World

સુદાનમાં ગૃહયુદ્ધ બાદ માનવીય સંકટની સ્થિતિ, અમેરિકા અને યુએનની મોટાપાયે નરસંહારની ચેતવણી

By GS Team
27 Jun 20263 mins read
TukuTouch Logo
સુદાનમાં ગૃહયુદ્ધ વધુ વકરતા 'રેપિડ સપોર્ટ ફોર્સીસ' (RSF) દ્વારા નોર્થ કોર્ડોફાનની રાજધાની અલ-ઓબેદને ત્રણ તરફથી ઘેરી લેવાઈ છે. ડ્રોન હુમલામાં 5 ઓઈલ ટેન્ક ફાર્મ નષ્ટ થયા છે. અમેરિકા અને UNએ મોટા પાયે નરસંહારની ચેતવણી આપી છે. RSF શહેર કબજે કરશે તો પશ્ચિમ સુદાન પર નિયંત્રણ મજબૂત બનશે. 2023થી ચાલી રહેલા આ યુદ્ધમાં લાખો લોકોના મોત થયા છે અને 1.4 કરોડથી વધુ વિસ્થાપિત થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુદાનમાં ગૃહયુદ્ધ બાદ માનવીય સંકટની સ્થિતિ, અમેરિકા અને યુએનની મોટાપાયે નરસંહારની ચેતવણી

Sudan Civil War: સુદાનમાં ઝડપથી વધી રહેલું ગૃહયુદ્ધ હવે વધુ એક મોટા માનવીય સંકટ તરફ આગળ વધી રહ્યું છે. 'રેપિડ સપોર્ટ ફોર્સીસ' (RSF) એ નોર્થ કોર્ડોફાનની રાજધાની અલ-ઓબેદને ત્રણ તરફથી ઘેરી લીધું છે. ઉત્તર અને પશ્ચિમથી RSFની સેનાઓ આગળ વધી રહી છે. આ દરમિયાન થયેલા ભીષણ ડ્રોન હુમલામાં પાંચ ઓઈલ ટેન્ક ફાર્મ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે, જેને પગલે સ્થિતિ વધુ તણાવપૂર્ણ બની છે.
અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્ર (UN)એ ચેતવણી આપી છે કે, અહીં મોટા પાયે નરસંહાર થઈ શકે છે. આ અનુમાન નથી, પરંતુ 'અલ-ફાશર'ના અનુભવો પર આધારિત વાસ્તવિકતા છે.ઓક્ટોબર 2025માં RSFએ અલ-ફાશર પર સંપૂર્ણ કબજો જમાવ્યો હતો. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવેલી ઉચ્ચ સ્તરીય તપાસમાં તે હુમલામાં નરસંહારના પુરાવા મળી આવ્યા હતા. અલ-ઓબેદ પણ એ જ વિનાશક અને લોહિયાળ માર્ગ તરફ આગળ વધી રહ્યું છે.
અલ-ઓબેદનું મહત્ત્વ
અલ-ઓબેદ સુદાનના મધ્ય ભાગમાં આવેલું એક અત્યંત મહત્વપૂર્ણ શહેર છે. આ ક્ષેત્રમાંથી પસાર થતો મુખ્ય હાઇવે પશ્ચિમી દારફુરને પૂર્વીય વિસ્તારો સાથે સીધો જોડે છે. આ ઉપરાંત દેશની મુખ્ય ઓઈલ પાઇપલાઇન પણ આ જ વિસ્તારમાંથી પસાર થાય છે. જો RSF આ શહેર પર કબજો કરી લેશે તો સમગ્ર પશ્ચિમ સુદાન પર તેનું નિયંત્રણ અને વર્ચસ્વ અત્યંત મજબૂત થઈ જશે.
જો અલ-ઓબેદ શહેર પર RSFનો કબજો થઈ જશે, તો ખાર્તુમ પછી આ તેમની સૌથી મોટી પ્રાદેશિક જીત સાબિત થશે. બીજી તરફ, આ ઘેરાબંદીનો સામનો કરવા માટે સુદાનીઝ આર્મ્ડ ફોર્સીસ (SAF) સતત જોરદાર હવાઈ હુમલા કરીને વળતો જવાબ આપી રહી છે, પરંતુ RSFની ઘેરાબંદી વધુ મજબૂત બની રહી છે. યુદ્ધની સ્થિતિ પર નજર રાખી રહેલા વૈશ્વિક નિષ્ણાતોનું માનવું છે કે આગામી 72 કલાકમાં આ વિસ્તારમાં એક મોટો અને નિર્ણાયક હુમલો થઈ શકે છે.
2023થી ચાલી રહ્યું છે યુદ્ધ
સુદાનમાં ચાલી રહેલું આ ભીષણ ગૃહયુદ્ધ એપ્રિલ 2023થી ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લાખો નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. એટલું જ નહીં 1.4 કરોડથી પણ વધુ લોકોને વિસ્થાપિત થવું પડ્યું છે, જેના કારણે આ વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વનું સૌથી મોટું માનવીય સંકટ બની ગયું છે. ત્યાં લગભગ 3.3 કરોડ લોકોને તાત્કાલિક મદદની જરૂર છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ભૂખમરો, જીવલેણ બીમારીઓ અને જાતીય હિંસા જેવી ગંભીર સમસ્યાઓ અત્યંત સામાન્ય બની ગઈ છે.
સંયુક્ત રાષ્ટ્રના ફેક્ટ-ફાઇન્ડિંગ મિશને આપ્યા હતા નરસંહારના પુરાવા
ઓક્ટોબર 2025માં RSFએ અલ-ફાશર શહેર પર કબજો કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર (UN)ના ફેક્ટ-ફાઇન્ડિંગ મિશનને જાણવા મળ્યું કે, RSFએ 'જાગાવા' અને 'ફુર' સમુદાયોને ખાસ નિશાન બનાવ્યા હતા. હત્યાઓ કરવામાં આવી, મોટા પાયે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યા હતા અને અસંખ્ય લોકોને જબરદસ્તીથી ગુમ કરી દેવામાં આવ્યા હતા. રિપોર્ટમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ હરકતોમાં 'નરસંહાર'ના લક્ષણો હતા.
RSFએ 18 મહિનાની ઘેરાબંધી દરમિયાન જાણી જોઈને એવી પરિસ્થિતિઓ બનાવી જેનાથી આ સમદાયોનો વિનાશ થાય. હવે, અલ-ઓબેદમાં પણ આવી જ તૈયારીઓ દેખાઈ રહી છે. યુએન સુરક્ષા પરિષદ અને અમેરિકાએ RSF પાસે હુમલા રોકવાન માગ કરી છે.
સુદાનમાં ચાલી રહેલા આ ભીષણ ગૃહયુદ્ધનું મુખ્ય કારણ સેના RSF વચ્ચે શરૂ થયેલો વર્ચસ્વનો લોહિયાળ સત્તા સંઘર્ષ છે. RSF ભૂતકાળમાં એક આદિવાસી મિલિશિયા હતું, જે દારફુર વિસ્તારમાં જાંજાવીડના નામે ઓળખાતું હતું. હવે બંને પક્ષો વિદેશી સમર્થન લઈ રહ્યા છે. યુદ્ધે દેશને તબાહ કરી દીધુ છે. હોસ્પિટલ નષ્ટ થઈ ચૂક્યા છે, સંકૂલ બંધ છે અને લાખો બાળકો ભૂખમરાથી પીડાઈ રહ્યા છે.
સુદાનના લોકો શાંતિ ઇચ્છે છે, પરંતુ સત્તા માટેનો સંઘર્ષ તેમને બદબાદ કરી રહ્યો છે. વિશ્વએ હવે આ સંકટને અવગણવો ન જોઈએ. અલ-ઓબેદ બીજા નરસંહારનું કેન્દ્ર ન બને તે માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.