Get The App

ઈરાન પર ફરી હુમલો કરશે અમેરિકા-ઈઝરાયલ? ઈમરજન્સી મીટિંગમાં ટારગેટ લિસ્ટ તૈયાર કર્યાનો દાવો!

Updated: May 16th, 2026

GS TEAM

Google News
Google News
Middle East War Threat

Middle East War Threat: અમેરિકા અને ઈઝરાયલના સૈન્ય અધિકારીઓ ઈરાન પર સંભવિત હુમલા કરવા માટે ટાર્ગેટની યાદી તૈયાર કરી રહ્યા છે. અહેવાલ મુજબ, બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં જ ઈરાન પર ફરીથી સૈન્ય કાર્યવાહી શરૂ કરવાની યોજના બની રહી છે. ઈઝરાયલી સેના અને અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) વચ્ચે તાકીદની ઈમરજન્સી બેઠકો યોજાઈ છે, જેમાં સંયુક્ત રીતે ઈરાનના મહત્ત્વના સૈન્ય મથકોની લિસ્ટ તૈયાર કરાઈ રહી છે. આ તૈયારીઓ એટલી ઝડપી છે કે આગામી અઠવાડિયા સુધીમાં જ હુમલો શરૂ થઈ શકે છે.

એપ્રિલમાં થયેલું યુદ્ધવિરામ તૂટવાના આરે: ટ્રમ્પનું કડક વલણ

વર્તમાન સમયમાં, ગત 8 એપ્રિલના રોજ અમલી બનેલું યુદ્ધવિરામ હવે સંપૂર્ણપણે નાજુક સ્થિતિમાં છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે જણાવ્યું છે કે ઈરાન સાથે શાંતિ સ્થાપવાના તમામ પ્રયાસો લગભગ ખતમ થઈ ચૂક્યા છે. પાકિસ્તાનની મધ્યસ્થતામાં ચાલી રહેલી શાંતિ વાટાઘાટો પણ પૂરી રીતે નિષ્ફળ ગઈ છે. ઈરાને આ વાતચીત દરમિયાન 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પર પોતાનો સંપૂર્ણ સંપ્રભુ અધિકાર અને નવી વ્યવસ્થાની માગણી કરી હતી, જેને ટ્રમ્પે ફગાવી દીધી છે.

ઈરાનના પરમાણુ મથકો નષ્ટ કરવા ઈઝરાયલનું અમેરિકા પર દબાણ

ઈઝરાયલની ન્યૂઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈઝરાયલ હવે અમેરિકા પર સતત દબાણ લાવી રહ્યું છે કે ઈરાન વિરુદ્ધ ફરીથી યુદ્ધ શરૂ કરવામાં આવે. ઈઝરાયલી નેતૃત્વનું કહેવું છે કે ઈરાન સામેના પ્રથમ તબક્કાનું યુદ્ધ ઘણું વહેલું રોકી દેવામાં આવ્યું હતું. ઈઝરાયલ હવે ઈરાનના બચેલા પરમાણુ મથકો અને મિસાઇલ સિસ્ટમને સંપૂર્ણપણે નષ્ટ કરવા માગે છે. બંને દેશોનું માનવું છે કે જો અત્યારે કાર્યવાહી નહીં કરાય, તો ઈરાન ફરીથી મજબૂત થઈ જશે.

ઈરાન પર હુમલાના સંભવિત લક્ષ્યો અને ગ્લોબલ ઓઇલ સંકટ

અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાનની અંદર જે સંયુક્ત ટાર્ગેટ લિસ્ટ તૈયાર થઈ રહી છે, તેમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલા પ્લાન્ટ્સ, મિસાઇલ ફેક્ટરીઓ, સૈન્ય મથકો અને કમાન્ડ સેન્ટર્સનો સમાવેશ થાય છે. બીજી તરફ, 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' એ દુનિયાનો સૌથી મહત્ત્વનો દરિયાઈ માર્ગ છે, જ્યાંથી વિશ્વનો મોટો ભાગનો ક્રૂડ ઓઇલ સપ્લાય થાય છે. ઈરાને આના પર કંટ્રોલ માગ્યો હતો જે અમેરિકા-ઈઝરાયલે નકારી દીધો છે. જો આ વિસ્તારમાં યુદ્ધ ફાટી નીકળશે, તો વૈશ્વિક સ્તરે ઓઇલ સપ્લાય ખોરવાઈ જશે અને તેલની કિંમતો આસમાને પહોંચી શકે છે.

આ પણ વાંચો: ટ્રમ્પે તાઈવાનની બલિ ચઢાવી? ચીનથી પાછા ફરતા જ સુર બદલાયા, હવે ઈસ્ટ એશિયામાં યુદ્ધના સંકેત

મિડલ ઇસ્ટમાં ભારે અસ્થિરતાનું જોખમ, ભારત પર પણ થશે અસર

જો ઈરાન પર કોઈ મોટો હુમલો થશે, તો તેનાથી આખું મિડલ ઇસ્ટ અસ્થિર થઈ જશે. લેબેનોન, સીરિયા, યમન અને ઈરાક જેવા દેશોમાં તણાવ ભારે વધી શકે છે. આ યુદ્ધની સીધી અસર ભારત જેવા દેશો પર પણ પડશે, કારણ કે ભારત મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલની આયાત કરે છે અને ભારત આવતું તેલ પણ આ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' દરિયાઈ માર્ગેથી જ પસાર થાય છે. હાલ સૈન્ય સ્તરે તૈયારીઓ ચરમસીમાએ છે, પરંતુ બંને દેશો તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.