સંયુક્ત રાષ્ટ્રએ નવા નકશાને મંજૂરી આપી : 164 દેશોનું સમર્થન, અમેરિકા વિરોધમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- વિશ્વનો નકશો બદલાયો : આફ્રિકા મોટું, અમેરિકા વામણું દેખાશે
- હાલના નકશામાં ધરતીના ધ્રુવોની આસપાસનો વિસ્તાર વાસ્તવિક આકાર કરતા મોટો જ્યારે ભૂમધ્ય રેખાની આસપાસનો વિસ્તાર નાનો દેખાય છે
- ભારત, ફ્રાન્સ સહિતના દેશોએ સંયુક્ત રાષ્ટ્રના સુધારાનું સ્વાગત કર્યું, આકાર બદલાતા અમેરિકા છંછેડાયું
- આફ્રિકા, લેટિન અમેરિકા, એશિયા કરતા અમેરિકા, રશિયા, ચીન વિશાળ દેખાતા હતા, નવા નકશામાં આકાર બદલાયો
સંયુક્ત રાષ્ટ્રો : આશરે ૪૫૦ વર્ષ બાદ વિશ્વનો નકશો બદલાઇ ગયો છે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ નવા નકશાને મંજૂરી આપતો ઠરાવ પસાર કર્યો છે. જેને ૧૬૪ દેશોએ સમર્થન આપ્યું છે. ભારતે પણ નવા નકશાનુ સ્વાગત કર્યું હતું પરંતુ અમેરિકા છંછેડાયું હતું અને વિરોધમાં ઉતર્યું છે. નવા નકશામાં આફ્રિકાનો વિસ્તાર વર્તમાન નકશા કરતા વધુ વિશાળ દેખાય છે. જ્યારે અમેરિકાનું કદ નાનુ દેખાય છે જેને પગલે તેણે આ નકશાનો વિરોધ કર્યો છે.
સમગ્ર વિશ્વના નકશામાં મોટા ફેરફારો થયા છે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નવા નકશાના પ્રસ્તાવને રજુ કરાયો હતો, જેને કુલ ૧૯૩ સભ્ય દેશોમાંથી ૧૬૪ દેશોનું સમર્થન મળ્યું છે. જ્યારે અમેરિકાએ આ નવા નકશાની વિરુદ્ધમાં વોટિંગ કર્યું હતું, છ દેશો મતદાનથી જ દૂર રહ્યા હતા. નવા નકશાનો ઉદ્દેશ્ય સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલા સભ્ય દેશોને શિક્ષણ, સંસ્થાઓ અને અન્ય જગ્યાએ વધુ વાસ્તવીક વર્લ્ડ મેપનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવાનો છે. જોકે આ નવા નકશાનો ઉપયોગ કરવો ફરજિયાત નથી.
વિશ્વના જેટલા પણ ખંડો છે તેનો મૂળ આકાર આ નવા નકશામાં સામેલ કરવામાં આવ્યો છે. હાલમાં જે નકશાનો ઉપયોગ વિશ્વમાં થઇ રહ્યો છે તેમાં ખરેખર પૃથ્વીનો વાસ્તવિક હિસ્સો નહોતો દેખાતો. જ્યારે નવા નકશામાં વાસ્તવિક ખંડનો હિસ્સો પણ દેખાશે. ભારતે નકશામાં સુધારો કરતા સંયુક્ત રાષ્ટ્રના આ પ્રસ્તાવનું સ્વાગત કર્યું હતું એટલે કે સમર્થન જાહેર કર્યું છે. ભારતના યુએનમાં પ્રતિનિધિ રઘુપુરીએ કહ્યું હતું કે સમાન ક્ષેત્રફળવાળા પ્રોજેક્શન મહત્વના છે કેમ કે તે વિવિધ ખંડોના મૂળ ભૂ-ભાગને જાળવી રાખે છે.
અત્યાર સુધી દુનિયામાં મર્કેટર પ્રોજેક્શન ૧૫૬૯ના ફ્લેમિશ કાર્ટોગ્રાફર જેરાર્ડસ મર્કેટરે તૈયાર કરેલા નકશાનો ઉપયોગ થતો આવ્યો છે. હાલમાં ઉપયોગમાં લેવાઇ રહેલ નકશો સમુદ્રી વહન માટે તૈયાર કરવામાં આવ્યો હતો. હવે નવા નકશાને ઇક્વલ પ્રોજેક્શન નામ આપવામાં આવ્યું છે. હાલમાં જે નકશાનો ઉપયોગ થઇ રહ્યો છે તેમાં ધરતીના ધ્રુવોની આસપાસ રહેલો વિસ્તાર તેના વાસ્તવિક આકાર કરતા ઘણો મોટો દેખાય છે. જ્યારે ભૂમધ્ય રેખાની આસપાસના વિસ્તારો તેના મૂળ આકાર કરતા નાના દેખાય છે. નવા નકશાનો ઉદ્દેશ્ય જુના નકશામાં જે ખામી રહી ગઇ છે તેમાં સુધારો કરવાનો છે. ફ્રાન્સના વિદેશમંત્રી જીન બોએલે કહ્યું હતું કે હાલમાં જે નકશો વિશ્વભરમાં અમલમાં છે તેમાં અમેરિકા, રશિયા, ચીન વાસ્તવિક આકાર કરતા વધુ વિશાળ દેખાય છે. જ્યારે બીજી તરફ આફ્રિકા, લેટિન અમેરિકા, સાઉથીસ્ટ એશિયા તેના મૂળ આકાર કરતા નાના દેખાય છે. નકશા બદલી નાખવાથી દુનિયા નહીં બદલાઇ જાય પરંતુ જે ભુલો છે તેને સુધારવી યોગ્ય પગલું છે.




