World

પાકિસ્તાનમાં અવિરત અશાંતિ : TLP ના પ્રમુખ સાદિકને 3 ગોળી વાગી : તેના ભાઈને પણ ઇજાઓ

By GS TEAM
14 Oct 20252 mins read
પાકિસ્તાનમાં અવિરત અશાંતિ : TLP ના પ્રમુખ સાદિકને 3 ગોળી વાગી : તેના ભાઈને પણ ઇજાઓ

- ગાઝા-પીસ-પ્લાન સામે તેમને સખત વાંધો છે, તેમણે દેશમાં ઠેર ઠેર તોફાનો શરૂ કર્યા છે, તેઓ સશસ્ત્ર છે, પોલીસ સાથે ટકરાઈ રહ્યા છે

નવી દિલ્હી : ત્રાસવાદીઓ દ્વારા ચોપાસ અશાંતિ ઉભી કરનાર પાકિસ્તાન જ ત્રાસવાદી અશાંતિનો ભોગ બન્યું છે. પાકિસ્તાનમાં એક નવું કટ્ટરવાદી સંગઠન તહેરિક-એ-લબ્બૈક, મૌલાના સાદિક હિઝબના નેતૃત્વમાં ઊભું થયું છે. તેઓ ગાઝા-શાંતિ- યોજના સ્વીકારવા તૈયાર નથી. તેથી તેના વિરોધમાં ઠેર ઠેર પાકિસ્તાનમાં તોફાનો શરૂ કરી દીધા છે. તેમનું મુખ્ય જુથ મૌલાના સિદ્દીકી અને તેમજ લઘુબંધુ અનાસની આગેવાની નીચે લાહોરથી ઇસ્લામાબાદ સુધી કૂચ લઈ ગયું છે.

જ્યારે ઇસ્લામાબાદમાં જ રહેલા ટીએલપીના કાર્યકરોએ અમેરિકી દુતાવાસ સમક્ષ ધરણાં શરૂ કરી દીધા છે. પછી પથ્થરબાજી પણ કેટલાકે કરી. આથી પંજાબ પોલીસ અને પાકિસ્તાન રેન્જર્સે તેમને અટકાવવા લાહોર-ઇસ્લામાબાદ ધોરી માર્ગ ઉપર કન્ટેનર્સથી આડસો ઉભી કરી હતી, તો તેઓ માર્ગ પરથી નીચે ઉતરી કન્ટેનર્સ વટાવી આગળ વધતાં પોલીસે ઉભી કરેલી બીજી બેરિકેડસ તરફ ધસી, તે બેરિકેડસ ઓળંગી આગળ ધસતા પોલીસે અને બોર્ડર રેન્જર્સે ટીયર ગેસના ટોટા છોડયા. પરંતુ, આ તોફાનીઓ તૈયાર જ હતા. તેઓએ ભીના કપડા સાથે ટીયર ગેસની શકિત તોડી નાખી.

આટલું જ નહીં પરંતુ તે ટીએલપી કાર્યકરો શસ્ત્ર સજ્જ પણ હતા. તેઓએ પોલીસનો શસ્ત્રો સાથે સામનો કરતાં પોલીસને ગોળીબાર કરવો પડયો હતો. જેમાં તેમના નેતા મૌલાના સાદિક રિઝવીને શરીરમાં જુદા જુદા સ્થળે ૩ ગોળીઓ વાગી હતી. જ્યારે તેમના ભાઈ અનાસને પણ ઇજાઓ થઇ હતી.

નિરીક્ષકો કહે છે કે, ભલે ગાઝા-યુદ્ધમાં શાંતિ પ્રવર્તી રહી છે, પરંતુ પાકિસ્તાનમાં અશાંતિ વધુ વ્યાપી જશે.