Get The App

3700 કરોડનો બ્રિજ નષ્ટ કરી ટ્રમ્પે ઈરાનને ધમકાવ્યું, 'હજુ ટાઈમ છે, સમજૂતી કરી લો નહીંતર..'

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
3700 કરોડનો બ્રિજ નષ્ટ કરી ટ્રમ્પે ઈરાનને ધમકાવ્યું, 'હજુ ટાઈમ છે, સમજૂતી કરી લો નહીંતર..' 1 - image


PRESS TV


US air strike Iran bridge : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત વિનાશક વળાંક પર પહોંચ્યો છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, અમેરિકા દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલામાં ઈરાનની રાજધાની તેહરાનને પશ્ચિમ શહેર કરજ સાથે જોડતા મહત્વપૂર્ણ હાઈવે બ્રિજને નિશાન બનાવવામાં આવ્યો છે. આ હુમલામાં બે લોકોના મોત થયા છે અને આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.



3700 કરોડનો પ્રોજેક્ટ ધ્વસ્ત

આ હુમલામાં જે 'B1 બ્રિજ' ને નુકસાન થયું છે, તે લગભગ બનીને તૈયાર થઈ ગયો હતો. આશરે 400 મિલિયન અમેરિકન ડોલર (37,00 કરોડ રૂપિયાથી વધુ) ના ખર્ચે બનેલો આ પુલ 1050 મીટર લાંબો હતો અને તેની ગણના મધ્ય પૂર્વના સૌથી મોટા પુલોમાં થતી હતી. ઈરાનના સરકારી મીડિયા અને પ્રેસ ટીવીએ પણ પુષ્ટિ કરી છે કે આ હુમલાને કારણે વિસ્તારમાં મોટું વીજ સંકટ ઊભું થયું છે.

ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયા પર ધમકી

હુમલા બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ હુમલાનો વીડિયો શેર કરીને ઈરાન પર દબાણ વધાર્યું છે. ટ્રમ્પે આક્રમક લહેજામાં કહ્યું કે, "હજુ પણ સમય છે, સમજૂતી કરી લો, નહીં તો બહુ મોડું થઈ જશે. જો ઈરાન પોતાનું વલણ નહીં બદલે તો તેની પાસે કંઈ જ બાકી નહીં રહે, જ્યારે તે હજુ પણ એક મહાન દેશ બની શકે છે." ટ્રમ્પનું આ નિવેદન સીધું સૂચવે છે કે જો ઈરાન નમતું નહીં જોખે તો આગામી દિવસોમાં હુમલાઓ વધુ તેજ થઈ શકે છે.

સળગતું મિડલ ઈસ્ટ અને ઈરાનની ભૂમિકા

નોંધનીય છે કે ઓક્ટોબર 2023 માં ઈઝરાયલ-હમાસ યુદ્ધની શરૂઆત થઈ હતી, જે હવે સમગ્ર ક્ષેત્રમાં ફેલાઈ ગઈ છે. ઈરાન પર હમાસ, હિઝબુલ્લાહ અને હુથી વિદ્રોહીઓને સમર્થન આપવાનો આરોપ છે, જેના કારણે તે સતત અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સીધા મિસાઈલ અને ડ્રોન હુમલા પણ થયા છે, જેણે વિશ્વભરમાં અનિશ્ચિતતા અને ચિંતાનો માહોલ પેદા કર્યો છે.