Get The App

અમેરિકા-ચીન-યુક્રેને AI આધારિત યુદ્ધ માટેની તૈયારીઓ શરૂ કરી

Updated: May 17th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકા-ચીન-યુક્રેને AI આધારિત યુદ્ધ માટેની તૈયારીઓ શરૂ કરી 1 - image


હ્યુમનોઈડ કોમ્બેટ રોબોટ્સ યુદ્ધ માટે સજ્જ

અમેરિકાના મતે, ભવિષ્યના યુદ્ધ માટે સ્માર્ટ સોફ્ટવેર, સેન્સર્સ અને હજારો ડ્રોન્સ નિર્ણાયક સાબિત થશે 

વોશિંગ્ટન: દુનિયાભરમાં યુદ્ધની રીત ઝડપથી બદલાઈ રહી છે. એક સમય હતો જ્યારે મોરચે માત્ર સૈનિકો જ લડતા હતા, પરંતુ હવે આટફિશિયલ ઇન્ટેલિજન્સ, ડ્રોન અને રોબોટિક સૈનિકો યુદ્ધના મેદાનમાં ઉતરી રહ્યા છે. ચીન, અમેરિકા અને યુક્રેન જેવી શક્તિઓ હવે એવી ટેકનોલોજી વિકસાવી રહી છે જે ભવિષ્યમાં માનવી સૈનિકોની ભૂમિકા ઘટાડીને મશીનોને મોરચે મોકલી શકે છે. 

અમેરિકા એઆઈ યુદ્ધ માટે ઝડપથી તૈયારી કરી રહ્યું છે. અમેરિકાની એન્ડુરિલ ઇન્ડસ્ટ્રી જેવી કંપનીઓ એઆઈ આધારિત ડ્રોન અને સ્વચાલિત યુદ્ધ સિસ્ટમ્સ વિકસાવી રહી છે. કંપનીના મતે, ભવિષ્યના યુદ્ધ માટે સ્માર્ટ સોફ્ટવેર, સેન્સર્સ અને હજારો ડ્રોન નિર્ણાયક સાબિત થશે. પેન્ટાગોને તાજેતરમાં જ સેલ્ફ-ઓર્ગેનાઈઝિંગ ડ્રોન પર કામ શરૂ કર્યું છે. આ સાથે જ  સેનાએ એઆઈ આધારિત મેડિકલ ઇવેક્યુએશન રોબોટ્સ અને સ્વચાલિત યુદ્ધ પ્રણાલીઓના પરીક્ષણ શરૂ કર્યા છે, જે ઘાયલ સૈનિકોને ગોળીબાર વચ્ચે સુરક્ષિત રીતે બહાર લાવી શકે છે. 

ચીને છેલ્લા કેટલાક વર્ષોમાં હ્યુમનોઇડ કોમ્બેટ રોબોટ્સ, સ્વચાલિત હથિયાર પ્રણાલીઓ અને એઆઈ આધારિત સૈન્ય ટેકનોલોજીમાં ભારે રોકાણ કર્યું છે.

 નિષ્ણાતો માને છે કે ચીન ઇન્ટેલિજન્ટાઇઝ્ડ વોરફેર તરફ આગળ વધી રહ્યું છે. તેમાં જમીન, આકાશ, સમુદ્ર અને સાયબર ક્ષેત્રમાં એઆઈનો ઉપયોગ થશે. 

બીજી તરફ, યુક્રેન-રશિયા યુદ્ધ આજના સમયમાં એઆઈ યુદ્ધનું જીવંત ઉદાહરણ બની ગયું છે. યુક્રેન મોટા પ્રમાણમાં ડ્રોન, રોબોટિક ગ્રાઉન્ડ વ્હીકલ્સ અને એઆઈ આધારિત સિસ્ટમ્સનો ઉપયોગ કરી રહ્યું છે. કેટલાક મિશનમાં સૈનિકોની જગ્યાએ માત્ર ડ્રોન અને રોબોટ્સ દ્વારા હુમલા કરવામાં આવ્યા હોવાનું પણ જણાવાયું છે. એક ઘટનામાં યુક્રેનના માનવરહિત ગ્રાઉન્ડ રોબોટે રશિયન સૈનિકોને આત્મસમર્પણ કરવા મજબૂર કર્યા હતા.