા દ્વાર ખોલશે. 

ભારત-અમેરિકાના સોદાની ટાઇમલાઇન 

13 ફેબ્રુઆરી, 2025: વેપાર કરાર માટે સત્તાવાર વાટાઘાટોની શરૂઆત.

07 ફેબ્રુઆરી, 2026: વચગાળાના કરાર માટેના સંયુક્ત માળખા(Framework)ની જાહેરાત.

20 ફેબ્રુઆરી: યુએસ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્રના 50 ટકા ટૅરિફને ગેરબંધારણીય જાહેર કર્યા.

24 ફેબ્રુઆરી: અમેરિકા દ્વારા કલમ 122 હેઠળ તમામ દેશો પર 150 દિવસ માટે 10 ટકા ટૅરિફ લાગુ.

24 જુલાઈ: અમેરિકાના હંગામી 10 ટકા ટૅરિફની સમયસીમા સમાપ્ત થવાની તારીખ.

જૂન 2026: નવી દિલ્હીમાં મેરેથોન બેઠકો ચાલુ, આગામી મહિને પ્રથમ તબક્કાના અમલની આશા.