- દુનિયાના 10 દેશોની સૌથી ખરાબ હાલત છે : પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગો, મ્યાનમાર, નાઇજીરીયા, ઉ. અને દ. સુદાન, સીરીયા અને યમન
યુએન : યુ.એન.ના 'ગ્લોબલ રીપોર્ટ ઓન ફ્રૂડ ક્રાઇસીસ-૨૦૨૬' પ્રમાણે પાકિસ્તાન, દુનિયાના ખાદ્ય સંકટ ભોગવતા ૧૦ દેશોમાં સામેલ છે. તેના ૧.૧ કરોડ લોકો ઉપર તો ભૂખમરો ઝળુંબી રહ્યો છે. ઋતુ પરિવર્તનને લીધે ઊભી થયેલી આપત્તિઓ તે માટે મુખ્ય કારણરૂપ છે.
યુએનનો આ રીપોર્ટ ઘણો ભયાવહ છે. તેમાં જણાવાયું છે કે, દુનિયાભરમાં ખાદ્ય સંકટનો સામનો કરી રહેલા કુલ લોકોનાં બે તૃતીયાંશ લોકો તો આ ૧૦ દેશોમાં રહે છે, તે દેશોમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, નાઇજીરીયા, ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગો, દક્ષિણ સુદાન, ઉત્તર સુદાન, સીરીયા અને યમન સામેલ છે. આ ૧૦ દેશો પૈકી પહેલા ચાર દેશો તો ભારતના પાડોશી દેશો છે.
આ ૧૦ દેશોમાં કુલ મળી ૯૩ લાખ લોકો તો અત્યંત ગંભીર સ્થિતિમાં છે. ત્યાં વ્યાપક ભૂખમરો છે, ત્યાં એક ટંક ભોજન માટે પણ સંઘર્ષ કરવો પડે તેમ છે.
પાકિસ્તાન અંગે આ રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ૨૦૨૫માં ત્યાં આવેલાં પ્રચંડ પૂરોને લીધે પાક નાશ પામ્યો, પૂરોએ ૬૦ લાખ લોકોને તો સીધી અસર કરી હતી. તે ઉપરાંત પાકિસ્તાનમાં બુનિયાદી માળખું પણ લગભગ ભાંગી પડયું હતું. આથી સ્થાનિક સ્તરે ખાદ્ય-પૂરવઠો લગભગ ભાંગી પડયો છે.
આટલું ઓછું હોય તેમ પાકિસ્તાનમાં શરણાર્થીઓનો (ખાસ કરીને અફઘાન શરણાર્તીઓનો) પ્રવાહ પણ થંભ્યો રહેતા સંસાધનો પર ભારે દબાણ પડયું છે. તેના સિંધ, બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનવા પ્રાંતોમાં તો કૂપોષણ વિશેષ ચિંતાનો વિષય છે. તેમાં ખરાબ આહાર, આરોગ્ય સુવિધાઓમાં ઉણપ, સ્વચ્છ પાણી અને સ્વચ્છતાનો અભાવ, પરિસ્થિતિને વધુ ગંભીર બનાવે છે. તેમાં ફુગાવાનો દર ૬ ટકાથી પણ ઉપર ગયો છે. સામાન્ય માનવી માટે રેશન ખરીદવું મુશ્કેલ બન્યું છે.


