VIDEO : વ્હાઇટ હાઉસ બહાર હોબાળો! ચીની મીડિયા અને સિક્રેટ સર્વિસ વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

White House Commotion : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ દ્વારા ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ તેમજ તેમના પત્ની પેંગ લિયુઆન માટે વ્હાઇટ હાઉસ ખાતે સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ પૂર્વે વ્હાઇટ હાઉસ પરિસરમાં સુરક્ષા એજન્સીઓ અને મીડિયાકર્મીઓ વચ્ચે જોરદાર બોલાચાલીની ઘટના સામે આવી છે. એક દાયકા કરતાં વધુ સમય બાદ યોજાયેલી ચીની રાષ્ટ્રપ્રમુખની આ મુલાકાત વેળાએ કેમેરા ગોઠવવા બાબતે થયેલા વિવાદે સુરક્ષા વ્યવસ્થામાં ક્ષણિક તણાવ ઊભો કર્યો હતો.
ચીની ફોટોગ્રાફર્સ અને સીક્રેટ સર્વિસ વચ્ચે તીખી તકરાર
વ્હાઇટ હાઉસની બહાર કવરેજ માટે હાજર રહેલા ચીની ફોટોગ્રાફરો, વ્હાઇટ હાઉસના સ્ટાફ ફોટોગ્રાફર્સ અને યુએસ સીક્રેટ સર્વિસના સુરક્ષા જવાનો વચ્ચે વાતાવરણ અચાનક ગરમાયું હતું. મળતી વિગતો મુજબ, વિવાદનું મુખ્ય કારણ ચીની ફોટોગ્રાફરો દ્વારા કરવામાં આવેલું કેમેરા સેટઅપ હતું. સુરક્ષા નિયમો અને જગ્યા ફાળવણી મુદ્દે શરૂ થયેલી ચર્ચા જોતજોતામાં ઉગ્ર દલીલોમાં ફેરવાઈ ગઈ હતી, જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
મહાસત્તાઓ વચ્ચે વિવાદો વચ્ચે ઐતિહાસિક સ્ટેટ ડિનર
ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ એવા સમયે અમેરિકા પહોંચ્યા છે જ્યારે બંને દેશો વચ્ચે અનેક ગંભીર વિષયો પર તણાવ પ્રવર્તી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઈરાન મુદ્દે સંઘર્ષ અને તાઈવાન જેવા વિવાદો સળગતા હોવા છતાં બંને નેતાઓ વચ્ચે ઉચ્ચ સ્તરીય વાર્તાલાપ યોજાયો છે. 10 વર્ષ કરતાં વધુ સમય પછી કોઈ ચીની રાષ્ટ્રપ્રમુખનું આ પ્રથમ અમેરિકા પ્રવાસ છે, જેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.
જિનપિંગના આગમન મુદ્દે અમેરિકી રાજકારણમાં વિરોધના સૂર
ચીની રાષ્ટ્રપ્રમુખના આગમન અને સન્માનને લઈને અમેરિકાના આંતરિક રાજકારણમાં પણ ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા છે. સેનેટની આર્મ્ડ સર્વિસીસ કમિટીના અધ્યક્ષ સેનેટર રોજર વિકરે આ મુલાકાત સામે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, ચીન સાથેના ગંભીર મતભેદો જોતાં પ્રમુખ ટ્રમ્પે શી જિનપિંગને આમંત્રણ આપવું જોઈતું નહોતું. તેમણે સ્પષ્ટ કર્યું કે ડિનર દરમિયાન યોજાનારી ચર્ચામાં ચીનના ઝડપથી વધી રહેલા સૈન્ય વિસ્તાર અને ઈરાનને ચીન તરફથી અપાતા સમર્થન જેવા સળગતા પ્રશ્નો જરૂરથી ઉઠાવવા જોઈએ.
વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કર્યો મુલાકાતનો બચાવ
બીજી તરફ, વહીવટીતંત્રનો પક્ષ રાખતા અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આ બેઠકનું સમર્થન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અમેરિકા અને ચીન વિશ્વની 2 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ છે અને વૈશ્વિક સ્તરે સૌથી શક્તિશાળી સેનાઓ ધરાવે છે. વૈશ્વિક શાંતિ, આર્થિક સ્થિરતા અને કોઈ પણ પ્રકારના સંઘર્ષને ટાળવા માટે ટોચના સ્તરે બંને દેશો વચ્ચે સતત સંવાદ ચાલુ રહે તે અત્યંત અનિવાર્ય છે.




