World

અમેરિકી હુમલો બંધ, તો પછી ચાબહાર પર કોણે ઝીંકી મિસાઈલ? ઈરાનમાં રહસ્યમય એટેકથી સનસનાટી!

By GS Team
10 Jul 20263 mins read
TukuTouch Logo
અમેરિકી સેનાએ ઇરાન પરના હુમલા રોકવાની જાહેરાત બાદ પણ, ઇરાન પર રહસ્યમય હવાઈ હુમલા ચાલુ રહ્યા. બુશેહર, સિસ્તાન-બલુચિસ્તાન, અહવાઝ અને ચાબહાર સહિત દક્ષિણ ઇરાનના વિસ્તારો નિશાન બન્યા. આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી, જેનાથી ઇરાની વહીવટીતંત્ર ચિંતિત છે. ઇરાને UAE પર અમેરિકી અભિયાનમાં મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. ઇઝરાયલે પણ ઇરાનનો સામનો કરવાની તૈયારી દર્શાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકી હુમલો બંધ, તો પછી ચાબહાર પર કોણે ઝીંકી મિસાઈલ? ઈરાનમાં રહસ્યમય એટેકથી સનસનાટી!

Iran Mysterious Air Strikes : અમેરિકી સેનાની સેન્ટ્રલ કમાન્ડે ગુરુવારે ઇરાનના સ્થાનિક સમય અનુસાર સવારે અંદાજે 6:30 વાગ્યે જણાવ્યું કે, તેણે હુમલાનો એક રાઉન્ડ પૂરો કરી લીધો છે. પરંતુ ચિંતાની વાત એ છે કે, ઇરાન પર હુમલા આ જાહેરાત બાદ પણ ચાલુ રહ્યા છે, અને આ હુમલાની જવાબદારી અમેરિકાએ લીધી નથી. અમેરિકા તરફથી ઇરાન પર હુમલા બંધ કરવાની જાહેરાત બાદ પણ, ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાનને કોણ નિશાન બનાવી રહ્યું છે, તે એક મોટો સવાલ ઊભો થયો છે. અમેરિકાના હુમલા રોકવાના એલાન બાદ ઇરાન પર થયેલા રહસ્યમય અને કોઈ પણ દાવા વગરના હવાઈ હુમલાઓએ ઇરાની વહીવટીતંત્રને આશ્ચર્યમાં મૂકી દીધું છે.

ગુરુવારે આ હુમલા એવા સમયે થયા, જ્યારે ઇરાન પોતાના દિવંગત સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનેઈને દફનાવવાની તૈયારી કરી રહ્યું હતું. આ હુમલાઓએ દક્ષિણ ઇરાનના ઘણા વિસ્તારોને પોતાની ઝપેટમાં લીધા હતા. ઇરાને આ હુમલા માટે સીધી રીતે કોઈને જવાબદાર ઠેરવ્યા નથી, જોકે એક સાંસદે સંયુક્ત આરબ અમીરાત (UAE)ને ચેતવણી આપી છે કે, તેણે ઇરાન વિરુદ્ધના અમેરિકી અભિયાનમાં કથિત રીતે મદદ કરી છે.

પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, અમેરિકાની જાહેરાતના થોડા જ સમય બાદ ઇરાન પર ફરીથી હુમલા થયા. ઇરાનની ન્યૂઝ એજન્સીઓ અને સરકારી મીડિયાએ દેશના બુશેહર અને સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતો, અહવાઝ અને ચાબહાર શહેરો તેમજ અન્ય વિસ્તારોને નિશાન બનાવીને કરવામાં આવેલા અનેક હવાઈ હુમલા અને ધડાકાઓની માહિતી આપી છે. સેન્ટ્રલ કમાન્ડે આ હુમલાઓ અંગે ટિપ્પણીના વિનંતીનો કોઈ જવાબ આપ્યો નથી. તો સવાલ એ છે કે, ઇરાન પર આ હુમલા કોણે કર્યા?

ક્યાં ક્યાં કરાયા હતા હુમલા?

આ પહેલા ગુરુવારે થયેલા હુમલાના જવાબમાં ઇરાને મધ્ય પૂર્વમાં બહેરીન, જોર્ડન, કુવૈત અને કતારને નિશાન બનાવીને ઘણા હુમલા કર્યા હતા. આ ચારેય દેશોમાં મિસાઇલ એલર્ટ સાયરન વાગવા લાગ્યા હતા, જેના કારણે લોકો સુરક્ષિત સ્થળો તરફ ભાગવા લાગ્યા હતા. ઇરાનના હુમલાના થોડા સમય બાદ UAEના નેતા શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન કુવૈત ગયા, જેથી તેઓ તેલથી સમૃદ્ધ આ નાના દેશના શાસક અમીરને મળી શકે. ખાડીના આરબ દેશોએ કતારના વિદેશ મંત્રી સાથે પણ વાતચીત કરી હતી.

ઇરાનનું કહેવું છે કે, સાઉદી અરેબિયા અને UAE બંનેએ ઇરાન પર હવાઈ હુમલા કર્યા છે, કારણ કે, તેહરાને તેમના દેશોમાં ઉર્જા મથકો (એનર્જી લોકેશન) પર હુમલો કર્યો હતો.

..તો ઈરાન સામનો કરવા રહે તૈયાર

બીજી તરફ, ઇઝરાયલે જૂન મહિના પછી આ ઇસ્લામિક દેશ પર કોઈ હુમલો કર્યો નથી. ઇઝરાયલ સામાન્ય રીતે ઇરાન પર કરેલા પોતાના હુમલાની જવાબદારી તરત જ લઈ લે છે. ઇઝરાયલ સરકારે જણાવ્યું કે, નેતન્યાહૂએ ગુરુવારે રાત્રે ટ્રમ્પ સાથે વાત કરી હતી, જેમાં ટ્રમ્પે તેમને 'ખાડીમાં અમેરિકી પગલાં' વિશે માહિતી આપી હતી. ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાત્ઝે પણ ચેતવણી દોહરાવી કે, જરૂર પડ્યે તેમનો દેશ ઇરાનનો સામનો કરવા તૈયાર છે.

કાત્ઝે એક સૈન્ય સમારોહમાં કહ્યું, 'ઇઝરાયેલી સેના એલર્ટ પર છે, અને અભિયાન ફરી શરૂ કરવા, હવાઈ વર્ચસ્વ મેળવવા અને ખતરાઓને ખતમ કરવા માટે ઇરાન પર 'બ્લૂ-વ્હાઇટ' (ઇઝરાયલી) હુમલો કરવા તૈયાર છે, ભલે ત્રીજી વખત કેમ ન કરવો પડે. જો અમારે પાછા ફરવું પડશે, તો અમે વધુ તાકાત સાથે પાછા ફરીશું.'

આ હુમલા એવા સમયે થયા છે, જ્યારે આરબ દેશો અને અમેરિકા એ વાત પર ભાર મૂકી રહ્યા છે કે, હોર્મુઝ સ્ટ્રેટ જહાજોની અવરજવર માટે ખુલ્લો અને મુક્ત હોવો જોઈએ. જ્યારે ઇરાનનું કહેવું છે કે, આ સ્ટ્રેટ પર તેનું સંપૂર્ણ નિયંત્રણ હોવું જોઈએ, અને જહાજોએ તેહરાનને શુલ્ક (ટેક્સ) આપવાનું શરૂ કરવું જોઈએ.