Get The App

અમેરિકાનો વેનેઝુએલા પર હુમલો, મોટો પ્લાન્ટ ખતમ કર્યાનો ટ્રમ્પનો દાવો

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકાનો વેનેઝુએલા પર હુમલો, મોટો પ્લાન્ટ ખતમ કર્યાનો ટ્રમ્પનો દાવો 1 - image

- અમેરિકન દળોની વેનેઝુએલાને આગવી શૈલીમાં મેરી ક્રિસમસ

- દક્ષિણ અમેરિકન દેશ સામે અમારા લશ્કરી દળોએ કાર્યવાહી શરૂ કરી દીધી છે : અમેરિકન પ્રમુખે

વોશિંગ્ટન : આખા વિશ્વમાં શાંતિ લાવવાની અને સૌથી વધુ યુદ્ધો અટકાવીને શાંતિનું નોબેલ ઇચ્છતા ટ્રમ્પ વેનેઝુએલા સામે જંગે ચઢ્યા છે. અમેરિકાએ બે દિવસ પહેલા જ વેનેઝુએલા પર હુમલો કરીને ત્યાંના બીજા નંબરના ઔદ્યોગિક શહેર  મારાકૈબોમાં આવેલા વિશાળ પ્લાન્ટને ખતમ કર્યાનો દાવો કર્યો છે. અમેરિકન દળોએ વેનેઝુએલા સામે કાર્યવાહી શરૂ કરી દીધી હોવાનું ટ્રમ્પે જણાવ્યું હતું.

ટ્રમ્પે જણાવ્યું હતું કે ક્રિસમસની સંધ્યાએ જ આ વેનેઝુએલામાં આવેલા પ્લાન્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમનો દાવો હતો કે કેરેબિયન સમુદ્રમાં ભરતા ડ્રગ્સના જહાજ આ સ્થળેથી જ આવે છે. ટ્રમ્પે રેડિયો શોમાં આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં જ અમે મોટો હુમલો કરીને વેનેઝુએલાનો સૌથી મોટો પ્લાન્ટ ખતમ કરી દીધો છે. અમે તેમને બરોબરનો ફટકો માર્યો છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકન દળોએ વેનેઝુએલા સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. તેમણે આ ઓપરેશનને કયુ નામ અપાયું છે અને કયા અમેરિકન દળો કે સ્પેશ્યલ ફોર્સીસ તેમા ભાગ લઈ રહ્યા છે તે જણાવ્યું ન હતું. અમેરિકાનો આ હુમલો તેના હાલના ડાબેરી વલણવાળી પ્રમુખ નિકોલસ મદુરો પર દબાણ લાવવાનો પ્રયત્ન છે. આ પહેલા અમેરિકાએ સપ્ટેમ્બરથી કરેલી વિવિધ બોટ સ્ટ્રાઇક્સમાં કુલ ૧૦૫ને મોતને ઘાટ ઉતાર્યા છે. અમેરિકાઅ વેનેઝુએલા સામે શરૂ કરેલા આ ઓપરેશનનું લક્ષ્યાંક શું છે તે જણાવ્યું નથી. 

સોશિયલ મીડિયા પરનો વિડીયો બતાવે છે કે વેનેઝુએલાના ઝુલિયા સ્ટેટમાં આવેલા પ્લાન્ટમાં મોટો વિસ્ફોટ થતો જોઈ શકાય છે. જો કે આ હુમલા અંગે વ્હાઇટ હાઉસ કે પેન્ટાગોન તરફથી કોઈ સત્તાવાર ટિપ્પણી કરાઈ નથી. ટ્રમ્પે પોતે પણ કશું ટ્વીટ કર્યું નથી. જ્યારે વેનેઝુએલાએ પણ આ પ્રકારના હુમલાને લઈને કોઈ ફોડ પાડયો નથી.